Tue Apr 21 2026

Logo

અલખનો ઓટલોઃ ચડી રે શિખર પર હેલી જોઈ લ્યો રે..

2026-03-23 14:55:29
Author: ડૉ. નિરંજન રાજ્યગુરુ
Article Image

ડૉ. નિરંજન રાજ્યગુરુ


હે  મારી સખી મારી સુરતા તું  શિખર પર ચડીને, ગગન ગઢમાં નિત્ય અગોચર અલૌકિક રમત ચાલી રહી છે એમાં ભાગ લેવાનો પ્રયાસ કરજે. અને કાયમ નિરાશી પદમાં એટલે કે કોઈપણ જાતની આશા, અપેક્ષા, ઈચ્છારહિત થઈને અનાસક્ત ભાવે એમાં પ્રવેશ કરજે. સદ્ગુરુની કૃપાથી આ ઘટમાં જ, પિંડ- શરીરની મધ્યમાં જ તારા પ્રિતમને પ્રાપ્ત કરીને એનાં વારણાં લેજે. જુગતિથી એટલે કે યોગયુક્તિથી ઘટોઘટમાં વ્યાપ્ત એવા અંતર્યામીની ઓળખ કરી લેજે.  

હે મારી સુરતા-તલ્લીનતા તારું ધ્યાન, તારી લગન એક જ જગ્યાએ સ્થિર અને જાગૃત કરી દેજે, જ્યાં તૂરઈ વાજાં વાગી રહ્યા છે, મોરલીનો નાદ સંભળાઈ રહ્યો છે. પોતાના આપાંપણાને ટાળીને એટલે કે હું પદમાંથી, સૂક્ષ્મ અહંકારમાંથી પણ મુક્ત થઈને, સૂર્ય-ચન્દ્ર નાડી-ઈડા-પિંગલાને સ્થિર કરીને સુષુમ્ણા મળે એવા ત્રિવેણી સ્થાન ઉપર પહોંચીને અખંડ નૂર-અહર્નિષ દિવ્ય પ્રકાશના પ્રદેશમાં આરોહણ કરજે.. એ માટે પવનને થંભાવી, શ્વાસ-ઉચ્છવાસ ઉપર કાબૂ મેળવીને તારી સુરતાને શબદમાં - અજપાજાપમાં જોડી દેજે તેથી તને પ્રેમની લહેરની પ્રાપ્તિ થશે. 

જ્યાં અવિરત અમ્મર દિવ્ય ધારાઓ વહે છે એવા ત્રિવેણી સ્થાનકનો કાંઠો તું જોઈ લેજે. જેનું રહસ્ય કોઈ વીરલા જ પામી શકે છે એવા સતત સ્મરણને કારણે હવે તને આદુંનું ખાતું- એટલે કે જન્મોજન્મની લીલાનું રહસ્ય પ્રાપ્ત થઈ જશે. એની અકળ- જે સામાન્ય રીતે કળી શકાય નહીં એવી ગૂઢ કળાના અનુભવની વાતો, પરમાત્મ તત્ત્વને પ્રાપ્ત કરવા દાખવેલા વિરહની વાતો કોઈને કરવાની જરૂર નથી. શબ્દના નશામાં-ઘેનમાં જ તારા પરમ પ્રિયતમ સાથેના સંબંધને નિરભે બનાવીને, કોઈપણ જાતના ભય વિનાનું અભેપદ તું પ્રાપ્ત કરી લેજે, જેનાથી આવાગમનનું દુ:ખ ટળી જશે. અને સદ્ગુરુ પાસેથી પ્રાપ્ત થયેલા સાચા શબ્દે જમપૂરીના બંધનમાંથી તું મુક્ત થઈ જજે. 

શ્વાસ-ઉચ્છવાસના દોરનો ટેકો મળતાં એકાએક તને અલખ- અવ્યક્ત- જે કહી ન શકાય, વર્ણવી ન શકાય એની પ્રાપ્તિ થઈ જશે, એનાં દર્શન થતાં જ તારા ચિત્તની વૃત્તિઓ સ્થિર થશે અને તારી સુરતા દંગ-દિગ્મૂઢ બની જશે. જ્યાં અવિઘટ ઘાટ જોવા મળશે, પરમાત્મા હવે જરાયે દૂર નહીં લાગે, આજ સુધી સમજણ વિના જેને બહાર શોધવા આથડતા હતી એ ભટકવાનું મટી જશે અને પછી સુષુમ્ણા-સુખમણા સાથે અમ્મર પ્યાલાનું સદૈવ પાન કરતી રહેજે. 

ત્રિવેણી ધારાના કાંઠે બેસીને નિજનામની માળાનો અહર્નિષ જાપ કરતાં અખંડ દિવ્ય ઉજાસ-પ્રકાશના અંજવાળાનો તને અનુભવ થશે. સદ્ગુરુની કૃપાએ સંસારની માયાના વજ્ર તાળાંઓ તૂટી જાય અને અજ્ઞાન અંધારાંનો નાશ થતાં ઓચિંતાં જ અજવાળાં થઈ જાય પછી ચિત્ત મારૂં  મારૂં  મારૂં એવા સ્વાર્થમય વિચારોમાંથી મુક્ત થઈ જાય છે. સદ્ગુરુના કૃપા પ્રસાદથી પૂર્ણ પદની પ્રાપ્તિ થઈ જાય છે....  

ચડી રે શિખર પર હેલી જોઈયે રે.. બેહદ કા પરિયાણ... 
તિયાં હે બેહદ કા રે પ્રમાણ...

દોનું કમલકે બિચમેં, ભમરા કરત હે ગુંઝાર, 
સુગંધ બહેકે જિયાં ફૂલની,,ફૂલ તો ખીલ્યા હે અપાર...

ઉન ભમરેકો પાંખ નહીં, બિના પંખ ઉડ જાય રે, 
અમીના સરોવર જહાં ભર્યા, ઉનમેં રહે સમાઈ..

- મારી હેલી રે.. ચડી રે શિખર પર હેલી જોઈયે..0
વોહી સરોવર કો પાળ નહીં, નહીં સરવર કો રૂપ રે, 
બિના પહાડ ઝરણાં ઝરે, એસા ખેલ અનુપ..

પ્રેમી પી કે ભમરા છક્યા, પીવત તૃપ્તિ ન હોય રે,
ભાણ કહે હંસદાસ કું, એસા પદ હે સોય..

    - મારી હેલી રે.. ચડી રે શિખર પર હેલી જોઈયે..0

(આ રચના કેટલાક પાઠાંતરો સાથે આપણે ત્યાં કબીરસાહેબના નામે પણ ગવાય છે. કબીરસાહેબના નામાચરણ સાથે મળતી અન્ય રચના છે.)

ગગને ચડીને હેલી જોઈ લ્યો રે. 
તિયાં પહોંચત વીરલા સંત મારી હેલી રે,

કઠણ પંથ વૈરાગકા, તિયાં પહોંચત વીરલા સંત મારી હેલી રે,
ગગને ચડીને હેલી જોઈ લ્યો રે, આપણા પિયુજી કેરો દેશ...

                                                     મારી હેલી રે... 

કૌન રે બુંદકી માતા ધરણી રચી રે, કૌન રે બુંદકા આકાશ,
કૌન રે બુંદકા પ્રાણી પુરુષ બનાયા, કોન રે બુંદકા સંસાર 

સલીલ બુંદકી માતા ધરણી રચી હૈ, બરક બુંદકા આકાશ,
ઓહમ્ બુંદકા પ્રાણી પુરુષ બનાયા, 

સોહમ બુંદકા સંસાર                                  ..મારી હેલી રે... 

અંબુ બુંદસે ધરણ નીપાવી રે, પવન બુંદસે આકાશ, 
અમૃત બુંદસે પુરુષ જાયા રે, ચેતન્ય બુંદ સે સંસાર 

રેન તો સમાણી સાહેલી ભાંણમાં, ભાણ તો સમાણો આકાશ,
આકાશ સમાણું સાહેલી સુનમાં, 

શૂન્ય તો સમાણી સુરતા માંય                           ...મારી હેલી રે... 

દેખ્યા વિનાની ન દેશકી રે, વાત કહત સબ કોઈ, 
એ તો ફોગટ ફેરા ખાત રે, બચત ફીરત કપૂ ખોઈ.. 

જે ઘર હંસા મોતી ચૂગના રે, કરીયા કાળ ન ખાય, 
ચાલો હંસા ઉન સરોવર રે પલ્લા પકડ્યા નહીં જાઈ .. 

                                                   મારી હેલી રે... 

નૂરત સૂરત જોત પ્રકાશી રે પાયા સાચા પદ નીરવાણ,
વેદ કહેતા તો સો વઈ ગયા રે, આપે કબીર જુગત ભાણ... 

અમૃત ત્રશણાના ઝરણા ઝરે, સોઈ રતન મણી પ્રકાશ,
કહત કબીર ધરમ દાસકો, ફીર તો મિલન કેરી આશ 

                                                  ...મારી હેલી રે...