Thu Apr 30 2026

Logo

અઝીમ પ્રેમજીની આ એક સલાહ સાંભળીને મહારાષ્ટ્રના આ ગામના ખેડૂતો બન્યા કરોડપતિ, તમે જાણો છો આ ગામ વિશે?

2026-03-18 20:38:44
Author: Darshana Visaria
Article Image

મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લામાં આવેલું અમલનેર (Amalner) ગામ આજે ભારતના રોકાણકારો માટે યાત્રાધામ સમાન બની ગયું છે. આ ગામના લોકોની અબજોપતિ બનવાની ગાથા કોઈ ફિલ્મી વાર્તાથી ઓછી નથી. આ ગામમાં સાધારણ કપડાં પહેરીને તમારી બાજુમાં ચાલતો માણસ પણ કદાચ બે-પાંચ કરોડના પોર્ટફોલિયોનો માલિક હોઈ શકે છે. વિશ્વાસ નથી થતો ને? ચાલો તમને આખી સ્ટોરી વિસ્તારથી જણાવીએ... 

વાત જાણે એમ છે કે મહારાષ્ટ્રના જળગાંવ જિલ્લામાં આવેલા અમલનેરના ગામના લોકોએ આઈટી જાયન્ટ વિપ્રો (Wipro) કંપની પર દાયકાઓ પહેલાં જે વિશ્વાસ દેખાડ્યો હતો, તે આજે 7,000 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ બની થઈ ગયો છે. આ ગામ પાસે આજે વિપ્રો જેવી મલ્ટિ-નેશનલ કંપનીની અંદાજે ત્રણ ટકા હિસ્સેદારી છે, જે એક મોટું આશ્ચર્ય છે.

વર્ષ 1945માં મોહમ્મદ હુસૈન પ્રેમજીએ અમલનેરમાં 'વેસ્ટર્ન ઈન્ડિયા વેજીટેબલ પ્રોડક્ટ્સ લિમિટેડ' નામની કંપની શરૂ કરી હતી. શરૂઆતમાં આ કંપની વનસ્પતિ ઘી, ખાવાનું તેલ અને લોન્ડ્રી સાબુનું ઉત્પાદન કરતી હતી. કંપનીની ફેક્ટરી અમલનેરમાં જ હોવાથી ત્યાંના સ્થાનિક લોકો આ વ્યવસાય સાથે ભાવનાત્મક રીતે જોડાયેલા હતા.

1966માં પિતાના અવસાન બાદ 21 વર્ષના અઝીમ પ્રેમજીએ કંપનીની કમાન સંભાળી. 1970ના દાયકામાં જ્યારે કંપનીએ આઈપીઓ (IPO) લાવવાનું નક્કી કર્યું, ત્યારે અઝીમ પ્રેમજી પોતે અમલનેરના ગ્રામજનોને મળ્યા હતા. તેમણે લોકોને સમજાવ્યા હતા કે કંપનીના કામમાં ભાગીદાર બનો અને એમના કહેવા પર ખેડૂતો, વેપારીઓ અને સામાન્ય કામદારોએ પણ પોતાની બચતના અમુક પૈસા આ કંપનીના શેરમાં ઈન્વેસ્ટમેન્ટ કર્યું હતું. 

શેરબજારમાં રોકાણની શક્તિ એટલે કે 'પાવર ઓફ કમ્પાઉન્ડિંગ' અહીં જોવા મળે છે. વિપ્રોએ વર્ષો દરમિયાન અનેકવાર બોનસ શેર (Bonus Shares) અને શેર સ્પ્લિટ (Stock Split) જાહેર કર્યા છે. જો કોઈએ 1970-80ના ગાળામાં 100 રૂપિયાના રોકાણથી 10 શેર ખરીદ્યા હોય, તો બોનસ અને સ્પ્લિટના કારણે આજે તે શેરની સંખ્યા લાખોમાં થઈ ગઈ હોય. આ શેરની કરન્ટ માર્કેટમાં કિંમત અને ડિવિડન્ડ ગણીએ તો 100 રૂપિયાનું આ રોકાણ આજે 10 કરોડ રૂપિયાથી પણ વધુની સંપત્તિ બની ચૂક્યું છે.

અમલનેરના લોકો માટે આ શેયર્સ માત્ર કાગળના ટુકડા નહીં પણ એક કાયમી પેન્શન યોજના સમાન છે. વિપ્રો જે રીતે દર વર્ષે ડિવિડન્ડ આપે છે, તેનાથી ગામના હજારો પરિવારોના ઘર ચાલે છે. ઘણા નિવૃત્ત લોકોએ તો આ શેરો વેચ્યા જ નથી અને માત્ર ડિવિડન્ડની રકમથી જ આરામદાયક જીવન જીવી રહ્યા છે.

આજે અમલનેર ગામ એ એક ગામ નહીં પણ શહેર બની ચૂક્યું છે. અહીંના લોકો ભલે કરોડોના માલિક હોય, પણ તેમની જીવનશૈલીમાં હજુ પણ સાદગી જોવા મળે છે. ગામના ટ્રસ્ટ, શાળાઓ અને હોસ્પિટલોમાં પણ વિપ્રોના શેરના કારણે મળતા ફંડનો મોટો ફાળો છે. આ કિસ્સો સાબિત કરે છે કે જો યોગ્ય કંપનીની પસંદગી કરવામાં આવે અને તેને દાયકાઓ સુધી પકડી રાખવાની ધીરજ હોય, તો શેરબજાર નસીબ બદલી શકે છે.

છે ને એકદમ અનોખી અને માનવામાં ન આવે એવી માહિતી? સાંભળવામાં ભલે વિચિત્ર લાગતું હોય પણ આ હકીકત છે. આવી જ બીજી કામની માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો...

વધુ જુઓ...