Sat Aug 22 2026

Logo

મુંબઈના વરલી, પ્રભાદેવીમાં કચરાના ઢગલા

2026-08-08 10:01:00
Author: Sapna Desai
Article Image

પાલિકાની નવી ઈન્ટિગ્રેટેડ સોલિડ વેસ્ટ કલેકશન સિસ્ટમને અમલમાં મૂકવાની પ્રક્રિયા શરૂ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાની નવી ઈન્ટિગ્રેટેડ સોલિડ વેસ્ટ કલેકશન સિસ્ટમે મુંબઈના  જી-સાઉથ અને જી-ઉત્તર વોર્ડના કેટલાક ભાગોમાં સ્વચ્છતાની સમસ્યાઓ ઊભી કરી છે, ટ્રાન્ઝિશન તબક્કા દરમ્યાન કચરો ઉપાડવામાં વિલંબ થવાથી વરલી અને પ્રભાદેવીના અનેક વિસ્તારોમાં કચરાનો ઢગલો થઈ ગયો છે અને તેને કારણે ચોતરફ  દુર્ગંધ અને સ્વચ્છતાનું વાતાવરણ નિર્માણ થયું છે.

પાલિકાના વિરોધ પક્ષ નેતા કિશોરી પેડણેકરે કચરાના ઢગલા માટે પાલિકાના નબળા આયોજન, બિનઅસરકારક માનવબળ તૈનાત અને દેખરેખનો અભાવ જવાબદાર ગણાવ્યો હતો અને આરોપ લગાવ્યો હતો કે નવો કૉન્ટ્રેક્ટર મેટ્રો વેસ્ટ યોગ્ય સેવાઓ પૂરી પાડવામાં નિષ્ફળ ગયો છે. શિવસેના (યુબીટી)નું એક પ્રતિનિધિમંડળ શુક્રવારે જી-સાઉથ વોર્ડના આસિસ્ટન્ટ કમિશનર સ્વપ્નજા ક્ષીરસાગરને મળ્યું હતું અને આ મુદ્દા પર એક મેમોરેન્ડમ સુપરત કર્યું હતું. 

વિરોધ પક્ષ નેતાએ આરોપ લગાવ્યો હતો કે નવા આપવામાં આવેલા ૬,૦૦૦ કરોડ રૂપિયાના ઘન કચરા વ્યવસ્થાપન કરાર પ્રારંભિક તબક્કે નિષ્ફળ ગયો છે તેમણે દાવો કર્યો હતો કે પ્રભાદેવી અને વરલીના અનેક વિસ્તારમાં જમા થયેલા કચરાના ઢગલાથી અસ્વચ્છતા નિર્માણ થઈ છે અને લોકોમાં ભારે ગુસ્સો જોવા મળી રહ્યો છે. તેમણે ચેતવણી આપી હતી કે જો પરિસ્થિતિ બે થી ત્રણ દિવસમાં સુધરશે નહીં, તો સંબંધિત પાલિકાના અધિકારીઓની ઓફિસની બહાર ‘કચરા ફેંકો’ આંદોલન કરવામાં આવશે.

પાલિકાના ઉચ્ચ અધિકારીએ આ બાબતે જણાવ્યું હતું કે આ વિક્ષેપ કામચલાઉ હતો અને નવી સિસ્ટમને અમલમાં મૂકવામાં આવી રહી હોવાને કારણે થઈ રહ્યો હતો. અધિકારીએ ઉમેર્યું હતું કે કચરાના ઢગલાની સમસ્યા ત્રણથી ચાર દિવસમાં સુધરી જશે. મુંબઈમાં દરરોજ લગભગ ૭,૨૦૦ મેટ્રિક ટન કચરો ઉત્પન્ન થાય છે.  વોર્ડ-સ્તરે નવા ઇન્ટિગ્રેટેડ મોડેલ હેઠળ એક જ કૉન્ટ્રેક્ટર એન્ડ-ટુ-એન્ડ કચરાના તમામ સંચાલન કરશે, જેમાં ડોર-ટુ-ડોર કલેક્શન, પરિવહન, કોમ્યુનિટી ડબ્બાઓની જાળવણી, રોડસાઇડ કચરાપેટીઓ, અલગ સૂકા કચરાના સંગ્રહ અને સમર્પિત ટોલ-ફ્રી ફરિયાદ નિવારણ સિસ્ટમનો સમાવેશ થાય છે.