પ્રયાગરાજ: દેશની મોટા ભાગની કોર્ટમાં ભરણપોષણના દાવાઓ પડેલા છે, ત્યારે અલાહાબાદ હાઇ કોર્ટે પત્ની દ્વારા કરવામાં આવેલા ભરણપોષણના દાવાની સુનાવણી દરમિયાન મહત્વની ટિપ્પણી કરી હતી. કોર્ટે કહ્યું હતું કે ભરણપોષણ મેળવવા માટે પત્નીઓ અવારનવાર કોર્ટમાં પતિની માસિક આવક વધારીને જણાવતી હોય છે, પરંતુ આવું કરવા બદલ તેમની સામે કોઈ કાયદાકીય પગલાં લઈ શકાય નહીં.
જસ્ટિસ રાજબીર સિંહની બેન્ચે એક પતિ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દેતા આ ટિપ્પણી કરી હતી. અરજદાર પતિનો આક્ષેપ હતો કે તેની પત્નીએ ભરણપોષણની રકમ વધુ મેળવવા માટે તેની ૧૧ હજાર રૂપિયાની માસિક આવકને ખોટી રીતે ૮૦ હજાર રૂપિયા દર્શાવી હતી.
અદાલતે અવલોકન કર્યું હતું કે CRPCની કલમ 125 હેઠળ ચાલતા કેસમાં પત્નીઓ દ્વારા પતિની કમાણી વધારીને રજૂ કરવી એ એક સામાન્ય બાબત બની ગઈ છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે આવા કિસ્સાઓમાં પત્ની વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 379 અથવા CRPCની કલમ 340 હેઠળ કાર્યવાહી કરી શકાય નહીં. ન્યાયના હિતમાં એ જરૂરી છે કે ફેમિલી કોર્ટ બંને પક્ષોના દાવાઓ અને તથ્યોની ઝીણવટભરી તપાસ કર્યા પછી જ યોગ્ય નિર્ણય લે, પરંતુ માત્ર દાવાઓના આધારે મહિલા સામે કેસ ચલાવવો ઉચિત નથી.
કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે અદાલતોએ એ બાબતનું ધ્યાન રાખવું જોઈએ કે કોઈ વ્યક્તિ વ્યક્તિગત અદાવત કે બદલો લેવા માટે કાયદાકીય પ્રક્રિયાનો દુરુપયોગ કરે નહીં. કોર્ટનું કામ એ જોવાનું છે કે કોઈ એક પક્ષને ન્યાય અપાવવાની પ્રક્રિયામાં બીજા પક્ષ સાથે અન્યાય ન થાય. માત્ર આવકનો આંકડો વધારીને બતાવવો એ ફોજદારી કાર્યવાહી કરવા માટે પૂરતો આધાર નથી, કારણ કે અંતિમ નિર્ણય પુરાવાઓના આધારે લેવામાં આવે છે. આ તર્ક સાથે કોર્ટે પતિની અપીલને ફગાવી દીધી હતી.
ઉલ્લેખનીય છે કે ભરણપોષણના વિવાદોમાં બંને પક્ષો તરફથી વિરોધાભાસી દાવાઓ જોવા મળતા હોય છે. એક તરફ મહિલાઓ વધુ ભથ્થું મેળવવા આવક વધારીને બતાવે છે, તો બીજી તરફ અનેક કિસ્સાઓમાં પતિ પોતાની મિલકતો બીજાના નામે ટ્રાન્સફર કરી દે છે અથવા પોતાની વાસ્તવિક આવક છુપાવવાનો પ્રયાસ કરે છે, જેથી ઓછું ભરણપોષણ ચૂકવવું પડે છે.