દેશમાં બહુ ઓછા સમયમાં સૌથી વધુ લોકપ્રિય બનેલી વંદે ભારત ટ્રેન વધુ ફુલપ્રુફ બનાવવાની યોજના હાથ ધરવામાં આવી છે. વંદે ભારત ટ્રેન હવે ઓટોમેટિક બનવાના રસ્તે આગળ વધી રહી છે. જે અંતર્ગત આ ટ્રેનની સામે હવે 160 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડતી વખતે પણ સામે જોખમ આવશે અને ડ્રાઈવર સમયસર બ્રેક નહિ લગાવે તો કવચ સિસ્ટમની મદદથી આપમેળે બ્રેક લગાડવી શક્ય બનશે.
ભારતીય રેલવેએ હાઈસ્પીડ ટ્રેનોની સુરક્ષા માટે પોતાના સ્વદેશી ‘કવચ 4.0’ સિસ્ટમને અદ્યતન બનાવ્યું છે. આ ટેક્નોલોજીનો મુખ્ય હેતુ માનવીય ભૂલને કારણે થતા ટ્રેન અકસ્માતોનું જોખમ ઘટાડવાનો છે.
કવચ એક ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન એટલે કે એટીપી સિસ્ટમ છે, જેને આરડીએસઓએ ભારતીય કંપનીઓ સાથે મળીને વિકસાવી છે. જો ટ્રેન ખતરનાક સિગ્નલ પાર કરવાની સ્થિતિમાં હોય અથવા નક્કી કરેલી સ્પીડ કરતાં વધુ ઝડપે દોડી રહી હોય અને ડ્રાઈવર યોગ્ય સમયે કાર્યવાહી ન કરે, તો કવચ સિસ્ટમ આપમેળે ટ્રેનની બ્રેકિંગ સિસ્ટમ સક્રિય કરી શકે છે. એટલે કે ટ્રેનની સુરક્ષામાં હવે ટેક્નોલોજી પણ ડ્રાઈવર માટે ‘સેફ્ટી બેકઅપ’ તરીકે કામ કરશે.
કવચ સિસ્ટમ ટ્રેન, ટ્રેક અને સિગ્નલ વચ્ચે સતત ડિજિટલ માહિતીનું આદાન-પ્રદાન કરે છે. ટ્રેક પર લગાવવામાં આવેલા આરએફઆઈડી ટેગ, ટાવર, ઓપ્ટિકલ ફાઈબર કેબલ અને ટ્રેનમાં રહેલા ખાસ ઉપકરણોની મદદથી ટ્રેનની સ્થિતિ અને આગળના માર્ગ અંગે માહિતી મેળવવામાં આવે છે. આ સિસ્ટમ અન્ય ટ્રેનની હાજરી અંગે પણ માહિતી મેળવી શકે છે અને ટક્કરનું જોખમ ઊભું થાય ત્યારે જરૂરી સુરક્ષા કાર્યવાહી કરવામાં મદદ કરે છે.
કવચની ખાસિયત એ છે કે તે માત્ર વધુ ઝડપ અથવા સિગ્નલની ભૂલ જેવી સ્થિતિમાં જ નહીં, પરંતુ ટ્રેનની સુરક્ષાને લગતી વિવિધ પરિસ્થિતિઓમાં પણ મદદરૂપ બને છે. સિસ્ટમને સેફટી ઈન્ટીગ્રિટી લેવલ-4 એટલે કે એસઆઈએલ-4ના ઉચ્ચ સુરક્ષા ધોરણને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. રેલવે કંટ્રોલ રૂમ સુધી ટ્રેનની સ્થિતિ અને ઝડપ જેવી માહિતી પહોંચાડવાથી સમગ્ર નેટવર્ક પર નજર રાખવામાં પણ મદદ મળે છે.
વંદે ભારત જેવી હાઈસ્પીડ ટ્રેનોની ઝડપ વધતી જાય છે ત્યારે આવી ઓટોમેટિક સુરક્ષા વ્યવસ્થા વધુ મહત્વપૂર્ણ બની રહી છે. ખાસ કરીને એવી પરિસ્થિતિમાં જ્યારે ડ્રાઈવર કોઈ કારણસર સમયસર પ્રતિક્રિયા ન આપી શકે, ત્યારે કવચ સિસ્ટમ ટ્રેનને સુરક્ષિત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. એટલે હવે 160 કિમીની ઝડપે દોડતી વંદે ભારત માટે ‘કવચ’ માત્ર એક ટેક્નોલોજી નહીં, પરંતુ વધારાની ઢાલ બની રહી છે.