Mon Sep 07 2026

Logo

મમતાના ગઢ ભવાનીપુરમાં ભાજપનું શક્તિપ્રદર્શન: અમિત શાહની હાજરીમાં શુભેન્દુ અધિકારીએ ભર્યું ફોર્મ

2026-04-02 15:32:00
Author: Mumbai samachar Team
મમતાના ગઢ ભવાનીપુરમાં ભાજપનું શક્તિપ્રદર્શન: અમિત શાહની હાજરીમાં શુભેન્દુ અધિકારીએ ભર્યું ફોર્મ

ભવાનીપુર: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીનો જંગ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. ગુરુવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની પ્રેરક ઉપસ્થિતિમાં ભાજપના દિગ્ગજ નેતા શુભેન્દુ અધિકારીએ ભવાનીપુર બેઠક પરથી પોતાનું નામાંકન પત્ર દાખલ કર્યું હતું. આ પ્રસંગે હાજરા ક્રોસિંગથી સર્વે બિલ્ડિંગ સુધી યોજાયેલા ભવ્ય રોડ શોમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. મુખ્યમંત્રી મમતા બેનર્જીના આ રાજકીય ગઢમાં અમિત શાહ અને શુભેન્દુ અધિકારીએ શક્તિપ્રદર્શન કરીને તૃણમૂલ કોંગ્રેસને સીધો પડકાર ફેંક્યો છે.

નામાંકન બાદ જનસભાને સંબોધતા અમિત શાહે કહ્યું કે ભવાનીપુરમાં મોટી સંખ્યમાં ભેગા થયેલા લોકો બંગાળમાં પરિવર્તનનું પ્રતીક છે અને મમતા સરકારની વિદાય હવે નિશ્ચિત છે. શાહે મમતા બેનર્જી પર નિશાન સાધતા જણાવ્યું હતું કે, "મેં શુભેન્દુ દાને કહ્યું હતું કે માત્ર નંદીગ્રામ જ નહીં, પણ મમતા બેનર્જીના ઘરમાં જઈને તેમને હરાવવાના છે. આ વખતે આખું બંગાળ પરિવર્તન માંગી રહ્યું છે અને કમળ ખીલવાનું નક્કી છે."

કેન્દ્રીય ગૃહમંત્રીએ બંગાળની વર્તમાન સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે જનતા ગુંડાગીરી અને મહિલાઓની અસુરક્ષાથી ત્રસ્ત છે. તેમણે ખાસ કરીને સરહદ પારથી થતી ઘૂસણખોરીનો ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે, ઘૂસણખોરો બંગાળની જનસાંખ્યિકી બદલી રહ્યા છે. ભાજપની સરકાર બનતા જ બંગાળની સરહદો સીલ કરવામાં આવશે અને ઘૂસણખોરોને વીણી-વીણીને દેશની બહાર કાઢવામાં આવશે. ભ્રષ્ટાચાર અને બેરોજગારી મુદ્દે પણ તેમણે તૃણમૂલ સરકારને આડે હાથ લીધી હતી.

નામાંકન પ્રક્રિયા દરમિયાન ભવાનીપુરમાં ભાજપ અને ટીએમસીના કાર્યકરો વચ્ચે છૂટાહાથની મારામારી અને ઘર્ષણના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા, જેના કારણે વાતાવરણ તંગ બન્યું હતું. આ બેઠક પર ભાજપ કેટલી ગંભીર છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આગામી દિવસોમાં ભવાનીપુરમાં પ્રચાર અર્થે આવી શકે છે. પ્રદેશ પ્રમુખ સુકાંત મજુમદાર સહિતના નેતાઓની હાજરીમાં શુભેન્દુ અધિકારીએ વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.