Mon Oct 05 2026

Logo

જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં નવા તલની થઈ આવક, જાણો મણનો કેટલો બોલાયો ભાવ

2026-09-26 14:38:00
Author: Mayur Patel
જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં નવા તલની થઈ આવક, જાણો મણનો કેટલો બોલાયો ભાવ

જામનગરઃ સૌરાષ્ટ્રના  જામનગર સ્થિત હાપા માર્કેટિંગ યાર્ડમાં ચોમાસું સિઝનના નવા કૃષિ પાકોની આવકના શ્રીગણેશ થઈ ગયા છે. આજે યાર્ડમાં નવા તલની ભવ્ય આવક સાથે સિઝનની પ્રથમ હરાજી યોજાઈ હતી, જેમાં તલના ભાવ આસમાને પહોંચતાં ખેડૂતોમાં ભારે આનંદની લહેર જોવા મળી હતી.

યાર્ડના સૂત્રોના જણાવ્યા અનુસાર, સિઝનના પ્રથમ દિવસે જામનગર તાલુકાના જશાપર ગામના ખેડૂત જેઠાભાઈ રાયદે પોતાના ખેતરમાં પકવેલા નવા ચોમાસું તલ લઈને વેચાણ અર્થે આવ્યા હતા. તેઓ 17 ગુણી તલનો જથ્થો લઈને પહોંચ્યા હતા. યાર્ડના હોદ્દેદારો અને વેપારીઓની ઉપસ્થિતિમાં આ નવા તલની વિધિવત્ હરાજી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

મણના રૂ. ૨,૨૫૧ સુધી બોલાયા ભાવ

હરાજી દરમિયાન વેપારીઓ વચ્ચે નવા તલની ખરીદી માટે જોરદાર ઉત્સાહ જોવા મળ્યો હતો. ગુણવત્તાસભર તલ હોવાથી હરાજીમાં 20 કિલો (1 મણ) તલનો ઊંચો ભાવ રૂ. 2251 સુધી પહોંચ્યો હતો. પ્રથમ જ દિવસે 17 ગુણી તલનું રેકોર્ડબ્રેક અને પોષણક્ષમ ભાવે વેચાણ થતાં ખેડૂત જેઠાભાઈના ચહેરા પર ખુશી છવાઈ ગઈ હતી.

ખેડૂતો અને વેપારી આલમમાં ઉત્સાહનો માહોલ

ચોમાસુ સિઝનના પ્રારંભે જ નવા તલના અપેક્ષા કરતાં ખૂબ ઊંચા અને લાભદાયી ભાવ મળતાં યાર્ડ પરિસરમાં હાજર અન્ય ધરતીપુત્રોમાં પણ ઉત્સાહનો સંચાર થયો છે. વેપારીઓના મતે, આ વર્ષે સિઝનની શરૂઆતમાં જ જે તેજી જોવા મળી રહી છે તેના પરથી આગામી દિવસોમાં જ્યારે નવી જણસીઓની વિપુલ આવક શરૂ થશે ત્યારે પણ ખેડૂતોને પોતાના પાકનું ઉત્તમ અને પૂરતું વળતર મળવાની પ્રબળ શક્યતા છે.