ભુજઃ સાયબર ગઠિયાઓ દ્વારા લોકોને છેતરવા માટે નવી નવી મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. છાશવારે કોઈને કોઈ વ્યક્તિ સાથે લાખો કરોડો રૂપિયાની ઠગાઈ થતી હોવાની ઘટનાઓ પ્રકાશમાં આવતી રહે છે. આવી જ એક ઘટના ફરી ભુજના માધાપરમાં બની હોવાનું જાણવા મળ્યું છે. વન ટાઈમ પાસવર્ડ (ઓટીપી) વિના બેંક ખાતાઓ અને ક્રેડિટ કાર્ડમાંથી નાણાં સેરવી લેતી સાયબર ગઠિયાઓની નવી મોડસ ઓપરેન્ડીનો વધુ એક કિસ્સો ભુજના માધાપર ગામમાં સામે આવ્યો છે.
વિગતે વાત કરવામાં આવે તો, એક યુવાનના ક્રેડિટ કાર્ડમાંથી વહેલી સવારે યુએસ ડોલરમાં ઉપરાઉપરી પાંચ આંતરરાષ્ટ્રીય ટ્રાન્ઝેક્શન કરીને ગઠિયાઓએ રૂપિયા 01,43,702.95 ની રકમ સેરવી લીધી હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. માધાપરના બાપા દયાળુનગર-૩ માં રહેતા ભાવિન નટવરલાલ સુથાર એયુ સ્મોલ ફાઇનાન્સ બેન્કનું ક્રેડિટ કાર્ડ ધરાવે છે. તેમણે ગત તારૂખ 11 સપ્ટેમ્બરના રોજ બપોરે રેડબસ એપ્લિકેશન મારફતે બસની ટિકિટ બુક કરાવી હતી. ત્યારબાદ 12 સપ્ટેમ્બરની સવારે સંબંધિત બેંકના કસ્ટમર કેરમાંથી તેમને ફોન આવ્યો હતો અને રાત્રિના સમયે ક્રેડિટ કાર્ડમાંથી થયેલા શંકાસ્પદ પાંચ ટ્રાન્ઝેક્શન અંગે પૂછપરછ કરવામાં આવી હતી.
ફરિયાદીએ આવા કોઈ વ્યવહાર કર્યા ન હોવાનું જણાવતાં તાત્કાલિક ક્રેડિટ કાર્ડ બ્લોક કરાવી દીધું હતું. ત્યારબાદ પોતાના મોબાઈલમાં મેસેજ તપાસતાં વહેલી સવારે પાંચેક વાગ્યાના અરસામાં એમેઝોન વેબ સર્વિસીસ ખાતે 300.30 યુએસ ડોલર લેખે સતત પાંચ વખત નાણાં કપાયા હોવાના મેસેજ મળ્યા હતા. ચોંકાવનારી વાત એ છે કે, કોઈ પણ ઓટીપી કે પિન શેર કર્યા વિના જ આંતરરાષ્ટ્રીય સ્તરે આટલી મોટી રકમ ઉપડી જતાં યુવાન સ્તબ્ધ થઈ ગયો હતો.
સાયબર ક્રાઈમની આ ગંભીર ઘટના અંગે માધાપર પોલીસે ઓનલાઈન છેતરપિંડીનો ગુનો નોંધી, સાયબર સેલની મદદથી જે આઈપી એડ્રેસ અને એકાઉન્ટમાં રકમ ટ્રાન્સફર થઈ છે તેનું ટેકનિકલ પગેરું મેળવવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આવી ઘટના અત્યારે વધી રહી છે. લોકો ગમે તેટલી સાવધાની રાખે પરંતુ સાયબર ગઠિયાઓ નવી નવી રીતે શોધી લાવીને લોકોને છેતરી રહ્યાં છે.
(ઉત્સવ વૈદ્ય)