Tue Aug 18 2026

Logo

"હા, હું દિમાગી 'નક્સલ' છું, કારણ કે હું 'દેશભક્ત' છું": PM મોદીના નિવેદન અંગે  કેજરીવાલનો પલટવાર

2026-08-17 17:18:51
Author: Devayat Khatana
Article Image

નવી દિલ્હી: પંદરમી ઓગષ્ટના લાલ કિલ્લા પરથી વડા પ્રધાન નરેન્દ્ર  મોદીએ  'દિમાગી નક્સલ' મુદ્દે દેશમાં વિવાદ વકરી રહ્યો છે. નેતાઓની સાથે સાથે કલાકારોએ પણ પીએમ મોદીના નિવેદનની વખોડી નાખ્યું હતું. હવે આ શ્રેણીમાં દિલ્હીના પૂર્વ મુખ્ય પ્રધાન  અને આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે પોતાને 'દિમાગી નક્સલ' ગણાવ્યા છે. 

વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીનો અર્થ કાઢતા કેજરીવાલે ખુદને આ જ શ્રેણીમાં મૂક્યા હતા. તેમણે જણાવ્યું હતું કે પીએમ મોદીએ એવા લોકોને 'દિમાગી નક્સલી' કહ્યા છે જેઓ સરકારને સવાલો પૂછે છે, વ્યવસ્થામાં બદલાવ ઈચ્છે છે અને સાચા દેશભક્ત છે. જોકે, અહીં એ નોંધવું રહ્યું કે કેજરીવાલ પહેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમ અને જમ્મુ-કાશ્મીરના પૂર્વ સીએમ મહેબૂબા મુફ્તી પણ પોતાના માટે આ શબ્દનો પ્રયોગ કરી ચૂક્યા છે.

અરવિંદ કેજરીવાલે એક વીડિયો શેર કર્યો હતો જેમાં તેમણે પીએમ મોદીના ભાષણનો એક નાનો હિસ્સો જોડીને પોતાની રીતે તેનું અર્થઘટન કર્યું હતું. કેજરીવાલે કહ્યું કે વડા પ્રધાનના મતે જે વ્યક્તિ દેશમાં પ્રશ્નો ઉઠાવવાની હિંમત રાખે છે અને સરકારથી ડરતો નથી, તે દિમાગી નક્સલ છે, જે વ્યક્તિ આ સડી ગયેલી સિસ્ટમને બદલવા માંગે છે, જે સારી સરકારી શાળાઓ અને હોસ્પિટલો ઈચ્છે છે, જેને વીજળી, પાણી અને ગટરની યોગ્ય વ્યવસ્થા જોઈએ છે અને જે વિકસિત અને ભ્રષ્ટાચાર મુક્ત ભારતનું સપનું જુએ છે, તે પીએમની નજરમાં દિમાગી નક્સલ છે.

પૂર્વ સીએમે પોતાના નિવેદનમાં મહાન સ્વાતંત્ર્ય સેનાની ભગતસિંહ અને બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કટાક્ષ કરતા કહ્યું કે જો આજે ભગતસિંહ અને સૌની સમાનતા માટે લડાઈ લડનાર બાબાસાહેબ જીવતા હોત તો પીએમ મોદી તેમને પણ ન છોડત અને 'દિમાગી નક્સલ' જ કહ્યા હોત. કેજરીવાલે કહ્યું હતું કે, હું અરવિંદ કેજરીવાલ તમારા મતે દિમાગી નક્સલ છું, કારણ કે હું દેશભક્ત છું. જો કોઈ દેશ વિરુદ્ધ કંઈ બોલશે કે કરશે, તો કેજરીવાલ પૂરી તાકાતથી તેનો સામનો કરશે. જય હિંદ.

અત્રે ઉલ્લેખનીય છે કે, સ્વતંત્રતા દિવસના અવસરે લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધતા પીએમ મોદીએ નક્સલવાદના ખાત્માનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે આ પડકારને ક્યારેય ઓછો ન આંકવો જોઈએ, કારણ કે 'હથિયારધારી નક્સલો' ભલે ખતમ થઈ ગયા હોય, પરંતુ 'દિમાગી નક્સલો' હજુ પણ તકની શોધમાં છે. 
પીએમ મોદીએ નક્સલવાદ ખતમ કરવામાં પોતાની સરકારની સિદ્ધિ વર્ણવતા જણાવ્યું હતું કે 2014માં સત્તામાં આવ્યા બાદ અમે દેશને નક્સલવાદ મુક્ત કરવાનો સંકલ્પ લીધો હતો અને આજે ખુશી છે કે નક્સલવાદ પાસે અંતિમ શ્વાસ લેવાની પણ તાકાત બચી નથી.