Mon Oct 05 2026

Logo

ભુજ રેલવે સ્ટેશન પર સામાન્ય બોલાચાલીમાં પરપ્રાંતીય યુવાનની હત્યા

2026-10-02 19:10:34
Author: Chandrakant Kanoja
ભુજ રેલવે સ્ટેશન પર સામાન્ય બોલાચાલીમાં પરપ્રાંતીય યુવાનની હત્યા

ભુજ: ભુજના અત્યંત વ્યસ્ત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક પર બપોરના સુમારે સામાન્ય બોલાચાલી બાદ ઉશ્કેરાયેલા એક શખ્સે લોખંડના સળિયા વડે હુમલો કરી 28  વર્ષીય પરપ્રાંતીય યુવાનની કરપીણ હત્યા કરી નાખતાં ચકચાર મચી ગઈ છે. ભરચક રેલવે પ્લેટફોર્મ પર જાહેરમાં બનેલા આ બનાવના પગલે મુસાફરોમાં ભારે નાસભાગ અને દહેશતનો માહોલ સર્જાયો હતો.

બંને વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી 

રેલવે પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર  સાંજે 4:30 વાગ્યાના અરસામાં મૂળ બિહારનો વતની મુકેશ સહની (ઉ.વ.28 ) ખભે બેગ લટકાવીને પ્લેટફોર્મ નંબર એક પર ઊભો હતો. આ  દરમિયાન ત્યાં ઉપસ્થિત એક અજાણ્યા શખ્સને મુકેશે સહજભાવે પૂછ્યું હતું કે, તારે ક્યાં જવું છે. આ સાંભળી સામેવાળા શખ્સે તું મને શું કામ પૂછે છે.આમ કહી ઉદ્ધત જવાબ આપતાં બંને વચ્ચે બોલાચાલી શરૂ થઈ ગઈ હતી.

ઘટનાસ્થળે જ તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું

તેમજ તકરાર એટલી હદે વકરી ગઈ કે બંને વચ્ચે ઉગ્ર ઝપાઝપી શરૂ થઈ હતી. તે દરમિયાન પ્લેટફોર્મ પર ચાલી રહેલા બાંધકામ સ્થળેથી આરોપીએ અચાનક એક લોખંડનો સળિયો ઉપાડી લીધો હતો અને મુકેશના માથાના ભાગે ફટકો મારી દીધો હતો. માથામાં ગંભીર ઈજા પહોંચતાં મુકેશ સહની લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યો હતો અને ઘટનાસ્થળે જ તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

હત્યાનો ગુનો નોંધી કાયદેસરની તપાસ તેજ

આ બનાવની જાણ થતાં જ રેલવે પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો અને ભાગવાનો પ્રયાસ કરી રહેલા આરોપીને સમયસૂચકતા વાપરી રાઉન્ડઅપ કરી લીધો હતો. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપી પોતાને ગાંધીધામના ભારતનગર વિસ્તારનો રહેવાસી ગણાવી રહ્યો છે. જોકે રેલવે પોલીસે તેની ઓળખ અને સરનામાની સત્તાવાર ખરાઈ કરવાની અને આ મામલે હત્યાનો ગુનો નોંધવા સહિતની આગળની કાયદેસરની તપાસ તેજ કરી છે.

(ઉત્સવ વૈધ)