મુંબઈ: અંધેરી વિસ્તારમાં 11 વર્ષના સગીરને ઘરે બોલાવ્યા બાદ તેની સાથે કુકર્મ આચરનારા અને ઘટનાની કોઇને જાણ કરતાં તેને જાનથી મારી નાખવાની ધમકી આપનારા આરોપીને દિંડોશી સેશન્સ કોર્ટે 20 વર્ષની કેદ ફટકારી હતી.
દિંડોશી સેશન્સ કોર્ટે આરોપી આકાશ સંજય પાનપાટીલ (27)ને ભારતીય દંડસંહિતાની કલમ 377 અને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેકસ્યુઅલ ઓફેન્સીસ (પોક્સો) એક્ટની કલમ 6 હેઠળ દોષી ઠેરવ્યો હતો અને તેને સજા ઉપરાંત એક હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.
અંધેરી વિસ્તારમાં રહેતી 11 વર્ષના સગીરને 2022માં આરોપીએ બૂટ રાખવાને બહાને પોતાના ઘરે બોલાવી હતી અને તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. આરોપીએ ઘટનાની કોઇને જાણ કરતાં જાનથી મારી નાખવાની ધમકી સગીરને આપી હતી. આ પ્રકરણે અંધેરી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો અને આરોપીની ધરપકડ કરાઇ હતી.
પોલીસે આરોપી વિરુદ્ધ પુરાવા એકઠા કર્યા હતા અને સાક્ષીદારોનાં નિવેદન નોંધ્યા બાદ કોર્ટમાં આરોપી વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. દરમિયાન દિંડોશી સેશન્સ કોર્ટમાં કેસની સુનાવણી હાથ ધરાઇ હતી અને કોર્ટે 7 ઑગસ્ટે આરોપીને 20 વર્ષની સજા ફટકારી હતી. આ કેસમાં સરકારી વકીલ તરીકે ઉષા જાધવ હતા.