એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
બાંગ્લાદેશની ચૂંટણીમાં તારિક રહેમાનની બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (બીએનપી)ની જીત પછી બાંગ્લાદેશમાં ભારત વિરોધી વલણ અને પાકિસ્તાનની પકડ મજબૂત થશે એવી આશંકા વ્યક્ત કરાતી હતી. તેનું કારણ એ કે,તારિકના માતા બેગમ ખાલિદા ઝિયા ભારત તરફ કૂણું વલણ નહોતાં ધરાવતાં. ખાલિદા ભારત સાથે અંતર રાખતાં તેથી તારિક પણ ભારત તરફ કૂણા નહીં પડે ને મુહમ્મદ યુનુસની જેમ પાકિસ્તાનના ખોળામાં બેસી જશે એવો ડર બતાવાતો હતો પણ બાંગ્લાદેશના લિબરેશન ડે પર તારિક રહેમાને કરેલી વાતો ભારત માટે રાહતરૂપ છે.
તારિક રહેમાને પાકિસ્તાનને સાફ શબ્દોમાં કહી દીધું છે કે, બાંગ્લાદેશની આઝાદીની લડાઈ વખતે પાકિસ્તાનની આર્મીએ કરેલા અમાનુષી અત્યાચારોને કદી નહીં ભૂલી શકાય અને 1971માં પાકિસ્તાન આર્મીએ કરેલો નરસંહાર માનવજીવનના ઈતિહાસના સૌથી ઘૃણાસ્પદ નરસંહારોમાંથી એક છે. તારિકે પાકિસ્તાની આર્મીના ઓપરેશન સર્ચલાઇટ વખતે નિ:શસ્ત્ર બાંગ્લાદેશીઓની હત્યાકાંડના સમયગાળાને ક્રૂર દિવસો તરીકે યાદ કરીને લાંબીલચક પોસ્ટ મૂકી છે.
બાંગ્લાદેશમાં 25 માર્ચનો દિવસ જીનોસાઈડ ડે એટલે કે નરસંહાર દિવસ તરીકે મનાવીને શહીદોને શ્રદ્ધાંજલિ અપાયછે કેમ કે , 1971માં 25 માર્ચે પાકિસ્તાન આર્મીએ ઓપરેશન સર્ચલાઈટ હાથ ધર્યું હતું. પાકિસ્તાનના લશ્કરી સરમુખત્યાર યાહ્યાખાને બંગાળીઓની લડતને કચડી નાખવા અત્યાચારો કર્યા તેની સામે મુજીબુર રહેમાને લોકોને પૂરી તાકાતથી લડી લેવાનું એલાન કરતાં બંગાળીઓ રસ્તા પર ઉતર્યા હતા ને બાંગ્લાદેશમાં પ્રચંડ આંદોલન ઊભું થયું.
આ આંદોલનને કચડી નાખવા 25 માર્ચ, 1971ના રોજ પાકિસ્તાનના લશ્કરી સરમુખત્યાર યાહ્યાખાને લશ્કરને છૂટો દોર આપી દીધો. યાહ્યા ખાને બાંગ્લા પ્રજાના વિરોધને કચડી નાખવા લશ્કરને જે યોગ્ય લાગે તે કરવાની છૂટ આપી. મુજીબુર રહેમાનની ધરપકડ કરીને પાકિસ્તાન આર્મી તૂટી પડ્યું. ઓપરેશન સર્ચલાઈટ દરમિયાન 30 લાખ બંગાળીઓની હત્યા કરાઈ હતી અને એક લાખથી વધુ સ્ત્રીઓ પર બળાત્કાર ગુજારાયા હતા એવું કહેવાય છે. તેમાંથી મોટા ભાગનાં હિદુ હતાં. પાકિસ્તાની લશ્કરના અત્યાચારો સામે બંગાળીઓનું રક્ષણ કરવા 10 એપ્રિલે બાંગ્લાદેશમાં પ્રોવિઝનલ ગવર્નમેન્ટ રચાઈ હતી. આ સરકારે મોહમ્મદ અતાઉલ ગોની ઉસ્માનીને કમાન્ડર બનાવીને મુક્તિ બાહિની રચી. મુક્તિ બાહિની બાંગ્લાદેશની આઝાદી માટે રચાયેલું લશ્કર હતું.
બાંગ્લાદેશની માગણી છે કે, આ અત્યાચારો માટે પાકિસ્તાન આર્મી બાંગ્લાદેશી પ્રજાની માફી માગે પણ પાકિસ્તાન આર્મીને અહમ નડે છે તેથી માફી નથી માગતી. તારિકે પાકિસ્તાન આર્મીના આ વલણનાં છોડાં ફાડી નાખીને પોસ્ટ મૂકી છે કે, સ્વતંત્રતાપ્રેમી બાંગ્લાદેશના ઇતિહાસમાં, 25 માર્ચ 1971 સૌથી શરમજનક અને ક્રૂર દિવસોમાંથી એક છે. આ કાળી રાત્રે પાકિસ્તાની લશ્કરે ‘ઓપરેશન સર્ચલાઇટ’ના નામે બાંગ્લાદેશના નિ:શસ્ત્ર લોકો પર ઇતિહાસનો સૌથી જઘન્ય નરસંહાર કર્યો. પાકિસ્તાને ઢાકા યુનિવર્સિટી, પિલખાના અને રાજરબાગ પોલીસ લાઇન્સ સહિત વિવિધ સ્થળે શિક્ષકો, બુદ્ધિજીવીઓ અને નિર્દોષ નાગરિકો પર આડેધડ ગોળીબાર કરીને સેંકડોની હત્યાઓ કરી. 25 માર્ચનો નરસંહાર પૂર્વ આયોજિત નરસંહાર હતો.વર્તમાન અને ભાવિ પેઢીઓને સ્વતંત્રતાના મૂલ્ય અને મહત્ત્વને પહોંચાડવા માટે, 25 માર્ચના નરસંહાર વિશે પણ જાણવું જરૂરી છે.
તારીકની પોસ્ટ પાકિસ્તાન માટે આંચકાજનક છે કેમ કે યુનુસના શાસન વખતે બાંગ્લાદેશના દરવાજા ખૂલ્યા એટલે પાકિસ્તાનીઓ એમ જ માનતા થઈ ગયેલા કે, બાંગ્લાદેશ હવે તેમના બાપનો બગીચો છે કે જ્યાં મનફાવે ત્યારે આવનજાવન કરી શકાય છે. તારીકે તેમને ભાન કરાવ્યું છે કે, 55 વર્ષ પહેલાં કરેલા નરસંહારને બાંગ્લાદેશ ભૂલ્યું નથી ને પાકિસ્તાનને માફ પણ કર્યું નથી તેથી અમારાથી વેગળા જ રહેજો. આડકતરી રીતે તારિકે પાકિસ્તાન આર્મી માટે બાંગ્લાદેશના દરવાજા પણ બંધ કરી દીધા છે.
તારીકનું વલણ ભારત માટે હકારાત્મક સંકેત છે કેમ કે શેખ હસીનાએ બાંગ્લાદેશ છોડીને ભાગવું પડ્યું ને અમેરિકાના પીઠ્ઠુ જેવા મુહમ્મદ યુનુસના નેતૃત્વમાં વચગાળાની સરકાર રચીને તેને સત્તાની કમાન સોંપાઈ પછી યુનુસ પાકિસ્તાનના પગમાં આળોટી ગયા હતા. યુનુસે બાંગ્લાદેશના દરવાજા પાકિસ્તાનના લશ્કર માટે ખોલી દીધેલા. બાંગ્લાદેશની આર્મીને પાકિસ્તાન આર્મી અને આઈએસઆઈ દ્વારા તાલીમ અપાય એવી ગોઠવણોના બહાને બાંગ્લાદેશને ભારત વિરોધી પ્રવૃત્તિઓનો અડ્ડો બનાવવાની યુનુસની મુરાદ હતી કેમ કે યુનુસ કટ્ટરવાદીઓની કઠપૂતળી હતા. અમેરિકા પણ પાકિસ્તાનને પડખામાં લઈ રહ્યું છે તેથી અમેરિકા તરફથી પણ લીલી ઝંડી મળી હશે એટલે બાંગ્લાદેશમાં ભારત વિરોધી માહોલ પ્રબળ બનાવી દેવાયેલો. યુનુસ તો પોતે દર બીજા દિવસે ભારતનાં સેવન સિસ્ટર સ્ટેટ્સની વાતો કરીને તેમના પર કબજો કરવાનાં દિવાસ્વપ્નો કટ્ટરવાદીઓને બતાવવા માંડેલા.
પાકિસ્તાન આર્મી અને આઈએસઆઈ તો બાંગ્લાદેશની ધરતીનો ઉપયોગ ભારતમાં આતંકવાદ ફેલાવવા માટે કરવાની વેતરણમાં પણ લાગી ગયેલાં પણ તારિક રહેમાનની તડ ને ફડ વાત પરથી સ્પષ્ટ છે કે, યુનુસે શરૂ કરેલું બાંગ્લાદેશ ને પાકિસ્તાનનું હનીમૂન પૂરું થઈ ગયું છે ને તારીકને ધોળે ધરમેય પાકિસ્તાન ખપતું નથી.
તારીકનું વલણ ભારત માટે બહુ આંચકાજનક નથી કેમ કે તારીક પોતાનાં માતા ખાલિદા ઝિયાના રસ્તે જ ચાલી રહ્યા છે. ખાલિદા ભારતતરફી નહોતાં તો ભારતવિરોધી પણ નહોતાં પણ મોટી વાત એ કે, પાકિસ્તાન કે ચીનને તેમણે બાંગ્લાદેશમાં ઘૂસવા નહોતાં દીધાં. ખાલિદા બાંગ્લાદેશને એક મજબૂત અને પોતાની સુરક્ષા જાતે જ કરી શકે એવું રાષ્ટ્ર બનાવવા માગતાં હતાં. તેના કારણે કેટલાક મુદ્દે તેમણે ભારત સામે આકરું વલણ લીધું તેમાં ઘણાંએ તેમને ભારત વિરોધી ચિતર્યાં પણ ખાલિદા ભારત વિરોધી નહોતાં.
તારીક પાકિસ્તાન આર્મીને માફ કરી શકે તેમ નથી એ માટે બીજું પણ કારણ છે. તારીકના પિતા ઝીયા ઉર રહેમાન ઓપરેશન સર્ચલાઈટ સામે બગાવત કરનારા પહેલા પાકિસ્તાની આર્મી ઓફિસર હતા તેથી તારીકનો પરિવાર નરસંહારની વિરુદ્ધ પહેલેથી છે. ઝીયા પછી રાજકારણમાં આવ્યા અને પ્રમુખ બન્યા. 1981માં ઝીયાની આર્મીના અધિકારીઓએ હત્યા કરી નાખી હતી. પાકિસ્તાને આ હત્યાના કાવતરામાં પડદા પાછળ ભૂમિકા ભજવી હોવાનું કહેવાય છે કેમ કે બાંગ્લાદેશના સર્જનમાં અને 1971ના ભારત સામેના યુદ્ધમાં પાકિસ્તાનની હારમાં ઝીયાએ મોટો ફાળો આપ્યો હતો. તારીક આ વાત પણ નથી જ ભૂલ્યા.
પાકિસ્તાન આર્મી સામેનું આકરુ વલણ એ વાતનો પુરાવો છે કે, તારીક સમજદાર છે. દુનિયા બદલાઈ રહી છે અને આર્થિક હિતો વધારે મહત્ત્વનાં બનતાં જાય છે ત્યારે આતંકવાદના રવાડે ચડેલું પાકિસ્તાન નહીં પણ ભારત બાંગ્લાદેશ માટે વધારે મહત્ત્વનું છે તેનો અહેસાસ તારીકને છે. યુદ્ધના માહોલમાં પણ ભારતે બાંગ્લાદેશને પાઈપ લાઈન દ્વારા અપાતું ડીઝલ બંધ નથી કર્યું. તેના પરથી સ્પષ્ટ છે કે, બાંગ્લાદેશને પાકિસ્તાન નહીં પણ ભારત વધારે મદદરૂપ થઈ શકે તેમ છે ને તારીકમાં આ સમજ છે એ સારું છે.