ભુજઃ અંજાર તાલુકાના બુઢારમોરા ગામમાં અંધશ્રદ્ધાનો લાભ ઉઠાવી તાંત્રિકવિધિના બહાને એક ખેડૂત સાથે લાખો રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. 'ખેતીમાં કાંઈ વળશે નહીં, ગુરુજી વિધિથી રૂપિયા ડબલ કરી આપશે' તેવી લાલચ આપી ત્રણ શખ્સોએ ખેડૂત સાથે રૂ. ૩૫,૦૦,૦૦૦ની ઠગાઈ આચરી હતી. આ ચકચારી બનાવ અંગે ભોગ બનનાર ખેડૂતે અંજાર પોલીસ મથકે ત્રણ શખ્સો વિરૂદ્ધ ગુનાહિત કાવતરું રચી વિશ્વાસઘાત અને છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાવી હતી. બુઢારમોરા ગામમાં રહીને ખેતીકામ કરતા લક્ષ્મણ પુંજા સથવારા નામના ખેડૂતે આ મામલે આરોપીઓ બાબુ કરસન છાંગા (રહે.કોટડા,અંજાર), તાંત્રિક મસ્તાન બાપુ અને તેના ગુરુ ઝાકીર હુસેન (રહે.ઇન્દોર) સામે ફરિયાદ નોંધાવી હતી.
શું છે મામલો
બનાવની વિગત એવી છે કે, આશરે એકાદ વર્ષ પહેલાં ફરિયાદીના ઓળખીતા બાબુ છાંગાએ લક્ષ્મણભાઈનો સંપર્ક કર્યો હતો. બાબુએ ખેડૂતને જાળમાં ફસાવતા કહ્યું હતું કે, "ખેતીમાં કે જમીનની દલાલીમાં હવે કાંઈ કમાણી રહી નથી. મારા ગુરુ મસ્તાન બાપુ ખૂબ મોટા વિદ્વાન છે, જે પોતાની તાંત્રિક વિદ્યાથી રૂપિયા ડબલ કરી આપે છે. તેઓ ટૂંક સમયમાં ભચાઉ આવવાના છે. જો તારે તારા રૂપિયા ડબલ કરવા હોય તો તેમની સાધના માટે રહેવાની સગવડ કરી આપ, જેથી હું, મસ્તાન બાપુ અને તેમના ગુરુ ઝાકીર હુસેન તારા નસીબ ખોલી નાખીશું."
બાબુની વાતોમાં આવી જઈને ફરિયાદી ખેડૂતે મસ્તાન બાપુ નામના તાંત્રિકને રહેવા માટે પોતાના ભાઈની વાડીએ તમામ સુવિધાઓ કરી આપી હતી, જ્યાં તે થોડા દિવસ રોકાયો હતો. ત્યારબાદ ઇન્દોરથી તેનો મુખ્ય ગુરુ ઝાકીર હુસેન પણ ત્યાં આવી પહોંચ્યો હતો. ઝાકીર હુસેને રહેવાની વ્યવસ્થાથી ખુશ થઈને ખેડૂતને જણાવ્યું કે, "વિધિ શરૂ કરવા માટે અત્યારે જ મસ્તાનને રૂ. ૧,૫૫,૦૦૦ રોકડા આપી દે." ઝાકીર હુસેન પણ ત્યાં ત્રણ દિવસ રોકાયો હતો અને જતાં-જતાં ખેડૂતને ભરોસો આપતો ગયો હતો કે, હવે બાબુ કે મસ્તાન જે પણ રૂપિયા માંગે તે આપી દેજે, તેઓ વિધિ પૂરી કરીને તમામ રકમ ડબલ કરી આપશે.
ગુરુ-ચેલાની ટોળકી પર વિશ્વાસ મૂકીને ખેડૂત લક્ષ્મણભાઈએ અવારનવાર ટુકડે-ટુકડે રોકડા તેમજ ઓનલાઇન ટ્રાન્ઝેક્શન દ્વારા કુલ રૂપિયા ૩૫,૦૦,૦૦૦ આ શખ્સોને ચૂકવી દીધા હતા. વિધિનો સમયગાળો પૂર્ણ થતાં જ્યારે ખેડૂતે પોતાના ડબલ થયેલા રૂપિયા પરત માંગ્યા, ત્યારે ધુતારાઓએ વધુ નાણાંની માંગણી કરી હતી. ખેડૂતે હવે પોતાની પાસે એક પણ રૂપિયો ન હોવાનું કહેતાં જ તાંત્રિકોના રંગ બદલાયા હતા. મસ્તાન બાપુ "હું ઝાકીર બાપુ પાસે જઈને આવું છું, બાબુ અહીં જ છે" તેમ કહીને રફુચક્કર થઈ ગયો હતો.
લાંબો સમય વીતવા છતાં બંને તાંત્રિકો પરત ન આવતાં છેતરાયાનો અહેસાસ થતાં ખેડૂતે સ્થાનિક મધ્યસ્થી બાબુ છાંગા પાસે પોતાના રૂપિયાની ઉઘરાણી કરી હતી. ભારે દબાણના અંતે બાબુએ અંજારની સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાનો રૂપિયા ૩૫ લાખનો પોતાનો ચેક ખેડૂતને આપ્યો હતો. જો કે, લક્ષ્મણભાઈ જ્યારે આ ચેક બેન્કમાં વટાવવા ગયા ત્યારે ચોંકાવનારો ખુલાસો થયો હતો કે આ બેન્ક ખાતું તો ઘણા સમય પહેલાં જ બંધ થઈ ચૂક્યું છે. ત્યારબાદ બાબુએ નાણાં ચૂકવવાનો દેખાવ કરી બીજા બે ચેક આપ્યા હતા, જે પણ અપૂરતા બેલેન્સના કારણે બાઉન્સ થયા હતા, જે અંગે કોર્ટમાં અલગથી ફરિયાદ કરવામાં આવી હતી. અંજાર પોલીસે આ સમગ્ર મામલે ખેડૂતની ફરિયાદના આધારે ગુનો નોંધી ત્રણેય ઠગબાજોની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા હતા.
(ઉત્સવ વૈદ્ય)