Sat Aug 29 2026

Logo

એટીએમ સાથે ચેડાં કરી રૂપિયા ચોરનારો પકડાયો

2026-07-19 20:57:11
Author: Yogesh C. Patel
એટીએમ સાથે ચેડાં કરી રૂપિયા ચોરનારો પકડાયો

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: ભાંડુપમાં એક રાષ્ટ્રીયકૃત બૅન્કના એટીએમ સાથે કથિત ચેડાં કરી ખાતાધારકોના રૂપિયા ચોરનારી ટોળકીના સૂત્રધારને પોલીસે પકડી પાડ્યો હતો.

ધરપકડ કરાયેલા આરોપીની ઓળખ મોહમ્મદ ઝિયાદ ઉર્ફે અયાન ઈર્શાદ અહમદ (21) તરીકે થઈ હતી. ભાંડુપમાંથી પકડાયેલા આરોપી અહમદની પૂછપરછમાં તેની બે મહિલા સાથી આરીફા અઝીમ દુકાનદાર (45) અને નમીરા અઝીમ દુકાનદાર (24)નાં નામ સામે આવ્યાં હતાં. પોલીસે બન્ને મહિલાને નોટિસ બજાવી પૂછપરછ માટે હાજર રહેવાનું કહ્યું હતું.

આ પ્રકરણે બૅન્કની ભાંડુપમાં આવેલી બ્રાન્ચની મહિલા મૅનેજરે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવાયું હતું કે બે દિવસમાં પાંચ ગ્રાહકે મશીનમાંથી રૂપિયા નીકળ્યા વિના જ તેમના ખાતામાંથી રૂપિયા ડેબિટ થયાના મેસેજ આવ્યાની ફરિયાદ કરી હતી. મૅનેજરે એટીએમ સેન્ટરનાં સીસીટીવી ફૂટેજ તપાસતાં આરોપીની કરતૂત પકડાઈ હતી.

આરોપી મશીનમાં પ્લાસ્ટિકની એક પટ્ટી ફિટ કરતો હતો, જેને કારણે રૂપિયા કઢાવવા આવનારા ગ્રાહક છેતરાતા હતા. મશીનમાંથી રૂપિયા આવતા નહોતા, પણ સ્ક્રીન પર ડેબિટનો મેસેજ આવતો. એ સિવાય રૂપિયા ડેબિટ થયાનો મોબાઈલ મેસેજ પણ આવતો. જોકે ગ્રાહક એટીએમ સેન્ટરમાંથી ગયા પછી તરત જ આરોપી અહમદ મશીનમાંથી પટ્ટી કાઢીને રૂપિયા ચોરતો હતો.

આરોપી અહમદને બે મહિલા સાથી સહિત ત્રણ જણ મદદ કરતા હોવાનું તપાસમાં જણાયું હતું. આરોપી પાસેથી 39 હજારની રોકડ, પ્લાસ્ટિકની પટ્ટી અને બાઈક જપ્ત કરવામાં આવી હોવાનું ભાંડુપ પોલીસે જણાવ્યું હતું.