Sun Sep 06 2026

Logo

ફેસબુક પર 'પ્રતીક પટેલ' બની રાજકોટના યુવાનને ઠગનાર અલી અબ્બાસ સાગરીત સાથે પકડાયો

2026-07-04 12:51:00
Author: Mumbai Samachar Team
ફેસબુક પર 'પ્રતીક પટેલ' બની રાજકોટના યુવાનને ઠગનાર અલી અબ્બાસ સાગરીત સાથે પકડાયો

ભુજઃ રાજકોટના એક યુવાનને અંજાર બોલાવી રૂા. ૧,૫૦,૦૦૦ના બદલે સામે રૂા.૬ લાખ આપવાની લાલચ આપી છેતરપિંડી આચરનારી ઠગબાજ ટોળકીના બે સાગરીતોને અંજાર પોલીસે ઝડપી પાડ્યા છે. પકડાયેલા આરોપીઓ પાસેથી પોલીસે રોકડા રૂા. ૧.૫૦ લાખ, ગુનામાં વપરાયેલી સ્વિફ્ટ કાર, લેધર બેગ અને બે મોબાઈલ સહિત કુલ રૂા. ૩,૨૦,૦૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ, રાજકોટમાં રહેતા મૂળ અમરેલીના યુવાન પાર્થ જયસુખ કારેલિયાનો સોશિયલ મીડિયા ફેસબુક અને વ્હોટ્સએપ મારફતે 'પ્રતીક પટેલ' નામ ધારણ કરનાર શખ્સે સંપર્ક કર્યો હતો. આ શખ્સે યુવાનને વિશ્વાસમાં લઈ એકના ચારગણા રૂપિયા આપવાની લાલચ આપી અંજાર બોલાવ્યો હતો. અંજાર ખાતે યુવાન પાસેથી રૂા. દોઢ લાખ પડાવી લીધા બાદ આ ટોળકી નાસી છૂટી હતી.

ભોગ બનનાર યુવાને આ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે ટેકનિકલ સોર્સિસના આધારે 'પ્રતીક પટેલ'નું ડમી નામ ધારણ કરનાર અલી અબ્બાસ કાસમશા શેખ તથા તેના સાગરીત મહમદ રઝાક ઇબ્રાહીમશા શેખને દબોચી લીધા હતા. 

પોલીસ મુજબ, આ ટોળકીનો મુખ્ય સૂત્રધાર અલીઅકબર સોશિયલ મીડિયા પર ખોટા નામે આઈડી બનાવી લોકોને છેતરવાની ટેવવાળો છે. આ ગુનામાં એક્ટિવા પર રેકી કરનાર અલી અકબર શેખ તથા ડમી સિમકાર્ડ પૂરા પાડનાર ગની શેખ નામના અન્ય બે ઈસમોને પકડી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતો.

(ઉત્સવ વૈદ્ય)