દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.
Live Updates
બ્રિટિશરોને પહેલી જ ઓવરમાં અર્શદીપના બે ઝટકા
ટી-20 સિરીઝની પ્રથમ મૅચ વરસાદને લીધે ધોવાઈ ગયા બાદ બીજી મૅચમાં ભારતે આપેલા 191 રનના લક્ષ્યાંક સામે ઇંગ્લૅન્ડે અર્શદીપ સિંહની પહેલી જ ઓવરમાં બે વિકેટ ગુમાવી દીધી હતી. દાવના પહેલા જ બૉલ પર અર્શદીપે ફિલ સૉલ્ટ (0)ને વિકેટકીપર ઇશાન કિશનના હાથમાં કૅચઆઉટ કરાવ્યો હતો. આની તુલનામાં ભારતે પહેલી વિકેટ 50મા રને ગુમાવી હતી જેમાં વૈભવ સૂર્યવંશી 14 રન બનાવીને પોતાની આ ડૅબ્યૂ મૅચમાં સ્ટમ્પ-આઉટ થયો હતો. અર્શદીપે પહેલી ઓવરના પાંચમા બૉલમા જૉસ બટલર (0)ને મિડવિકેટ પર વરુણના હાથમાં કૅચઆઉટ કરાવ્યો હતો. કૅપ્ટન હૅરી બ્રૂકે ધમાકેદાર બૅટિંગ કરીને માત્ર 12 બૉલમાં ત્રણ સિક્સર અને ચાર ફોરની મદદથી 37 રન કર્યા હતા અને ત્રણ ઓવરના 2/43ના સ્કોર વખતે ક્રીઝમાં હતો.

ભારતના સાત વિકેટે 190ઃ હવે સ્પિન-ત્રિપુટી અને પેસ પાવરની પરીક્ષા
મૅન્ચેસ્ટરમાં ભારતે ઇંગ્લૅન્ડ સામે શ્રેણીની બીજી ટી-20માં બૅટિંગ લીધી બાદ 20 ઓવરમાં સાત વિકેટે 190 રન બનાવ્યા જેમાં એક પણ હાફ સેન્ચુરી નથી. હવે ભારતના ત્રણ સ્પિનર અક્ષર, વરુણ, બિશ્નોઈ તેમ જ ત્રણ પેસ બોલર અર્શદીપ, હર્ષિત અને શિવમની કસોટી છે. ભારતના 190 રનમાં ઇશાન કિશન (49 રન, 40 બૉલ, છ ફોર) ટૉપ-સ્કોરર હતો. અભિષેક શર્મા 43 રન અને શ્રેયસ ઐયરે 37 રન બનાવ્યા હતા. આધારભૂત બૅટ્સમેનોમાં નવોદિત વૈભવ સૂર્યવંશી (14 રન), શિવમ દુબે (પાંચ રન) અને અક્ષર પટેલ (બે રન)ના સારા યોગદાન નહોતા, પણ તિલક વર્મા (24 અણનમ, 11 બૉલ, બે સિક્સર, એક ફોર)એ છેલ્લી ઓવર્સમાં 218.18ના સ્ટ્રાઇક-રેટ સાથે થોડી ફટકાબાજી કરીને ભારતનો સ્કોર 200 રનની નજીક પહોંચાડ્યો હતો. હર્ષિતે એક સિક્સરની મદદથી છ રન બનાવ્યા હતા. બ્રિટિશ બોલર્સમાં પેસ બોલર સૅમ કરૅને ત્રણ તેમ જ બીજા પેસ બોલર જોફ્રા આર્ચરે એક વિકેટ તેમ જ બે સ્પિનર વિલ જૅક્સ અને લિઆમ ડૉસને એક-એક વિકેટ લીધી હતી.

13 ઓવરમાં ભારતના ત્રણ વિકેટે 130 રન
મૅન્ચેસ્ટરમાં ઇંગ્લૅન્ડ સામે શ્રેણીની બીજી ટી-20માં ભારતે બૅટિંગ લીધા પછી સાધારણ શરૂઆત કર્યા બાદ 65 રન સુધીમાં બે વિકેટ (વૈભવ અને અભિષેક) ગુમાવી દીધી હતી, પણ ત્યાર બાદ ઇશાન કિશન (પચીસ બૉલમાં 35 નૉટઆઉટ) અને કૅપ્ટન શ્રેયસ ઐયર (બાવીસ બૉલમાં 37 રન) વચ્ચે ત્રીજી વિકેટ માટે 65 રનની ભાગીદારી થઈ હતી. 13 ઓવરમાં ભારતનો સ્કોર ત્રણ વિકેટે 130 રન હતો. કિશનની વિકેટ પડ્યા બાદ શ્રેયસ સાથે શિવમ દુબે જોડાયો હતો. એ પહેલાં, વૈભવ સૂર્યવંશી કરીઅરની પહેલી જ મૅચમાં ફક્ત 14 રન બનાવીને આઉટ થયો હતો. તેણે બે સિક્સર ફટકારી હતી. અભિષેક શર્મા (43 રન, 24 બૉલ, એક સિક્સર, આઠ ફોર) સાધારણ ઇનિંગ્સ રમીને (હાફ સેન્ચુરી ચૂકીને) સૅમ કરૅનના બૉલમાં બૅન્ટનના હાથમાં કૅચઆઉટ થયો હતો.
છેતરપિંડીના આક્ષેપ બદલ ભૂતપૂર્વ ચેસ વર્લ્ડ ચૅમ્પિયન સસ્પેન્ડ
આંતરાષ્ટ્રીય ચેસ ફેડરેશન (ફિડે)એ ભૂતપૂર્વ વિશ્વ વિજેતા વ્લાદિમીર ક્રૅમ્નિકને એક વર્ષ માટે સસ્પેન્ડ કર્યો છે. ડેનિયલ નેરોડિસ્કી નામનો ચેસ ખેલાડી ગયા વર્ષે 29 વર્ષની નાની ઉંમરે અવસાન પામ્યો હતો અને આ ખેલાડી સહિત કેટલાક પ્લેયરોએ છેતરપિંડી કરી હોવાનો પુરાવા વગરનો આક્ષેપ ક્રૅમ્નિકે કર્યો હતો જેને પગલે તેના પર સસ્પેન્શન લાગુ કરવામાં આવ્યું છે.

જાફરાબાદના દરિયામાં 15 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા
અમરેલીના જાફરાબાદનો દરિયો ગાંડોતૂર બન્યો છે. ભારે વરસાદની આગાહી વચ્ચે દરિયામાં જોરદાર કરંટ જોવા મળ્યો છે. જાફરાબાદના દરિયામાં 15 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા છે. તકેદારીના ભાગરૂપે બંદર પર ૩ નંબરનું સિગ્નલ લાગાવાયું છે.માછીમારોની સુરક્ષા માટે 700થી વધુ બોટો કાંઠા પર લાંગરી દેવામાં આવી છે.
ગુજરાતમાં સવારે 10 વાગ્યા સુધીના વરસાદી આંકડા
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર મુજબ, આજે સવારે 6 થી 10 વાગ્યા સુધીમાં રાજ્યના 48 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જોકે ચાર કલાકમાં એક પણ તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ પડ્યો નથી. વલસાડના કપરાડામાં સૌથી વધુ 0.83 ઇંચ વરસાદ નોંધાયો છે. કવાંટમાં 0.59 ઇંચ, ગણદેવીમાં 0.55 ઇંચ વરસાદ પડ્યો છે. 45 તાલુકામાં અડધા ઇંચથી ઓછો વરસાદ પડ્યો છે.
છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 225 તાલુકામાં વરસાદ, માંગરોળમાં 22.24 ઇંચ
રાજ્યમાં ચોમાસાએ જમાવટ કરી છે. છેલ્લા 24 કલાકમાં 225 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જૂનાગઢના માંગરોળમાં સૌથી વધુ 22.24 ઇંચ વરસાદ ખાબક્યો હતો. માળીયા હાટીનામાં 14.09 ઇંચ, વઘઈમાં 13.43 ઇંચ વરસાદ પડતાં પાણી પાણી થઈ ગયા હતા.