Fri May 01 2026

Logo

કિયારા અડવાણીનું પત્તું કપાયું, હવે અનીત પડા રૂપેરી પડદે મધુબાલાનું પાત્ર ભજવશે

2026-03-10 17:35:28
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈ: હિન્દી સિનેમાના સુવર્ણ યુગની સૌથી સુંદર અને પ્રતિભાશાળી અભિનેત્રી મધુબાલાના જીવન પર ફિલ્મ બનવા જઈ રહી છે, જેની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી. મધુબાલાની સુંદરતા અને તેમની અભિનય ક્ષમતા આજે પણ કરોડો લોકોના દિલમાં વસેલી છે. સંજય લીલા ભણસાલી જેવા દિગ્ગજ નિર્દેશક આ પ્રોજેક્ટ સાથે જોડાયેલા હોવાથી આ બાયોપિકમાં મુખ્ય પાત્ર કોણ ભજવશે તેને લઈને સોશિયલ મીડિયા પર અનેક અટકળો ચાલી રહી હતી.

અત્યાર સુધી એવી ચર્ચાઓ હતી કે મધુબાલાના રોલમાં કિયારા અડવાણી જોવા મળશે, પરંતુ લેટેસ્ટ રિપોર્ટ્સ મુજબ આ માત્ર એક અફવા સાબિત થઈ છે. કિયારાની જગ્યા પર હવે અનીત પડાનું નામ ફાઈનલ થયું હોવાની ચર્ચાએ વેગ પકડ્યો છે. અનીત પડાએ પોતાની પ્રથમ ફિલ્મથી જ 500 કરોડની કમાણી કરીને ઇન્ડસ્ટ્રીમાં ધમાકેદાર એન્ટ્રી કરી હતી. મીડિયા રિપોર્ટ અનુસાર, અનીતે આ આઈકોનિક રોલ માટે ફિલ્મ સાઈન કરી લીધી છે અને તે ટૂંક સમયમાં શૂટિંગ શરૂ કરે તેવી શક્યતા છે.

નોંધનીય વાત એ છે કે આ પહેલી વખત એવુ નથી બન્યું કે કિયારા અડવાણીને અનીત પડાએ રિપ્લેસ કરી હોય. આ પહેલા અપકમિંગ ફિલ્મ ‘શક્તિ શાલીની’માં પણ કિયારાના બિઝી શેડ્યૂલને કારણે અનીત પડાને કાસ્ટ કરવામાં આવી હતી. હવે મધુબાલા જેવી મોટી બાયોપિકમાં પણ કિયારાના બદલે અનીતનું નામ સામે આવતા ફેન્સમાં કુતૂહલ જાગ્યું છે. મેકર્સ હાલમાં આ બાબતે સત્તાવાર જાહેરાત કરવાની તૈયારી કરી રહ્યા છે અને આગામી અઠવાડિયામાં તેની પુષ્ટિ થઈ શકે છે.

આ બાયોપિકનો મુખ્ય હેતુ મધુબાલાના જીવનના સંઘર્ષો, તેમની સફળ કારકિર્દી અને તેમની પાછળ રહી ગયેલા વારસાને નવી પેઢી સમક્ષ રજૂ કરવાનો છે. જોકે ફિલ્મની અન્ય સ્ટારકાસ્ટ અને સ્ટોરીને હાલમાં કોઈ કહેવામાં આવી નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર આ ફિલ્મ માટે જોરશોરથી તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. મધુબાલાના અનોખા અંદાજને પડદા પર ઉતારવો એ અનીત પડા માટે એક મોટો પડકાર અને સુવર્ણ તક બંને સાબિત થશે.