Sun Sep 06 2026

Logo

28 વર્ષથી ભાજપ કાર્યાલયમાં કામ કરતા પટ્ટાવાળાને ટિકિટ, અન્ય ઉમેદવારી પણ ચર્ચામાં

2026-04-11 17:02:21
Author: Pooja Shah
28 વર્ષથી ભાજપ કાર્યાલયમાં કામ કરતા પટ્ટાવાળાને ટિકિટ, અન્ય ઉમેદવારી પણ ચર્ચામાં

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદઃ
ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશન (એમએમસી) ની ચૂંટણી માટે રમેશ ભીલને પોતાના સત્તાવાર ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. રમેશ ભીલનું નામ ચર્ચામાં છે કારણ કે તેઓ છેલ્લા 28 વર્ષથી મહેસાણા જિલ્લા ભાજપ મુખ્યાલય પંચામૃતમાં પટાવાળા તરીકે સેવા આપી રહ્યા છે. 

લગભગ ત્રણ દાયકાની પક્ષના કાર્યાલયમાં રોજ દેખાતા, એક્ટિવ રહેતા ભીલની પક્ષ પ્રત્યેની વફાદારીનું ફળ તેમને મળ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ભીલે કહ્યું હતું કે 28 વર્ષથી હું પાર્ટી કાર્યાલયમાં કામ કરી રહ્યો છું. મારા કામની કદર કરવા બદલ હું કૃતઘ્નતા અનુભવું છું. માત્ર મહેસાણા જ નહીં, અન્ય અમુક શહેરોની બેઠકોના ઉમેદવારો પણ ચર્ચામાં છે. જેમાં લોકડાયરા ગાયક માયાભાઈ આહિરની દીકરી  સોનલબેન મોનીલભાઈ ડેરે ચાવંડ તાલુકા પંચાયત બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું હતું. સોનલબેન અમરેલી જિલ્લાના આગેવાન જીતુ ડેરનાં પુત્રવધુ છે. ગત ટર્મમાં જીતુ ડેરના પત્ની જિલ્લા પંચાયત સદસ્ય તરીકે ચૂંટાયા હતા. 

આ સાથે અમરેલી જિલ્લાની બગસરા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે વોર્ડ નંબર ૨ માંથી ૨૧ વર્ષીય વિદ્યાર્થિની વિશ્વા નકુમને ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતારી છે.  હાલ બી.એસસી. નર્સિંગના ચોથા વર્ષમાં અભ્યાસ કરતી વિશ્વા નકુમ પર ભરોસો મૂકી ભાજપે માત્ર અનુભવના નામે ઉંમરલાયકને ટિકિટ આપવાની પરંપરા તોડી છે. આ સાથે વડોદરા જિલ્લા પંચાયતની પોર બેઠક પર ભાજપે સોશિયલ મીડિયા(ઈન્સ્ટાગ્રામ) ઈન્ફલુએન્સર અંકિતા રોનક પરમારને ટિકિટ આપી છે. અંકિતા જીમ ચલાવે છે અને સોશિયલ મીડિયા પર નોંધપાત્ર પ્રેઝન્સ ધરાવે છે. જોકે તેની ઉમેદવારીએ વિવાદ પણ જગાવ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.