ડૉ. બળવંત જાની
ભાઈ નિરંજન રાજયગુરુએ સ્વાતિના સર વડા ગ્રંથમાં સંતસાહિત્યના અમારા શ્રદ્ધેય અભ્યાસી મકરંદ દવેનું વિધાન નોંધ્યું છે કે કબીરના નામ સાથે એક વિશાળ વડ ગુજરાતમાં પાંગર્યો કબીરની બીજકવાણી એથીય વિશેષ રૂપે શાખા-પ્રશાખા ફેલાવતી અને વડવાઈઓ ઝૂલાવતી ગુજરાતને પાવન કરતી હતી. કબીરે વાવેલા અને ભાણ-રવિએ જીવતરમાં ઝીલેલાં એ બીજ કેવા તો વાઙમય - વડલો બની કોળી ઊઠયાં છે એનું સુપેરે દર્શન થાય છે.
જ્ઞાનીજી અને નીલકંઠદાસજીએ રામ કબીર અને સંત કબીર એમાંથી રામ કબીર દક્ષિણ ગુજરાતમાં આગવી પરંપરા તરીકે પ્રચલિત થયો. નીલકંઠદાસજી શિષ્ય પરંપરામાંના ભાણસાહેબે સતકબીરને રવિભાણ પરંપરા સ્વરૂપે આગવી રીતે-ભાતે જીવંત રાખ્યો. એ પરંપરાના એક સમર્થ શિષ્ય મોરારસાહેબના ભક્ત શિષ્ય આણંદરામ, તેઓ ઓગણીસમી સદીમાં હયાત હતા. જ્ઞાતિએ રાજપુત અને પડઘરીના નિવાસી હતા. તેમણે રચેલી રચનાઓ રામજી હીરસાગર સંપાદિત રાજયોગવાણીમાં તથા ભાઈ નિરંજનના લેખોમાં તથા નાથાલાલ ગોહિલ સંપાદિત ભજનસાગરના મોતીમાં મળે છે.
આણંદરામની પદરચનાઓ માત્ર ચારેક જ મળે છે. ભલે અલ્પ માત્રામાં પદો રચ્યા પણ એમની તાત્ત્વિક પીઠિકાનું ઊંડાણ એમાથી પ્રગટે છે. પોતે પોતાના મનને જ જાણે પ્રબોધે છે અને યોગ સાધનામાં લીન રહેવા પ્રેરે છે. ગુજરાતી-હિન્દી સાધુકડી ભાષાનું પદ ભજનિકોને પણ પ્રિય છે એ પદને આસ્વાદીએ.
અબ તો મનવા મેરા, કરી લે, શુદ્ધ વિચાર, વિચાર..
અબ તો ...(ટેક)
પરમાત્મા પદ પૂરણ સબ હી, નહિ પાર નહિ ધાર;
સ્થાવર જંગમ લોક આદ કે, નામ રૂપ આધાર, આધાર ....2
વેદ સ્મૃતિ સદા પોકારે, વિશ્વ રૂપ કિરતાર;
સમ સંતોષ વિચાર શુદ્ધ સંગ, ઓહી મોક્ષકો દ્વાર, દ્વારા....3
વિવેક અરુ વૈરાગ્ય ખટ સંપત્તિ, મુમુક્ષુતા ઉર ધાર;
તત્પદ, ત્વંપદ કરો વિચાર, લક્ષાર્થ નિહાર, નિહાર....4
શ્રવણ, મનન, અરુ નિદિધ્યાસન, હોવત સાક્ષાત્કાર;
તિમિર નાશ ભયો તતકાલ, સૂરજ કા ઉજિયાર,
ઉજિયાર.....પ
સોહમ્ સદ્ગુરુ જ્ઞાન બતાયા, મહા વાક્ય અનુસાર;
આનંદરામ સદ્ગુરુ મોરાર કે ચરણે, બાંય ગ્રહી લિયો તાર,
તાર ...6
હે મન ગુરુકૃપાથી સાધનાલીન, સાધનારત રહ્યા પછી હવે શુદ્ધ-બુદ્ધિથી વિચારવાનું છે કે પરમાત્માનું પદ જ પૂર્ણતાની પ્રતીતિ કરાવનારું અને પાર પહોંચાડનારું છે. સ્થાવર-જંગમ, દૃશ્ય-અદૃશ્ય, હરતાં-ફરતાં અસ્તિત્વનો આધાર એ જ છે, એ જ છે.
મોક્ષની પ્રાપ્તિનું દ્વાર તો શુદ્ધ વિચારવાળું મન અને સંતુષ્ટ ભાવ તથા સત્સંગ છે. વેદશાસ્ત્રો-સ્મૃતિ શાસ્ત્રો આ જ બાબત પોકારી-પોકારીને જગતને કહે-સમજાવે છે.
વૈરાગ્ય અને વિવેક તથા છ પ્રકારની સંમતિના ભાવને મુમુક્ષુએ -સાધકે પોતાના હૃદયમાં ધારણ કરવાનો હોય છેતત્પદ-ત્વમ્પદની સ્થિતિએ પહોંચવાનું લક્ષ્ય ધારણ કરીને એને જ નિહાળવાનું-ભાળવાનું-જોવાનું છે.
આત્મ સાક્ષાત્કારની સ્થિતિએ પહોંચવા માટે શ્રાવણ અને પછી સતત એનું જ મનન અને યોગ-સાધનામાં નિદિધ્યાસની ઉપાસનાથી અજ્ઞાન રૂપી અંધકારનો નાશ થશે અને અજવાળું - પ્રકાશ પાથરતો સૂર્યોદય થશે.
સદ્ગુરુએ આવું સોહમ વિદ્યાનું જ્ઞાન બતાવ્યું અને એ માર્ગે-પંથે વાળ્યો એને મહાવાક્ય માનીને-ધારણ કરીને એમનો હાથ પકડીને તાર-તાર-વસ્ત્રના તાંતણે-તાંતણાંને આણંદરામ મોરાર ગુરુ કૃપાથી પામી શક્યા.
આણંદરામની આત્માનુભૂતિન, સત્-ૠત તત્ત્વની પ્રાપ્તિની વિગત અહીં તેણે ગાઈ છે. આણંદરામ રવિભાણ પરંપરાની સાધનાધારાનું જ્ઞાન ચીંધતું સાધક વ્યક્તિત્વ હોઈને સદાય સ્મરણમાં રહેશે.