Thu Apr 30 2026

Logo

કોંગ્રેસ નેતા પવન ખેડાના નિવાસે પહોંચી આસામ પોલીસ, તપાસ શરૂ

2026-04-07 16:38:13
Author: Chandrakant Kanoja
Article Image

ANI


નવી દિલ્હી : આસામમાં વિધાનસભા ચૂંટણી મુદ્દે રાજકારણ ગરમાયું છે. જેમાં આસામના સીએમ હિમંતા બિસ્વા સરમાની પત્ની પાસે ત્રણ પાસપોર્ટ હોવાનો દાવો કર્યા બાદ કોંગ્રેસ નેતા પવન ખેડાની મુશ્કેલીઓ વધી છે. આસામ પોલીસ આ કેસના સંદર્ભે તપાસ કરવા પવન ખેરાના દિલ્હીના નિવાસ સ્થાને  પહોંચી છે. જેના લીધે પવન પવન ખેડાને દિલ્હી પરત આવવાની ફરજ પડી છે. 

ત્રણ અલગ-અલગ દેશોના પાસપોર્ટ હોવાનો આક્ષેપ 

આ કેસની વિગતો મુજબ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પવન ખેડાએ એક પત્રકાર પરિષદમાં કેટલાક દસ્તાવેજો રજૂ કરીને સનસનાટી મચાવી દીધી હતી. તેમણે દાવો કર્યો હતો કે મુખ્યમંત્રીના પત્ની રિંકી ભુઈયા શર્મા પાસે યુએઈ, એન્ટિગુઆ-બાર્બુડા અને ઇજિપ્ત એમ ત્રણ અલગ-અલગ દેશોના પાસપોર્ટ છે. આ ઉપરાંત, દુબઈમાં તેમની બે મિલકતો હોવાનો અને અમેરિકાના વ્યોમિંગમાં અબજો ડોલરના બજેટવાળી શેલ કંપનીઓ ચલાવતા હોવાનો પણ આક્ષેપ કર્યો છે. કોંગ્રેસના મતે, ચૂંટણી સોગંદનામામાં આ મિલકતોની જાણકારી છુપાવવામાં આવી છે.

મિલકતો છુપાવવા માટે વિદેશમાં કંપનીઓ બનાવવામાં આવી

કોંગ્રેસ નેતાએ આરોપ લગાવ્યો હતો કે ટેક્સ બચાવવા અને મિલકતો છુપાવવા માટે વિદેશમાં કંપનીઓ બનાવવામાં આવી છે, જેનું કુલ ભંડોળ અંદાજે ₹52,000 કરોડ જેટલું છે. આ મામલાની ગંભીરતાને જોતા કોંગ્રેસે ગૃહમંત્રી અમિત શાહ પાસે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)દ્વારા તપાસની માંગ કરી છે. એટલું જ નહીં, માહિતી છુપાવવા બદલ ચૂંટણી પંચ મુખ્યમંત્રીનું નામાંકન રદ કરે તેવી પણ રજૂઆત કરવામાં આવી છે.

મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ કાયદેસર કાર્યવાહીની વાત કહી હતી 

આ આક્ષેપોનો જડબાતોડ જવાબ આપતા મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ આને કોંગ્રેસની હતાશા ગણાવી છે. તેમણે સોશિયલ મીડિયા પર સ્પષ્ટ કર્યું કે આ તમામ આરોપો રાજકીય દ્વેષથી પ્રેરિત અને ખોટા છે. મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે કે તેઓ આગામી 48 કલાકમાં પવન ખેડા વિરુદ્ધ ફોજદારી અને સિવિલ માનહાનિનો કેસ દાખલ કરશે. તેમણે ઉમેર્યું કે કોંગ્રેસ હાર ભાળી ગઈ હોવાથી આવા હીન કક્ષાના હુમલા કરી રહી છે અને હવે તેનો ફેંસલો અદાલતમાં જ આવશે.