થાણે: થાણે જિલ્લાના બદલાપુરમાં વ્યાવસાયિક દુશ્મનાવટને લઇ 30 વર્ષના વેપારીની શસ્ત્રોના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી. રવિવારે મોડી રાતના આ ઘટના બની હતી, જેમાં વેપારીનો સાથીદાર ઘાયલ થયો હતો.
મૃતકની ઓળખ ગણેશ રામકુમાર યાદવ તરીકે થઇ હોઇ તે રાતે 12.50 વાગ્યે બદલાપુર પશ્ર્ચિમમાં શિવસેના કાર્યાલયની બહાર બેઠો હતો ત્યારે શસ્ત્રો સાથે આવેલા ટોળાએ ગણેશ યાદવ અને તેના સાથીદાર પર હુમલો કર્યો હતો.
મૃતકના પરિવારજનોના જણાવ્યા અનુસાર આ હુમલો વિસ્તારમાં બિલ્ડિંગ મટિરિયલ સપ્લાયના કોન્ટ્રાક્ટને લઇ લાંબા સમયથી ચાલી રહેલા વ્યાવસાયિક વિવાદનું પરિણામ છે.
આરોપીઓ અવિનાશ સિંહ, સંદીપ સિંહ, યશ ગવારે ઉર્ફે બટલ્યા, પ્રથમેશ બેલ્હે, કલ્પેશ બેલ્હે, રિંકી કુમાર, અભિષેક ગાવંડે, સુશાંત અને બેથી ત્રણ અજાણ્યા શખસોએ ગણેશ યાદવ અને તેના સાથીદાર અબુ હલાલ શેખ પર હુમલો કર્યો હતો.
હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા બંને જણને સારવારાર્થે હોસ્પિટલમાં લઇ જવાયા હતા, જ્યાં ગણેશ યાદવને તપાસીને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
બદલાપુર વેસ્ટ પોલીસે આ પ્રકરણે ભારતીય ન્યાય સંહિતા, આર્મ્સ એક્ટ અને મહારાષ્ટ્ર પોલીસ એક્ટની સુસંગત જોગવાઇઓ હેઠળ ગુનો દાખલ કર્યો હતો અને અમુક શકમંદોને તાબામાં લીધા હતા, એમ અધિકારીએ જણાવ્યું હતું.
(પીટીઆઇ)