અમેરિકામાં ગન વાયલન્સનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. ઇડાહો રાજ્યમાં આવેલા ટ્વિન ફોલ્સના એક વ્યસ્ત શોપિંગ સેન્ટરમાં શનિવારે બપોરે એક માથા ફરેલા શખ્સે અંધાધૂંધ ગોળીબાર કરી દીધો. આ હૃદય કંપાવનારી ઘટનામાં 3 લોકોના મોત થવાની આશંકા છે, જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ પણ થયા છે. ઘટનાની જાણ થતાં જ સ્થળ પર પહોંચેલી પોલીસ ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને હુમલાખોરને ઠાર માર્યો હતો.
આ ઘટના શનિવારે સ્થાનિક સમય અનુસાર બપોરે આશરે 2:30 વાગ્યે બની હતી. હુમલાખોરે એક પ્રખ્યાત 'ઈન-એન-આઉટ બર્ગર' રેસ્ટોરન્ટ પાસે આવેલા શોપિંગ એરિયામાં અચાનક ગોળીબાર શરૂ કરી દીધો હતો, જેના કારણે ત્યાં નાસભાગ મચી ગઈ હતી અને લોકો પોતાનો જીવ બચાવવા માટે આમ-તેમ ભાગવા લાગ્યા હતા.
ઘટનાની જાણ થતાં જ પોલીસે વિસ્તારની ઘેરાબંધી કરી લીધી હતી. હુમલાખોરને સરેન્ડર કરવા (આત્મસમર્પણ કરવા) જણાવવામાં આવ્યું હતું પરંતુ તેણે ફાયરિંગ ચાલુ રાખ્યું હતું. ત્યારબાદ પોલીસે કરેલી જવાબી કાર્યવાહીમાં ગોળી વાગવાથી હુમલાખોર માર્યો ગયો હતો.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વિડીયોમાં એક શખ્સ 'ઈન-એન-આઉટ બર્ગર' રેસ્ટોરન્ટ સામે AR-સ્ટાઈલની અત્યાધુનિક રાઈફલ લહેરાવતો જોવા મળી રહ્યો છે. અન્ય એક વિડીયોમાં એ જ શખ્સ પાર્કિંગ લોટમાં ગોળીઓ ચલાવતો જોવા મળ્યો હતો. ઘટનાના તુરંત બાદ સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ અને લોકો પોતાનો જીવ બચાવવા માટે આમ-તેમ ભાગવા લાગ્યા.
ઘટનાની જાણ થતાં જ ટ્વિન ફોલ્સ પોલીસ વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરી. આશરે એક કલાકની અંદર જ અધિકારીઓએ જાહેરાત કરી દીધી કે 'હવે હુમલાખોરથી કોઈ જોખમ નથી.' ટ્વિન ફોલ્સના પોલીસ વડા મેથ્યુ હિક્સે એક પ્રેસ કોન્ફરન્સ કરતા કહ્યું, "શંકાસ્પદ બંદૂકધારી ઘટનાસ્થળની નજીક જ હાજર હતો, જેને ઠાર મારવામાં આવ્યો છે. હવે સમુદાય માટે કોઈ જોખમ નથી. અમે હુમલાખોરની ઓળખ કરવા અને આ હુમલા પાછળના તેના હેતુ (Motivations)ને જાણવાનોપ્રયાસ કરી રહ્યા છીએ."
સુરક્ષાના કારણોસર પોલીસે શોપિંગ વિસ્તારની આસપાસના રસ્તાઓ અને નજીકના એક પુલને અસ્થાયી (હંગામી) રૂપે બંધ કરી દીધા. આશરે 55 હજારથી વધુની વસ્તી ધરાવતું ટ્વિન ફોલ્સ શહેર અમેરિકામાં 'માસ શૂટિંગ' (સમૂહ ગોળીબાર)નો ભોગ બનનારું નવું ક્ષેત્ર બની ગયું છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં ફૂડ ફેસ્ટિવલ, પરેડ, પ્રાર્થના સ્થળો અને સામુદાયિક કાર્યક્રમો જેવા સામાન્ય જાહેર સ્થળો પર સતત થઈ રહેલી ગોળીબારની ઘટનાઓએ અમેરિકામાં બંદૂકના કાયદાઓ અને નાગરિકોની સુરક્ષા પર એક વાર ફરી ગંભીર સવાલો ઊભા કરી દીધા છે.