Mon May 25 2026

Logo

અંજાર-ગાંધીધામ ૪૩.૨ ડિગ્રીમાં શેકાયા, અસહ્ય ગરમીથી કેરીના પાકને મોટું નુકસાન

2026-05-21 10:58:00
Author: mumbai samachar team
Article Image

ભુજઃ રણપ્રદેશ કચ્છ જિલ્લામાં ગગડેલો મહત્તમ પારો ફરી ઊંચકાતાં આકરો તાપ અને લૂનો પ્રકોપ શરૂ થયો છે. અંજાર અને ગાંધીધામ વિસ્તારમાં દોઢ ડિગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાન ૪૩.૨ ડિગ્રીએ પહોંચતાં જનજીવન અસહ્ય ગરમીથી તોબા પોકારી ઉઠ્યું હતું, જિલ્લા મથક ભુજમાં પણ પારો ૪૦.૮ ડિગ્રીએ પહોંચ્યો હતો, જ્યારે નલિયામાં ૩૭.૨ અને કંડલા પોર્ટમાં ૩૭.૫ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. રાત્રિના સમયે લઘુતમ પારો ૨૭થી ૨૮ ડિગ્રીની વચ્ચે રહેતાં બફારો અને ઉકળાટ યથાવત્ રહ્યો હતો. હવામાન વિભાગના સાત દિવસના વર્તારા મુજબ આગામી દિવસોમાં પણ પારો ૪૦ ડિગ્રીની આસપાસ જળવાઈ રહેશે.

બીજી તરફ, આ અસહ્ય ગરમી, પાકિસ્તાન તરફથી વાતા ગરમ પવનો અને બદલાતા વાતાવરણના કારણે કચ્છના ગૌરવ સમાન 'કચ્છી કેસર કેરી'ના પાક પર મોટું સંકટ ઘેરાયું છે. ભુજ તાલુકાના મિયાણીપટ્ટી, માધાપર, કુકમા, પદ્ધર, કાળીતળાવડી અને લાખોંદ સહિતના વિસ્તારોમાં મોટાપાયે થતી બાગાયતી ખેતીના ખેડૂતો હાલ ભારે ચિંતામાં મૂકાયા છે. વસંતપંચમીએ આંબા પર સારો મોર (ફૂલ) આવતાં બાગાયતદારોને બમ્પર ઉત્પાદનની આશા હતી, પરંતુ ત્યારબાદ તાપમાન વધતાં અને સફેદ ફૂગનો ઉપદ્રવ થતાં મોર બળી ગયા હતા અને ફાલ ખરી પડ્યો હતો.

કાળીતળાવડી અને પદ્ધર વિસ્તારના ખેડૂતોના જણાવ્યા મુજબ, છેલ્લા કેટલાક દિવસોથી ફૂંકાયેલા તેજ અને ગરમ પવનોના કારણે ૨૦થી ૩૦ ટકા જેટલી નાની-મોટી કાચી કેરીઓ આંબા પરથી ખરી પડી છે. અતિશય તાપને લીધે કેરીઓ પર કાળા ડાઘ પડી રહ્યા છે, જેનાથી તેની ગુણવત્તા અને બજારમૂલ્ય પર વ્યાપક અસર થવાની ભીતિ છે.

સામાન્ય રીતે આંબા દીઠ ૨૫થી ૩૦ કિલો મળતું ઉત્પાદન આ વર્ષે ઘટીને માત્ર ૧૦ કિલો આસપાસ રહી જવાની આશંકા છે. આ કપરી પરિસ્થિતિમાં કચ્છી કેસરને બચાવવા માટે બાગાયતદારો હવે નવીન પ્રયોગો તરફ વળ્યા છે અને કેરીને કમોસમી આબોહવા તેમજ જીવાતોથી રક્ષણ આપવા માટે પ્લાસ્ટિકના વિશેષ કવર (માસ્ક) બાંધીને પાક બચાવવાના ભગીરથ પ્રયાસો કરી રહ્યા છે.

(ઉત્સવ વૈદ્ય)