દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.
Live Updates
જૉકોવિચ વિમ્બલ્ડનના ત્રીજા રાઉન્ડમાં
લંડનઃ ભૂતપૂર્વ વર્લ્ડ નંબર-વન નોવાક જૉકોવિચે વિમ્બલ્ડન ટેનિસ ચૅમ્પિયનશિપમાં સ્ટેફાનૉસ સિત્સીપાસને 6-3, 6-4, 6-2થી હરાવીને ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો. અન્ય એક મૅચમાં ઝવેરેવનો 6-1, 6-3, 7-3થી વિજય થયો હતો. મહિલા વર્ગમાં ઇગા સ્વૉન્ટેક બીજા રાઉન્ડમાં પ્લિસકોવા સામે 6-1, 6-3થી જીતીને થર્ડ રાઉન્ડમાં પહોંચી હતી. 44 વર્ષની સેરેનાને હરાવનાર 20 વર્ષીય માયા જૉઇન્ટનો ઍલેક્ઝાંડ્રા ઇઆલા સામે 3-6, 6-2, 6-0થી વિજય થયો હતો.

ઇઝરાયલના હુમલામાં પૅલેસ્ટિનના ફૂટબૉલ ગોલકીપરનું મૃત્યુ
ઇઝરાયલના સૈનિકોએ બુધવારે ગાઝા પર કરેલા હુમલામાં પૅલેસ્ટિનની એક ફૂટબૉલ ક્લબના 32 વર્ષીય ગોલકીપર સલીમ અલ-અસકારનું મૃત્યુ થયું હતું. આ ઘટના ગાઝાના અલ-કરારા વિસ્તારમાં બની હતી જ્યાં ખેલકૂદ સાથે સંકળાયેલા કેટલાક ખેલાડીઓ અને અધિકારીઓના ઘર નિશાન બન્યા હતા. સલીમ ગૅસ સિલિન્ડર ફરી ભરવા માટે સાઇકલ પર જઈ રહ્યો હતો ત્યારે તે આ હુમલાનો શિકાર થયો હતો. તેના પાંચ મહિના પહેલા લગ્ન થયા હતા અને તેની પત્ની ગર્ભવતી છે.

રામ મંદિર કથિત જમીન ખરીદી કેસમાં SIT ચંપત રાયની પણ પૂછપરછ કરશે
રામ મંદિર દાન ચોરી કેસમાં તપાસ તેજ કરવામાં આવી છે. જેમાં રોકડની દાન ચોરી બાદ હવે કથિત જમીન ખરીદીની પણ તપાસ કરવામાં આવી રહી છે. આ કથિત જમીન ખરીદી કેસમાં એસઆઈટીએ અનિલ મિશ્રા અને ગોપાલ રાયની પૂછપરછ કરી છે. તેની બાદ હવે ચંપત રાયની પૂછપરછ કરવામાં આવશે.
આયરલૅન્ડમાં ભારતની પાંચ વિકેટ લેનાર જય મુંદરાને જૉન્ટીની ટીમે ખરીદી લીધો
ડબ્લિનથી મળતા અહેવાલ મુજબ તાજેતરમાં આયરલૅન્ડમાં ટીમ ઇન્ડિયાની 0-2ની વાઇટવૉશની નામોશી માટે કારણરૂપ ફાસ્ટ બોલર જય મુંદરાને સાઉથ આફ્રિકન ક્રિકેટ લેજન્ડ જૉન્ટી રહોડ્સની સહ-માલિકીવાળી ટીમ રૉટરડેમ ડૉકર્સે ખરીદી લીધો છે. મુંદરાએ ઇન્ટરનૅશનલ કારકિર્દીના પહેલા જ બૉલ પર વિકેટ લીધી હતી. સિરીઝમાં તેણે કુલ પાંચ વિકેટ લીધી હતી. તેણે સૅમસનની બે વખત તેમ જ અભિષેક શર્મા, શ્રેયસ ઐયર અને શિવમ દુબેની એક-એક વાર વિકેટ લીધી હતી. તેની આ ખરીદી ઇટીપીએલ પ્લેયર ડ્રાફ્ટ માટેની છે. આ લીગ ટૂર્નામેન્ટના છ ફ્રૅન્ચાઇઝી આયરલૅન્ડ, સ્કૉટલૅન્ડ અને નેધરલૅન્ડ્સમાંથી 12-12 ખેલાડી સિલેક્ટ કરશે. જય મુંદરા મૂળ રાજસ્થાનનો છે. જૉન્ટી રહોડસે કહ્યું, `અમે જય મુંદરા જેવા જ ફાસ્ટ બોલરને અમારી ટીમમાં સમાવવા માગતા હતા. તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં જબરદસ્ત એન્ટ્રી કરી છે.

એર ઈન્ડિયા એક્સપ્રેસે ખાડી દેશોમાં હવાઈ સેવા પુન: કાર્યરત કરવાની જાહેરાત કરી
ભારતના હવાઈ મુસાફરો માટે રાહતના સમાચાર આવ્યા છે. જેમાં લાંબા સમયથી મિડલ ઈસ્ટમાં યુદ્ધના વાતાવરણ વચ્ચે ખાડી દેશોમાં બંધ કરવામાં આવેલી હવાઈ સેવાઓ પુન: યથાવત કરવાની ક્વાયત હાથ ધરવામાં આવી રહી છે. જેમાં એર ઈન્ડિયા એક્સપ્રેસ પશ્ચિમ એશિયાના તમામ સ્થળોએ તેની ફ્લાઇટ સેવાઓ ફરી શરૂ કરવાની જાહેરાત કરી છે.
પીએમ મોદી અને જાપાનના વડાપ્રધાને હરિયાણાના ખરખોદાના મારુતિ પ્લાન્ટનું ઉદઘાટન કર્યું
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના પીએમ સાનાઇ તાકાઈચીએ વીડિયો કોન્ફરન્સિંગબ માધ્યમથી હરિયાણાના ખરખોદા મારુતિ સુઝુકી ઇન્ડિયાના નવા પ્લાન્ટનું સંયુક્ત રીતે ઉદ્ઘાટન કર્યું હતું. જેને ભારતના ઓટોમોબાઈલ ક્ષેત્રમાં આ સૌથી મોટા રોકાણોમાંનું એક માનવામાં આવે છે.
ભારતે સિંધુ જળ સમજૂતી સ્થગિત કર્યા બાદ પાકિસ્તાનમાં પાણીની તીવ્ર અછત
જમ્મુ કાશ્મીરમાં વર્ષ 2025માં પાકિસ્તાન દ્વારા કરાયેલા પહલગામ આતંકી હુમલામાં 26 લોકોએ જીવ ગુમાવ્યા હતા. જેની બાદ ભારતે પાકિસ્તાન સાથેના વર્ષ 1960ની સિંધુ જળ સમજૂતી સ્થગિત કરી દીધી છે. જેના પગલે હાલમાં પાકિસ્તાન પાણીની તીવ્ર અછત અનુભવી રહ્યું છે.
પીએમ મોદી અને જાપાનના વડાપ્રધાન સાનાઇ તાકાઇચી વચ્ચે મુલાકાત, એઆઇ સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા
જાપાનના વડાપ્રધાન સાનાઇ તાકાઈચી ત્રણ દિવસના ભારત પ્રવાસે છે. આ દરમિયાન આજે ભારત અને જાપાન વચ્ચે વિવિધ ક્ષેત્રોમાં સહયોગ માટે એમઓયુ કરવામાં આવ્યા હતા. ત્યારે પીએમ મોદીએ જાપાનના વડાપ્રધાન સાનાઇ તાકાઇચીને નાની બહેન ગણાવ્યા હતા. તેમજ કહ્યું હતું કે ભારત-જાપાન વાર્ષિક સમિટ માટે જાપાનના વડાપ્રધાન તાકાઇચીનું તેમની પ્રથમ ભારત મુલાકાત સ્વાગત કરતાં આનંદ થાય છે.
ગુજરાતમાં બપોરે 12 થી 2માં 61 તાલુકામાં વરસાદ
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર મુજબ આજે બપોરે 12 થી 2 ના સમયગાળામાં રાજ્યમાં 61 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જૂનાગઢના માંગરોળમાં સૌથી વધુ 3.31 ઇંચ, માણાવદરમાં 1.46 ઇંચ, લોધીકામાં 1.42 ઇંચ, સૂત્રાપાડામાં 1.18 ઇંચ, બોટાદમાં 1.06 ઇંચ, પાટણ-વેરાવળમાં 1.02 ઇંચ વરસાદ પડ્યો હતો.
ઉપરવાસમાં ભારે વરસાદથી સરદાર સરોવર નર્મદા ડેમમાં નવા નીરની આવક શરૂ
મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં વરસાદના કારણે હાલમાં ડેમમાં 39,315 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. હાલ સરદાર સરોવર ડેમની સપાટી 126.17 મીટર પર પહોંચી છે. ડેમના કેનાલ હેડ પાવર હાઉસના બે યુનિટ કાર્યરત કરવામાં આવ્યા છે, જેના દ્વારા વીજ ઉત્પાદન થઈ રહ્યું છે, ઉપરાંત 16,513 ક્યુસેક પાણી ગુજરાતની કેનાલોમાં છોડવામાં આવી રહ્યું છે.
બેંગલુરુમાં મોટી દુર્ઘટના, પથ્થરની ખાણમાં ખડક ધસી પડતાં બિહારના સાત મજૂરોના મોત
કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં એક મોટી દુર્ઘટના સર્જાઇ છે. ગુરુવારે સવારે બેંગલુરુ સાઉથ તાલુકાના માદાપટ્ટના વિસ્તારમાં એક પથ્થરની ખાણમાં વિશાળકાય ખડક ધસી પડ્યો હતો. આ અકસ્માતમાં બિહારના રહેવાસી એવા 7 મજૂરોના કાટમાળ નીચે દબાઈ જવાથી ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે, જ્યારે અન્ય કેટલાક મજૂરો ઘાયલ થયા છે.
સવારને બે કલાકમાં સૌરાષ્ટ્રમાં વરસાદે જમાવટ કરી
સવારે 6 થી 8 એમ બે કલાકના સમયગાળામાં વરસાદે સૌરાષ્ટ્રમાં જમાવટ કરી છે. ગીર સોમનાથના સૂત્રાપાડામાં સૌથી વધુ 2.36 ઇંચ, જૂનાગઢના વંથલીમાં 1.73 ઇંચ, કોડિનારમાં 1.38 ઇંચ, જૂનાગઢમાં 0.83 ઇંચ, ઉનામાં 0.79 ઇંચ વરસાદ વરસ્યો છે. સવારના બે કલાકમાં કુલ 34 તાલુકામાં વરસાદ નોંધાયો છે.

તમિલનાડુના રાજકારણમાં ભૂકંપ: AIADMKમાં ભંગાણના એંધાણ
તમિલનાડુના પ્રાદેશિક રાજકારણમાંથી સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. AIADMKને ખૂબ જ મોટો ફટકો પડવા જઈ રહ્યો છે. પક્ષના અગ્રણી નેતાઓ અને પૂર્વ મંત્રીઓ હવે અભિનેતામાંથી રાજનેતા બનેલા થલપતિ વિજયની રાજકીય પાર્ટી TVKમાં સામેલ થઈ શકે છે. આ પક્ષપલટાને કારણે રાજ્યના રાજકીય સમીકરણો સંપૂર્ણપણે બદલાઈ જાય તેવી શક્યતા સેવાઈ રહી છે.
ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે, જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે 7 જુલાઈ સુધી રાજ્યમાં ગાજવીજ અને પવન સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અંદાજે 15 જેટલા જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.