Mon Jun 08 2026

Logo

'આશાતાઈ' અમર રહેઃ રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર, દિગ્ગજોએ આપી શ્રદ્ધાંજલિ, કોણ રહ્યું ગેરહાજર?

2026-04-13 21:39:37
Author: Mumbai Samachar Team
Article Image

Amay Kharade


રાજ્યપાલ, સચિન તેંડુલકર અને ઉદ્ધવ ઠાકરે સહિત અનેક મહાનુભાવોએ આશાતાઈના અંતિમ દર્શન કરી શોક વ્યક્ત કર્યો

મુંબઈ: જાણીતા ગાયિકા આશા ભોસલેના નિધનના એક દિવસ પછી આજે અંતિમ સંસ્કાર આજે બપોરે મુંબઈના શિવાજી પાર્ક ખાતે રાજકીય સન્માન સાથે કરવામાં આવ્યા. સાત દાયકાથી વધુ સમય સુધી પોતાના અવાજના જાદુથી બોલીવુડ પર રાજ કરનાર આશાતાઈનું રવિવારે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં મલ્ટી-ઓર્ગન ફેલ્યોરને કારણે અવસાન થયું હતું. બાદમાં, તેમના પાર્થિવ શરીરને લોઅર પરેલ સ્થિત તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યું હતું. દિગ્ગજ નેતાઓની સાથે કલાકારોએ સ્વયં ઉપસ્થિત રહીને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી, પરંતુ અનેક કલાકારોની ગેરહાજરીની પણ લોકોએ સોશિયલ મીડિયા પર નોંધ લીધી હતી.

ભારતીય સંગીતજગતના દિગ્ગજ ગાયિકા આશાતાઈના રાજકીય સન્માન અને વિધિવિધાન સાથે તેમના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા. આશાતાઈ અમર રહેના નારા સાથે દીકરા આનંદએ મુખાગ્નિ આપ્યા હતા. આ ક્ષણ વખતે જાણે સંગીતની દુનિયાના શ્વાસ થંભી ગયા હોય એવું દૃશ્ય સર્જાયું હતું. 
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રવિવારે સાંજે તેમના નિવાસસ્થાને અંતિમ શ્રદ્ધાંજલિ આપી અને પુષ્પાંજલિ અર્પણ કરી. રાજ્યના સાંસ્કૃતિક બાબતોના પ્રધાન આશિષ શેલાર, ધારાસભ્યો સુનીલ શિંદે અને પ્રસાદ લાડે પણ શ્રદ્ધાંજલિ આપી હતી. આશા તાઈની અંતિમ યાત્રા ઉત્સવ સમાન હતો. અંતિમ વિદાય વખતે જાણીતા ગાયક શાન સહિત અનુપ જલોટા સહિત અનેક દિગ્ગજ કલાકારો ઉપસ્થિત રહ્યા હતા. 

મહારાષ્ટ્રના રાજ્યપાલ જિષ્ણુ દેવ વર્મા અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન સુશીલકુમાર શિંદે અને ઉદ્ધવ ઠાકરેએ આજે અહીં તેમના નિવાસસ્થાને ગાયિકા આશા ભોંસલેના પાર્થિવ શરીરને શ્રદ્ધાંજલિ આપી હતી. રાજ્યપાલ જિષ્ણુ દેવ વર્માએ ભોસલેના લોઅર પરેલ સ્થિત કાસા ગ્રાન્ડ નિવાસસ્થાનની લોબીમાં રાષ્ટ્રધ્વજમાં લપેટાયેલા પાર્થિવ શરીર પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. બેકગ્રાઉન્ડમાં ધીમા અવાજે વાગતા તેમના કાલાતીત ગીતો, શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા વાતાવરણને ગૌરવપૂર્ણ બનાવી દેતા હતા.


ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને ઠાકરે ભોસલેના પરિવારના સભ્યો, તેમના પુત્ર આનંદ અને પૌત્રી ઝાનાઈને સાંત્વના આપતા જોવા મળ્યા હતા. રશ્મિ ઠાકરેએ પણ ભીની આંખે ભોસલેના પરિવારના સભ્યો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.મહારાષ્ટ્રના પ્રધાનો આશિષ શેલાર અને મંગલ પ્રભાત લોઢા, એનસીપી (એસપી) સાંસદ સુપ્રિયા સુળે અને એનસીપી નેતા પ્રફુલ્લ પટેલે પણ સ્વર્ગસ્થ ગાયિકાને શ્રદ્ધાંજલિ આપી હતી. 'આશાતાઈ' તરીકે ઓળખાતા આ સુપ્રસિદ્ધ ગાયિકા પદ્મ વિભૂષણ અને મહારાષ્ટ્ર ભૂષણ પુરસ્કાર મળ્યા હતા.

આશા પારેખ, સચિન તેંડુલકર, તબુએ શ્રદ્ધાંજલિ આપી
પીઢ અભિનેત્રી આશા પારેખ, ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકર અને અનેક ફિલ્મ અને રાજકીય હસ્તીઓ સોમવારે સવારે સુપ્રસિદ્ધ ગાયિકા આશા ભોસલેના નિવાસસ્થાને તેમના પાર્થિવ શરીરને શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચ્યા હતા. તેમના પ્રશંસકોએ હાથ જોડીને અને ભીની આંખે તેમના પાર્થિવ શરીરને શ્રદ્ધાંજલિ આપતાં, પરિસરમાં ગમગીની છવાઈ ગઈ હતી.પીઢ અભિનેત્રી આશા પારેખ, એનસીપી (એસપી) સાંસદ સુપ્રિયા સુળે, સચિન તેંડુલકર, તેમના પત્ની અંજલિ તેંડુલકર, મહારાષ્ટ્રના પ્રધાનો આશિષ શેલાર અને મંગલ પ્રભાત લોઢાએ શ્રદ્ધાંજલિ આપી અને શોકગ્રસ્ત પરિવારને સંવેદના પાઠવી હતી. અભિનેત્રી તબ્બુ, રિતેશ દેશમુખ અને એનસીપી નેતા પ્રફુલ્લ પટેલે પણ સ્વર્ગસ્થ ગાયિકાને શ્રદ્ધાંજલિ આપી હતી. પરિસરની આસપાસ કડક પોલીસ સુરક્ષા ગોઠવવામાં આવી હતી.

કોણ જોવા મળ્યું નહીં...
જોકે, આશાતાઈની અંતિમ યાત્રા અને અંતિમસંસ્કાર વખત અનેક જાણીતી હસ્તીઓ ગાયબ રહી હતી, જે તેમના જીવતા હંમેશાં સાથે પણ જોવા મળતા. જાણીતા ગાયક સોનુ નિગમ, અભિનેત્રી રેખા હોય કે પછી શાહરુખ ખાન પણ જોવા નહીં મળ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. રેખા જ નહીં, પરંતુ કરિશ્મા કપૂર, કરિના કપૂર, ઉર્મિલા માતોંડકર, માધુરી દિક્ષીત સહિત અનેક અભિનેત્રીઓ માટે અવાજ આપ્યો હતો, પરંતુ અંતિમ યાત્રા વખતે જાણીતા અભિનેત્રી હેલન, તબ્બુને છોડીને કોઈ જાણીતી અભિનેત્રી જોવા મળી નહોતી. સોશિયલ મીડિયાના વધતા પ્રભાવને કારણે મોટા ભાગના કલાકારો ફક્ત પોસ્ટ લખીને શ્રદ્ધાંજલિ આપી હતી.

અભી ના જાઓ છોડ કર...
વર્સેટિલિટી માટે જાણીતા આશાજીએ અસંખ્ય ક્લાસિક્સ ગીતોની ભેટ આપી હતી, જેમાં "અભી ના જાઓ છોડ કર," "આંખો કી મસ્તીકે ," "દિલ ચીઝ ક્યા હૈ," "પિયા તુ અબ તો આજા," "દુનિયા મેં લોગોં કો," અને "ઝારા સે ઝૂમ લૂન મેં." નો સમાવેશ થાય છે. તેમના હજારો ગીતો આજે પણ લોકહૃદયમાં સ્થાન ધરાવે છે અને આગામી પેઢીઓને પણ યાદ રહેશે. 

92 વર્ષે આશાતાઈનું નિધન
સાત દાયકાથી વધુ સમય સુધી પોતાના યાદગાર ગીતોથી પેઢીઓને મંત્રમુગ્ધ કરનાર ૯૨ વર્ષીય ગાયિકાનું રવિવારે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં મલ્ટી-ઓર્ગન ફેલ્યોરને કારણે અવસાન થયું. રાષ્ટ્રધ્વજમાં લપેટાયેલ તેમના પાર્થિવ દેહને આજે સવારે ૧૧ વાગ્યાથી લોઅર પરેલ સ્થિત તેમના નિવાસસ્થાનની લોબીમાં રાખવામાં આવ્યો હતો, જ્યાં જાણીતી સેલિબ્રિટીઝની સાથે ચાહકો મોટી સંખ્યામાં શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચ્યા હતા. પોલીસ બેન્ડના સૂરથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.