Sat Jun 20 2026

Logo

અમરેલીમાં સૌથી વધુ દોઢ ઇંચ વરસાદ!  આગામી 6 દિવસ આ જિલ્લાઓમાં વરસાદની આગાહી

2026-06-20 21:48:06
Author: Devayat Khatana
Article Image

અમદાવાદ: ગુજરાતમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે રાજ્યમાં વરસાદની શરૂઆત થઈ ગઇ છે. ગઇકાલે રાજ્યના 42 તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો, ત્યારે આજે રાજ્યના 5 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. આજે સૌથી વધુ વરસાદ અમરેલી તાલુકામાં સૌથી વધુ 1.61 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. જ્યારે રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી 6 દિવસ સુધી દરિયાકાંઠાના જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. 

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર દ્વારા આપવામાં આવેલા આંકડાઓ અનુસાર, આજે સવારના 6 વાગ્યાથી સાંજના 8 વાગ્યા સુધીમાં રાજ્યના 5 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. જેમાં અમરેલી તાલુકામાં સૌથી વધુ 1.61 ઇંચ વરસાદ પડ્યો હતો, જે મુખ્યત્વે બપોરે 2 થી 7  વાગ્યા વચ્ચે નોંધાયો હતો. આ ઉપરાંત, સુરેન્દ્રનગરના સાયલા તાલુકામાં 1.14  ઇંચ અને અમરેલીના જ બાબરા તાલુકામાં 0.98 ઇંચ વરસાદ ખાબક્યો હતો. વાવ-થરાદના ધરણીધર ખાતે 0.43 ઇંચ તેમજ રાજકોટના વિંછીયા તાલુકામાં 0.16  ઇંચ હળવો વરસાદ નોંધાયો હતો, જેમાં મોટાભાગના વિસ્તારોમાં સાંજના 6 વાગ્યાથી લઈને સાંજના 8 વાગ્યા દરમિયાન વરસાદી ઝાપટાં પડ્યા હતા.

આ દરમિયાન રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી 6 દિવસ સુધી દરિયાકાંઠાના જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં આવતીકાલે 21 અને 22 જૂનના રોજ  વલસાડ, નવસારી, ડાંગ, સુરત, તાપી, નર્મદા, ભરૂચ, વડોદરા, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ, આણંદ, ખેડા, અમદાવાદ, રાજકોટ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને બોટાદ જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 23 જૂનના રોજ વલસાડ, નવસારી, ડાંગ, સુરત, તાપી, નર્મદા, ભરૂચ, વડોદરા, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ, આણંદ, ખેડા, અમદાવાદ, રાજકોટ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને બોટાદ ઉપરાંત જૂનાગઢ જિલ્લામાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

જો કે 24 જૂનથી લઈને 25 જૂન સુધી વરસાદનું જોર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લામાં જ જોર રહેશે. આ સમય દરમિયાન સૌરાષ્ટ્રના માત્ર ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર તેમજ દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, ડાંગ, સુરત, તાપી, નર્મદા, ભરૂચ, વડોદરા, છોટા ઉદેપુર જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.