Wed Sep 02 2026

Logo

ભાવનગરમાં ફાયરિંગ-હુમલાની ઘટનામાં નામચીન તૌફિક અને વલી હાલારી સહિત ૮ વિરુદ્ધ ફરિયાદ

2026-03-23 10:10:00
Author: Devayat Khatana
ભાવનગરમાં ફાયરિંગ-હુમલાની ઘટનામાં નામચીન તૌફિક અને વલી હાલારી સહિત ૮ વિરુદ્ધ ફરિયાદ

ભાવનગર:  શહેરના નવાપરા વિસ્તારમાં રજપુત જ્ઞાતિની વાડી પાસે જૂની અદાવતને રાખીને શખ્સો દ્વારા હુમલો અને ફાયરિંગ કરવાની ઘટના સામે આવી હતી.  ફરિયાદી જાહીદભાઇ લોંડીયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, ગત ૨૨ માર્ચ ૨૦૨૬ના રોજ વહેલી સવારે ચાર વાગ્યે જ્યારે તેઓ પોતાના મિત્રો સાથે ઘર પાસે બેઠા હતા, ત્યારે આઠ જેટલા શખ્સોએ રિવોલ્વર, તલવાર, છરી અને લાકડાના ધોકા જેવા જીવલેણ હથિયારો સાથે હુમલો કર્યો હતો. આ હુમલાખોરોએ ફરિયાદી પર સોડા બોટલના ઘા કર્યા હતા અને પથ્થરમારો પણ કર્યો હતો.

હુમલા દરમિયાન અશ્વિન ગીરધરભાઇ વસાયા ઉર્ફે અલી નામના શખ્સે પોતાની પાસે રહેલી રિવોલ્વરમાંથી એક રાઉન્ડ હવામાં ફાયરિંગ કર્યું હતું. ત્યારબાદ તેણે ફરિયાદી અને તેના મિત્રોને ઉદ્દેશીને ધમકી આપી હતી કે, "તમોને તો પતાવી દઈશું પણ તમારા ઘરવાળાને પણ પતાવી દઈશું". એટલું જ નહીં, હુમલાખોરોએ જાનથી મારી નાખવાના ઈરાદે બીજું રાઉન્ડ પણ ફાયરિંગ કર્યું હતું, જોકે સદનસીબે તેમાં કોઈને ઈજા થઈ નહોતી. આ ઘટના બાદ હુમલાખોરો ગાળો આપીને ત્યાંથી નાસી છૂટ્યા હતા, ત્યારબાદ ભયભીત થયેલા ફરિયાદીએ ૧૧૨ નંબર પર ફોન કરી પોલીસની મદદ માંગી હતી.

આ હિંસક ઘટના પાછળ ૧૪ દિવસ અગાઉ રમઝાન માસના ૧૮માં રોજાના દિવસે થયેલો ઝઘડો જવાબદાર હોવાનું જાણવા મળ્યું છે. તે સમયે આરોપીઓ તૌફીક હાલારી, વલી હાલારી અને તેમના સાગરીતોએ ફરિયાદીને જાહેરમાં બેસવા બાબતે રોક્યા હતા, જેની અદાવત રાખીને આ હુમલો કરાયો હતો.  નિલમબાગ પોલીસે આ મામલે નામચીન આરોપી વલી હાલારી, તૌફીક હાલારી, ફારૂકભાઈ મન્સુરી, કુલદિપભાઇ અગ્રાવત, ચેતન દયાલભાઈ, અશ્વિન ઉર્ફે અલી ગીરધરભાઇ વસાયા, રૂદ્ર દયાનંદ પુજારી અને ફૈઝાન બેલીમ વિરુદ્ધ  ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (B.N.S.S), હથિયાર ધારો અને જી.પી. એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.