મુંબઈ: બોમ્બે હાઈકોર્ટે હાઉસિંગ સોસાયટી અંગે મહત્વનો ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે કહ્યું છે કે હાઉસિંગ સોસાયટી કોઈ સભ્યને માત્ર એટલા માટે ન કાઢી મૂકી શકે, કે તેમણે મેનેજિંગ કમિટી સામે પ્રશ્ન કર્યો હોય અથવા કોર્ટ અને સરકારી અધિકારીઓ સમક્ષ ફરિયાદો કરી હોય.
પુણેના કોથરુડમાં આવેલી એક સહકારી હાઉસિંગ સોસાયટીના કેટલાક સભ્યોએ સોસાયટીના વહીવટ અંગે ચિંતા વ્યક્ત કરી હતીએ અને પ્રશ્નો ઉઠાવ્યા હતાં,કમિટીએ કાર્યવાહી કરીને આ પાંચ સભ્યોનીને હાઉસિંગ સોસાયટીમાંથી કાઢી મુક્યા હતાં. આ કેસ અંગે હાઈ કોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી, કોર્ટે હાઉસિંગ સોસાયટીના નિર્ણયને રદ કર્યો હતો.
બોમ્બે હાઈ કોર્ટના ન્યાયાધીશ અમિત બોરકરે કહ્યું કે હાઉસિંગ સોસાયટીમાંથી કોઈને કાઢી મુકવું એ એક ગંભીર પગલું છે, જેના ગંભીર પરિણામો આવી શકે છે. અસંમત સભ્યોને દબાવવા કે કાયદેસર મુકદ્દમો દાખલ થતો રોકવા આવા પગલા ભરી શકાય નહીં.
હાઈ કોર્ટે કહ્યું, "સહકારી હાઉસિંગ સોસાયટી પરસ્પર વિશ્વાસ અને સામૂહિક ભાગીદારીના આધારે બનેલી હોય છે. સભ્યો યોગદાન આપે છે, તેઓ પ્રતિનિધિઓની પસંદગી કરે છે. સભ્યોને તેમના નાણા, મિલકત અથવા અધિકારોને લગતા નિર્ણયો પર સવાલ ઉઠાવવાનો અધિકાર છે."
હાઈ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ સભ્ય છેતરપિંડી, હિંસા, ભંડોળનો દુરુપયોગ અથવા એવી વર્તણૂક કે જેનાથી સોસાયટીનું કામ અટકી પડે જેવું કાર્ય કરી સોસાયટીને ગંભીર નુકસાન પહોંચાડે તોજ તેની હકાલ પટ્ટી થઇ શકે.
શું છે મામલો?
પુણેના કોથરુડમાં આવેલી સોસાયટીમાં પાંચ સભ્યોએ 2017 થી 2021 ની વચ્ચે ફ્લેટ ખરીદ્યા હતા. સમય જતાં તેમણે મેનેજિંગ કમિટીના કેટલાક નિર્ણયો પર સવાલ ઉઠાવ્યા હતાં, સભ્યો એ સહકારી વિભાગ અને પુણે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ સમક્ષ ફરિયાદો નોંધાવી હતી.
વર્ષ 2021 માં સોસાયટીમાં 26 સભ્યોના એક જૂથે પાંચેય સભ્યો પર ખોટી અને બદનક્ષીભરી ફરિયાદો કરવાનો આરોપ લગાવ્યો હતો.
ઓક્ટોબર 2023 સોસાયટીની જનરલ બોડીએ પાંચેયનું સભ્યપદ રદ કરવાનો ઠરાવ પસાર કર્યો હતો, જૂન 2024 માં સબ-રજિસ્ટ્રારએ આ નિર્ણયને મંજૂરી આપી હતી.
કોઓપરેટીવ ઓથોરીટી સમક્ષ અપીલમાં હાર મળ્યા બાદ આં પાંચેય સભ્યોએ હાઇકોર્ટનો સંપર્ક કર્યો હતો.