Mon Oct 05 2026

Logo

માંડવી તાલુકામાં ૧૦ ઘાસડેપો કાર્યરત: ૪ લાખ કિલોથી વધુ ઘાસનું રાહત દરે વિતરણ

2026-09-12 11:12:00
Author: Mumbai Samachar Team
માંડવી તાલુકામાં ૧૦ ઘાસડેપો કાર્યરત: ૪ લાખ કિલોથી વધુ ઘાસનું રાહત દરે વિતરણ


ભુજ: દેશના બીજા નંબરના સૌથી મોટા કચ્છ જિલ્લામાં વરસાદ ખેંચાતાં ઉભી થઇ રહેલી દુષ્કાળની પરિસ્થિતિને લઈને માલધારીઓ ચિંતિત છે, ત્યારે પશુધનની ઘાસચારાની જરૂરિયાતને પહોંચી વળવા રાજ્ય સરકાર દ્વારા અત્યાર સુધી ૧૭ લાખ કિલોગ્રામથી વધુ ઘાસ અપાઈ ચૂક્યું છે. તાલુકા કક્ષાએ નવી નોંધણી સાથે ઘાસકાર્ડ ઈશ્યૂ કરવાની અને માગણી મુજબ ઘાસચારા વિતરણની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.

માંડવી તાલુકા મામલતદાર પ્રદ્યુમનાસિંહ જેઠવાના જણાવ્યા અનુસાર, માંડવી તાલુકામાં ગત તા. ૨૩ જુલાઈથી અત્યાર સુધીમાં ૪ લાખ કિલોગ્રામથી વધુ ઘાસનું વિતરણ કરવામાં આવ્યું છે. તાલુકાના ૧,૪૦,૦૮૯ પશુધનને આવરી લેવા ૯૦ ગામો માટે કુલ ૧૦ ઘાસડેપો કાર્યરત કરવામાં આવ્યા છે. હાલ તાલુકામાં ૫,૩૦૦ ઘાસકાર્ડ ઈશ્યૂ કરી દેવાયા છે અને વિતરણ પ્રક્રિયા સતત જારી છે.

કોડાયના સરપંચ વિરલ જોશીએ જણાવ્યું હતું કે, કોડાય ખાતે શરૂ કરાયેલા ડેપોમાં આસપાસના ૧૧ ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
બજારમાં જે ઘાસ પ્રતિકિલો રૂ.૧૫ થી રૂ ૧૬ના ભાવે મળે છે, તે જ ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઘાસ સરકાર દ્વારા માત્ર રૂપિયા ૨ના સબસિડીવાળા નજીવા ભાવે અપાતાં પશુપાલકોમાં ભારે રાહતની લાગણી વ્યાપી છે. માંડવી પંથકના માલધારીઓએ સરકારની આ કામગીરીને બિરદાવી હતી.

ઉત્સવ વૈદ્ય