ભુજ શહેરના જુબિલી ગતાઉન્ડથી વી.ડી. હાઈસ્કૂલ તરફ જતા ધમધમતા માર્ગની બંને બાજુએ દુંદાળા દેવ ગણપતિ બાપાની પ્રતિમાઓની પધરામણી થઈ ચૂકી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશોત્સવને લઈને કચ્છમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
જોકે, આ વર્ષે બાપાની આંખોને ઠંડક અને મનને શાંતિ આપતી મૂર્તિઓ પર પણ મોંઘવારીનું ગ્રહણ લાગ્યું છે. કાચા માલના ભાવ વધારાને કારણે ગણેશજીની મૂર્તિઓના ભાવમાં ૧૦૦ ટકા સુધીનો વધારો નોંધાયો છે, એટલે કે મૂર્તિઓના ભાવ લગભગ બમણા થઈ ગયા છે.
માંડવીથી ભુજ ખાતે ગણેશ પ્રતિમાઓ વેચવા આવેલા પ્રવીણ મારવાડી અને જમનાબેન ગોપાલ મારવાડીના જણાવ્યા અનુસાર, હાલ રોડ સાઇડ પર રૂ. ૨૦૦થી શરૂ કરીને રૂ. ૨૦,૦૦૦ સુધીની મૂર્તિઓનું વેચાણ થઈ રહ્યું છે. ભાવ વધારા છતાં શ્રદ્ધાળુઓ અને આયોજકોમાં અનેરો ઉત્સાહ છે, જેના કારણે વહેલી સવારથી જ મૂર્તિઓની ખરીદી અને દર્શન માટે લોકોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે.
ગણેશોત્સવનો પાવન પર્વ રાજ્યભરમાં શાંતિપૂર્ણ, સલામત અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ઉજવાય તે માટે ગુજરાત પોલીસ તંત્ર સજ્જ બન્યું છે. રાજ્ય પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકની અધ્યક્ષતામાં આજે તમામ પોલીસ કમિશનર, રેન્જ વડા તેમજ જિલ્લા પોલીસ વડાઓ સાથે મહત્વપૂર્ણ વીડિયો કોન્ફરન્સ યોજાઈ હતી. બેઠક દરમિયાન ગણેશ સ્થાપનાથી લઈને વિસર્જન સુધી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટેના સુરક્ષા આયોજનની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.
ગણેશ સ્થાપના અને વિસર્જન દરમિયાન સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ પોલીસ ફોર્સ તૈનાત રાખવા સૂચના આપવામાં આવી છે. ભીડ નિયંત્રણ, ટ્રાફિક વ્યવસ્થા, જરૂરી રૂટ ડાયવર્ઝન તેમજ રાઉન્ડ-ધ-ક્લોક પેટ્રોલિંગની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા તમામ શહેર અને જિલ્લા પોલીસ તંત્રને આદેશ અપાયો છે. સાથે જ મુખ્ય વિસ્તારો તેમજ ગણેશ વિસર્જનના સરઘસ માર્ગો પર CCTV કેમેરા અને ડ્રોન દ્વારા સતત ચેકિંગ હાથ ધરવા પોલીસ વડાએ નિર્દેશ આપ્યો હતો.