Tue Apr 28 2026

Logo

ન્યાયતંત્ર સામે કેજરીવાલનો બળવો! એક્સાઇઝ પોલિસી કેસમાં કોર્ટમાં હાજર નહીં રહે, જાણો પત્રમાં શું કહ્યું

2026-04-27 11:12:00
Author: Savan Zalariya
Article Image

નવી દિલ્હી: કથિત દિલ્હી એક્સાઇઝ પોલિસી કૌભાંડ મામલે આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ સામે દિલ્હી કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. અગાઉ કોર્ટ કાર્યવાહી દરમિયાન અરવિંદ કેજરીવાલ જસ્ટિસ સ્વર્ણકાંતા શર્માની વિશ્વનીયતા સામે સવાલો ઉઠાવી ચુક્યા છે, હવે તેમણે કોર્ટમાં હાજરી આપવાની મનાઈ ફરમાવી છે.   

એક પત્ર લખીને કેજરીવાલે જણાવ્યું છે કે તેઓ એક્સાઇઝ પોલિસી કેસની સુનવણી દરમિયાન રૂબરૂ હાજર નહીં રહે અને તેમના વકીલ પણ હાજરી નહીં આપે. પોતાના પત્રમાં કેજરીવાલે લખ્યું, "જસ્ટિસ સ્વર્ણ કાંતા પાસેથી ન્યાય મેળવવાની મારી આશા તૂટી ગઈ છે." 


કેજરીવાલે ગાંધી માર્ગે:
અરવિંદ કેજરીવાલે મહાત્મા ગાંધીએ અપનાવેલો વિરોધ કરવાનો માર્ગ અપનાવવાનું નક્કી કર્યું છે, તેમણે લખ્યું, "મેં મહાત્મા ગાંધીના સત્યાગ્રહના માર્ગ પર ચાલવાની નક્કી કર્યું છે. મેં મારા અંતરાત્માના અવાજને સાંભળીને આ નિર્ણય લીધો છે." 

અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે આ પગલું વ્યક્તિગત છે. પત્રમાં કેજરીવાલે જણાવ્યું કે તેઓ કોર્ટની કાર્યવાહીમાં હાજર નહીં રહે, જરૂર પડશે તો જસ્ટિસ સ્વર્ણ કાંતા શર્માના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં જશે.

કેજરીવાલે ન્યાયધીશને દુર કરવા માંગ કરી:
અગાઉ અરવિંદ કેજરીવાલે દિલ્હી હાઈકોર્ટ સમક્ષ અરજી કરી હતી કે એક્સાઈઝ પોલિસી કેસની સુનાવણીમાંથી જસ્ટિસ શર્માને દૂર કરવામાં આવે, હાઈકોર્ટે આ અરજી ફગાવી દીધી હતી. 
અરવિંદ કેજરીવાલે અરજીમાં જણાવ્યું હતું કે ન્યાયાધીશ શર્માનાં સંતાનો કેન્દ્ર સરકારના વકીલ તરીકે કામ કરી રહ્યા છે, તેમણે દલીલ કરી હતી કે આ પરિસ્થિતિ પક્ષપાત થવાની વાજબી આશંકા ઉભી કરે છે.

ન્યાયાધીશ શર્માએ અરવિંદ કેજરીવાલની અરજીને ફગાવતા કહ્યું કે માત્ર અરજદારની ધારણા કોઈ ન્યાયધીશને હટવાનું કારણ ન બની શકે.


અરવિંદ કેજરીવાલની અરજીમાં એવી પણ દલીલ કરી હતી કે ન્યાયાધીશ શર્માએ અખિલ ભારતીય આધિવક્ત પરિષદ (ABAP) દ્વારા આયોજિત કાર્યક્રમોમાં હાજરી આપી હતી, આ પરિષદનું આયોજન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(RSS) દ્વારા કરવામાં આવ્યું હતું. RSSને કેન્દ્રમાં સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી(BJP)ની વૈચારિક સ્ત્રોત માનવામાં આવે છે.