Sun Jul 26 2026

Logo

અપને તો અપને હોતે હૈ!

2026-07-26 09:29:00
Author: Jui Parth
Article Image

 

 

 

જૂઈ પાર્થ

 

આજે તો મીશાએ હદ પાર કરી નાખી... ઘરનું બધું કામ મારા માથે નાખીને ઊપડી ગઈ છે એની કીટી પાર્ટીમાં. કઈ સાસુ આવું ચલાવી લે બોલ! દર અઠવાડિયે કીટી હોય? શનિ-રવિમાં પાછું બીજા ગ્રુપ સાથે બહાર જઈને જલસા કરવાનાં. સ્કૂલનું ગ્રૂપ, બાળકોનાં ફ્રેન્ડ્સનાં પેરેન્ટ્સનું ગ્રૂપ, એની કઝીનોનું ગ્રૂપ, હમણાં ટ્રેકિંગ પર જઈ આવી એનું પાછું નવું ગ્રૂપ બન્યું છે હું તો આના આ બધા ગ્રૂપોથી થાકી ગઈ છું. ઘરમાં બે ઘડી પગ ના ટકે. હવે આ ઉંમરે પણ ઘર આખું મારે જ સાચવવું પડે છે. પ્રીતિબહેન ફોન પર બહેનપણી સામે પોતાનાં મનનો ઊભરો કાઢી રહ્યા હતાં.

 

પ્રીતિબહેન અને મીશા વચ્ચે ને કામન લઈને હંમેશાં ખટપટ ચાલ્યા કરે. પ્રીતિબહેન પોતાના જમાનાનાં ઉદાહરણો આપ્યે રાખે જ્યારે મીશા આજનાં જમાનાની વહુ, જે લાગે એ મોઢે કહી દે. પ્રીતિબહેન અને મીશાની વચ્ચે તણાવ અને ગેરસમજ વધી રહી હતી.

 

એમના ઘરની બાજુમાં પ્રીતિબહેનની બહેનપણી રહેતી હતી. એક દિવસ સવારે એ પાડોશીએ ઘરની બહાર કચરો નાખવા જેવી સાવ નજીવી બાબતે, મીશા બહાર જવા નીકળતી હતી એ જ વખતે ઝઘડો શરૂ કર્યો. અવાજ સાંભળીને પ્રીતિબહેન બહાર દોડી આવ્યા. પાડોશી મીશાને મન ફાવે એમ બોલતા હતા. મીશા બિચારી એનો વાંક ન હોવા છતાં ઝઘડો પૂરો થઈ જાય એ માટે શાંત હતી. પ્રીતિબહેને જોયું કે વગર વાંકે મીશા પાડોશી એમની બહેનપણી હોવાથી એમની સાથે સંબંધ ના બગડે એટલા માટે ચૂપ હતી. અંતે પ્રીતિબહેન વચ્ચે પડ્યા. પાડોશી એમની બહેનપણી હોવા છતાં મીશાનો પક્ષ લઈ ઝઘડો પૂરો કર્યો. મીશાએ ક્યારેય નહોતું ધાર્યું કે એના સાસુ એની તરફેણ કરશે. પ્રીતિબહેને એ દિવસે મીશાને કહી દીધું કે સામે કોઈ પણ કેમ ના હોય, ખોટું ચલાવી નહીં લેવાનું. અને આવું કંઈ થાય તો સૌથી પહેલા મને આવીને કહેવાનું, હું બેઠી છું ને, તારે ચિંતા નહીં કરવાની! સાસુનું આ સ્વરૂપ જોઈને મીશાનું હૃદય પરિવર્તન થયું અને ત્યારથી સાસુ સાથેના સંબંધોમાં કડવાશનાં સ્થાને બહુ ઝડપથી  મીઠાશ આવી ગઈ.

 

બીજી બાજુ મનોજ અને નયન બે ભાઈ હતાં. વારસામાં મળેલો ધંધો સાથે કરતાં. એક માલ બનાવવામાં હોંશિયાર અને બીજો બનેલો માલ વેચવામાં. તેમ છતાં બંનેને અવારનવાર ધંધાકીય મતભેદ થયા કરે. ધંધાના એ મતભેદ હવે ઘરનાં તણાવમાં પરિવર્તિત થઈ રહી હતી. બંને ભાઈએ ધંધો સાથે ચાલુ રાખી ઘર અલગ કર્યા તેમ છતાં ખટરાગ ચાલ્યા કરતો હતો. છેવટે રોજરોજની માથાકૂટોથી કંટાળીને બંનેએ પેઢી બંધ કરી પોતપોતાનો ધંધો નવેસરથી ચાલુ કરવાનું નક્કી કર્યું. પણ એમાં ઈશ્વરનું કરવું એવું કે મોટાભાઈને જીવલેણ બીમારી થઈ. 

નાનાભાઈએ કામધંધો-મતભેદ બધું ભૂલી જઈને ફક્ત મોટાભાઈની સેવા કરી. એ જ્યાં સુધી સ્વસ્થ ના થયા ત્યાં સુધી એમની સારવારની બધી જવાબદારી નાના ભાઈએ સંભાળી લીધી. ધંધો છૂટો કરવો તો દૂરની વાત મોટાભાઈની સારવારનો ખર્ચ પણ નાનાભાઈએ ઉપાડ્યો. આમ ભાઈ જ ભાઈ સાથે ઊભો રહ્યો!

 

ઉપરોકત બેય ઘટનામાંથી એક વાત સામાન્ય તરી આવે છે કે સંકટ સમયે બહારનું કોઈ હોય કે ના હોય, પણ મુશ્કેલીનાં સમયે ઘરની અંગત વ્યક્તિ જ આપણી સાથે હોય છે. ‘હું શ્રેષ્ઠ, મને કોઈની જરૂર ના પડે, મને બધું ખબર છે...’ 

 

એમાં જ આપણે એટલા પરોવાયેલા હોઈએ છીએ કે આપણી આસપાસનાં લોકો ઓછા મહત્ત્વનાં લાગે છે. એમાં ઉમેરાય છે થોડો અહંકાર અને થોડો સ્વાર્થ. અંતે ભોગ લેવાય છે સંબંધનો. આપણે સમજવું જરૂરી છે કે આપણી ઓળખ પરિસ્થિતિ પ્રમાણે વિસ્તરતી રહે છે, એ સ્થિર નથી. અ બધા વચ્ચે પોતાની જાત પછી આપણને સૌથી પહેલી કોઈ મદદ કરી શકે તો એ આપણા અંગત લોકો છે જેમાં પરિવાર સાથે ખાસ મિત્રોનો પણ સમાવેશ કરી શકાય. કટોકટી વખતે  સૌથી પહેલાં આ અંગત લોકો જ એકબીજા માટે ઊભા હોય  છે. ડાળીઓ ભલે જુદી જુદી દિશામાં હલે, મૂળ તો એક જ ધરતીમાં ઊંડાં ઉતરેલા હોય છે. કદાચ સંબંધોનું સાચું બળ પણ એ જ છે. મતભેદો  તો થતા રહે, પણ મનભેદ ટાળી શકીએ તો ઉત્તમ ... તમે શું કહો છો?