Thu May 07 2026

Logo

બમ બમ ભોલે.... 3 જુલાઈથી શરૂ થશે અમરનાથ યાત્રા, જાણો કેવી છે તૈયારી

2026-05-07 15:42:33
Author: Mayur Patel
Article Image

શ્રીનગરઃ 3 જુલાઈથી અમરનાથ યાત્રા શરૂ થશે. આ માટે યાત્રાના માર્ગ પરથી બરફ હટાવવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. ગાંદરબલના કલેકટરે એક મીટિંગ કરીને તૈયારીનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે તૈનાત સ્થળો, ચેકપોસ્ટને અંતિમ રૂપ આપવાના નિર્દેશ આપ્યા હતા. ઉપરાંત બેસ કેમ્પના મુખ્ય એન્ટ્રી પોઈન્ટ પર સુરક્ષા સ્કેનર લગાવવા સૂચના આપી હતી.

બેઠકમાં સીમા સડક સંગઠનના અધિકારીઓએ જણાવ્યું કે, બરફ હટાવવાનું કામ ઝડપથી ચાલી રહ્યું છે અને નિર્ધારીત સમય મર્યાદા પહેલા પૂરું થવાની આશા છે. પોની અને પિટ્ઠુ સંચાલકોનું રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે અને આગામી દિવસોમાં આ પ્રક્રિયાને વધારે ઝડપી બનાવાશે. શ્રદ્ધાળુઓની સુવિધા માટે આરએફઆઈડી અને ઈ-કેવાયસી કાઉન્ટરોની સંખ્યા વધારવાનો નિર્દેશ આપ્યો છે. તેમજ ઓન સ્પોટ રજિસ્ટ્રેશન કાઉન્ટરની સંખ્યા વધારવા સૂચના આપવામાં આવી છે.

સ્વચ્છતાને પ્રાથમિકતા ગણાવી સંબંધિત વિભાગોને યાત્રા માર્ગ પર પૂરતા શૌચાલયની સ્થાપના અને વેસ્ટ મેનેજમેન્ટ સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપ્યો હતો. સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓ બાલટાલ અને અન્ય સ્થાનો પર મેડિકલ સુવિધાના જરૂરી ઉપકરણો અને સ્ટાફ તૈનાત કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

13 થી 70 વર્ષની વયના શ્રદ્ધાળુઓ આ યાત્રા કરી શકે છે.  6 અઠવાડિયાથી વધુ સમયનો ગર્ભ ધરાવતી મહિલાઓ આ યાત્રા કરી શકતી નથી. યાત્રા માટે  શ્રી અમરનાથજી શ્રાઇન બોર્ડની વેબસાઇટ પર રજિસ્ટ્રેશન કરાવવાનું હોય છે. તેમજ રૂપિયા 150 પરમિટ ફી ભરવી પડે છે. યાત્રા દરમિયાન  આધાર કાર્ડ જેવા માન્ય ઓળખ પત્ર સાથે રાખવાના હોય છે. તેમજ  8 એપ્રિલ, 2026 પછી ઇશ્યૂ થયેલું ફરજિયાત હેલ્થ સર્ટિફિકેટ જરૂરી છે. વિદેશી શ્રદ્ધાળુઓ પણ SASB પોર્ટલ પર અલગ લિંક દ્વારા અરજી કરી શકે છે. તેમણે પાસપોર્ટ, હેલ્થ સર્ટિફિકેટ અને અંદાજે ₹1,550 ફી ભરવાની રહેશે.

ઉલ્લેખનીય છે કે, આ યાત્રા દરમિયાન  સુરક્ષા માટે દરેક શ્રદ્ધાળુ પાસે ટ્રેકિંગ ડિવાઇસ (RFID કાર્ડ) હોવું ફરજિયાત છે.