Fri Apr 17 2026

Logo

આશા ભોસલેનું નિધન: 'દમ મારો દમ' ગીત પર પ્રતિબંધ હોવા છતાં કેવી રીતે જીત્યો હતો એવોર્ડ?

2026-04-12 17:05:00
Author: Devayat Khatana
Article Image

મુંબઈ: ભારતીય સંગીત જગતનો એક ઝળહળતો સિતારો આજે અસ્ત થયો છે. દાયકાઓ સુધી પોતાના અવાજથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરનાર દિગ્ગજ ગાયિકા આશા ભોસલેનું નિધન થયું છે. પાશ્વ ગાયનમાં અનેક ચાર્ટબસ્ટર ગીતો આપનાર આશાતાઈની સફર અનેક ઉતાર-ચઢાવ અને સિદ્ધિઓથી ભરેલી રહી છે. હિન્દી ઉપરાંત 20થી વધુ ભારતીય અને વિદેશી ભાષામાં 12,000થી વધુ ગીતો રેકોર્ડ કરવાનો અપ્રતિમ રેકોર્ડ તેમના નામે નોંધાયેલો છે, જેમાં ફિલ્મી સંગીતથી લઈને ગઝલ અને શાસ્ત્રીય સંગીતનો સમાવેશ થાય છે.

આશા ભોસલેની કારકિર્દીનું સૌથી યાદગાર અને વિવાદિત પ્રકરણ સિત્તેરના દાયકાનું સુપરહિટ ગીત 'દમ મારો દમ' રહ્યું હતું. વર્ષ 1971માં આવેલી દેવ આનંદની ફિલ્મ 'હરે રામા હરે કૃષ્ણા'ના આ ગીતે દેશભરમાં ખળભળાટ મચાવી દીધો હતો. 
આર. ડી. બર્મનના સંગીત અને આશાતાઈના અવાજે આ ગીતને રાતોરાત લોકપ્રિય બનાવ્યું હતું. જોકે, આ ગીતમાં હિપ્પી કલ્ચર અને ચિલમ સાથેના ડ્રગ્સના નશાના દ્રશ્યોને કારણે મોટો વિવાદ થયો હતો. નશાખોરીને પ્રોત્સાહન આપવાના આરોપસર ઓલ ઈન્ડિયા રેડિયોએ આ ગીત પર પ્રતિબંધ મૂક્યો હતો. એટલું જ નહીં, દૂરદર્શને પણ ફિલ્મ પ્રસારણ દરમિયાન આ ગીત કાપી નાખ્યું હતું.

જો કે નોંધવા જેવી વાત એ છે કે, ભારે વિરોધ અને પ્રતિબંધ છતાં આશા ભોસલેને આ જ ગીત માટે 'બેસ્ટ પ્લેબેક સિંગર'નો એવોર્ડ મળ્યો હતો. ફિલ્મનો ઉદ્દેશ્ય વાસ્તવમાં નશાની બદી પર કટાક્ષ કરવાનો હતો, પરંતુ તેના ગીતની રજૂઆત તે સમયે બોલ્ડ ગણાઈ હતી. આજે પણ આ ગીત બોલિવૂડનું ક્લાસિક ગીત માનવામાં આવે છે અને તેના અનેક રિમિક્સ પણ બન્યા છે. આ ગીતે આશાજીને એક વર્સેટાઈલ ગાયિકા તરીકે સ્થાપિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી, જે કોઈ પણ પ્રકારના ગીતને ન્યાય આપી શકતા હતા.

જો કે આશાજીના સંગીત સફરની શરૂઆત 1943માં મરાઠી ફિલ્મ 'માઝા બાલ'ના ગીત 'ચલા ચલા નવ બાળા'થી થઈ હતી. હિન્દી ફિલ્મોમાં તેમણે 1948માં 'ચુનરિયા' ફિલ્મથી પદાર્પણ કર્યું હતું. જોકે, તેમને ખરી ઓળખ 1949માં ફિલ્મ 'રાત કી રાની'ના સોલો ગીતથી મળી હતી.