Fri Sep 04 2026

Logo

લોકસભામાં અમિત શાહે કહ્યું સ્પીકર વિરુધ્ધ અવિશ્વાસ દરખાસ્ત અફસોસજનક બાબત...

2026-03-11 18:15:12
Author: Chandrakant Kanoja
લોકસભામાં અમિત શાહે કહ્યું સ્પીકર વિરુધ્ધ અવિશ્વાસ દરખાસ્ત અફસોસજનક બાબત...

નવી દિલ્હી : લોકસભામાં સ્પીકર અંગે વિપક્ષ દ્વારા લાવવામાં આવેલી અવિશ્વાસ દરખાસ્તનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આકરો જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે સ્પીકર સામેનો  અવિશ્વાસ પ્રસ્તાવ લોકશાહી માટે અફસોસજનક બાબત છે. તેમણે કહ્યું સ્પીકર કોઇ પક્ષના નથી હોતા સંપૂર્ણ ગૃહના હોય છે. તેમની નિષ્ઠા પર સવાલ ઉઠાવવાથી વિશ્વમાં દેશની લોકશાહી વ્યવસ્થા પર સવાલ ઉભા થયા છે. 

સ્પીકરને ઠપકો આપવાનો અને હાંકી કાઢવાનો અધિકાર 

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું કે, આ કોઈ સામાન્ય ઘટના નથી. પરંતુ   ચાર દાયકા બાદ લોકસભા સ્પીકર સામે ફરી એકવાર અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે. આ એક દુઃખદ ઘટના છે.  તેઓ ગૃહના તમામ સભ્યોના અધિકારોનું રક્ષણ કરે છે. તેમણે કહ્યું કે જો શિસ્ત નહિ હોય તો માઇક બંધ  કરી દેવામાં આવશે. જ્યારે કોઈ નિયમોનું ઉલ્લંઘન કરે છે ત્યારે સ્પીકરને તેમને ઠપકો આપવા અને હાંકી કાઢવાનો અધિકાર છે.  

42 થી વધુ સાંસદોએ આ બાબતે પણ બોલ્યા

અમિત શાહે કહ્યું, ગૃહે દસ કલાકથી વધુ સમય સુધી ચર્ચા કરી છે. 42 થી વધુ સાંસદોએ આ બાબતે પણ બોલ્યા છે.  હું આખા ગૃહને જણાવવા માંગુ છું કે જ્યારે સ્પીકરની નિમણૂક કરવામાં આવી હતી, ત્યારે બંને પક્ષોના નેતાઓ એ તેમને ખુરશી પર બેસાડવા માટે સાથે મળીને કામ કર્યું હતું. એટલે કે શાસક પક્ષ અને વિપક્ષ બંનેએ તેમને ટેકો આપ્યો હતો.

75 વર્ષથી બંને ગૃહોએ લોકશાહીનો પાયો મજબૂત કર્યો

આ ઉપરાંત અમિત શાહે કહ્યું, 75 વર્ષથી બંને ગૃહોએ લોકશાહીનો પાયો મજબૂત કર્યો છે. પરંતુ વિપક્ષે આના પર પ્રશ્ન ઉઠાવ્યો છે. ગૃહ પરસ્પર વિશ્વાસ પર ચાલે છે. સ્પીકર શાસક અને વિપક્ષ બંને પક્ષોના રક્ષક છે. લોકસભા કેવી રીતે કાર્ય કરે છે તેના માટે નિયમો સ્થાપિત કરવામાં આવ્યા છે. ગૃહ કોઇ મેળો નથી  અહીં નિયમો અનુસાર બોલવું જ જોઇએ.