Thu Jun 18 2026

Logo

ભાવનગરમાં અશાંત ધારા કાયદાના ભંગ બદલ ફરિયાદ નોંધાઈ, સૌરાષ્ટ્રનો પહેલો કિસ્સો

2026-03-19 20:47:48
Author: Pooja Shah
Article Image

ભાવનગરઃ ગુજરાત રાજ્યમાં અશાંત ધારા હેઠળના વિસ્તારોમાં મિલકતની તબદીલી માટે વહીવટી તંત્રની પૂર્વ મંજૂરી અનિવાર્ય હોવા છતાં, કાયદાનો ભંગ કરતો કિસ્સો ભાવનગરમાં પ્રકાશમાં આવ્યો હતા. ભાવનગર જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેએ અસામાજિક પ્રવૃત્તિઓ અને કાયદા વિરુદ્ધના કૃત્યો સામે કડક વલણ અપનાવતા, સૌરાષ્ટ્રનો પહેલો અને ગુજરાતનો બીજો ગુનો નોંધ્યો હતો. ભાવનગરના સીટી મામલતદારે મિલકત વેચનાર અને ખરીદનાર બંને વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. 

પ્રાપ્ત વિગતો અનુસાર  ભાવનગર શહેરના વોર્ડ નં. ૫, શીટ નં. ૧૩૫ અને સીટી સર્વે નં. ૪૪૬૩ ધરાવતા કેસન્ટ વિસ્તારમાં આવેલ પ્લોટ નં. ૫૬૭/એ૧, એ/૨/ઈ વાળી મિલકત અશાંત ધારા હેઠળના વિસ્તારમાં આવે છે. આ મિલકતના માલિક દર્શરાજસિંહ ધર્મેન્દ્રસિંહ ગોહિલ દ્વારા ગુજરાત અશાંત ધારા વિસ્તારમાં તબદીલ અધિનિયમ ૧૯૯૧ હેઠળ કલેક્ટરની કોઈ પણ પ્રકારની પરવાનગી મેળવ્યા વગર જ આ મિલકત અલારખાભાઈ કાદરભાઈ ગાગાણીને રૂ.૯૩ લાખ માં બારોબાર વેચી નાખવામાં આવી હતી.

કાયદાકીય પ્રક્રિયાનું ઉલ્લંઘન કરી કરવામાં આવેલા આ સોદા અંગે ભાવનગરના સીટી મામલતદાર  અને એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ કે.બી. ચાંદલીયા દ્વારા ભાવનગરના ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં વિધિવત ગુનો નોંધવામાં આવ્યો હતો. 

પોલીસ દ્વારા આ મામલે સ્થાવર મિલકત તબદીલ અટકાવવા હક્ક રક્ષક અધિનિયમની કલમ-૫, ૬(એ) મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ ગંભીર ગુનાની આગળની તપાસ લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી.સી. જાડેજાને સોંપવામાં આવી છે. ભાવનગર પોલીસ વડા નિતેશ પાંડેની આ કાર્યવાહીથી સૌરાષ્ટ્રભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. ખાસ કરીને મિલકત બજારોમાં અને કાયદાનું ઉલ્લંઘન કરનારા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે, તેમ સૂત્રોએ જણાવ્યું હતું.