Sun Sep 06 2026

Logo

એર ઈન્ડિયામાં આર્થિક સંકટ: પગારવધારામાં ત્રણ મહિનાની બ્રેક, પણ નોકરી નહીં જાય

2026-05-08 20:54:52
Author: Mumbai Samachar Team
એર ઈન્ડિયામાં આર્થિક સંકટ: પગારવધારામાં ત્રણ મહિનાની બ્રેક, પણ નોકરી નહીં જાય

નવી દિલ્હીઃ એર ઈન્ડિયાએ વધી રહેલા આર્થિક ભારણને ધ્યાને લઈને કેટલાક મહત્ત્વના નિર્ણય લીધા છે. આર્થિક ભારણ, ખર્ચ અને એવિએશન સેક્ટરની મુશ્કેલીઓ વચ્ચે એર ઈન્ડિયાએ પોતાના કર્મચારી પાછળ થતા ખર્ચને કાબૂમાં કરવા માટે પગલાં લીધા છે. ભારતીય વિમાન કંપની એર ઈન્ડિયા સૌથી કપરા સમયમાંથી પસાર થઈ રહી છે. 

કંપનીના મુખ્ય અધિકારીએ આજે કહ્યું હતું કે, કર્મચારીઓ પાછળ થતા કેટલાક ખર્ચોને બચાવવા માટે અમુક કપાત કરવી જરૂરી છે. વાર્ષિક વેતનમાં જે વધારો કરવામાં આવે છે એને ઓછામાં ઓછા ત્રણ મહિના સુધી અટકાવવામાં આવે એવી પૂરી શક્યતાઓ છે. રાહતના વાવડ એ છે કે, કંપનીએ ખાતરી આપી છે કે, કોઈને નોકરીમાંથી છૂટા કરવામાં નહીં આવે. 

આ કારણે મુશ્કેલીઓ વધી

કંપનીના સીઈઓ કેમ્પબેલ વિલ્સને કહ્યું કે, મિડલ ઈસ્ટમાં વધી રહેલી મુશ્કેલીને કારણે જેટ ફ્યૂલના ભાવ વધી રહ્યા છે. પહેલા જે ભાવે તેલ મળતું એમાં સીધો અઢીથી ત્રણ ટકાનો વધારો થયો છે. પાકિસ્તાને પોતાની એરસ્પેસ ભારત માટે બંધ કરી દીધી છે. પાકિસ્તાન પરથી કોઈ ભારતીય વિમાન પસાર થઈ શકે એમ નથી. 

આ કારણે યુરોપ અને પશ્ચિમ એશિયા તરફ જતી ફ્લાઈટને લાંબો ચક્કર મારવો પડે છે. આ કારણે વધારે તેલ વપરાય છે.ડૉલરની તુલનામાં રૂપિયો ગબડી રહ્યો છે. આ કારણે વિદેશથી આવતો સામાન અને સર્વિસ પાછળ થતો ખર્ચ વધી ગયો છે. આ તમામ કારણોના લીધે પ્રવાસીઓની એર ટિકિટ વધી છે. બીજી તરફ એર ટ્રાવેલ કરનારાઓનો ઉત્સાહ ઘટી રહ્યો છે. 

ખર્ચા ઘટાડવા પડશે

તમામ એર ઈન્ડિયના કર્મચારીઓએ પોતાના ખર્ચા ઘટાડવા પડશે. ખોટા ખર્ચ પર કાબુ મેળવવો પડશે. જે કામ જરૂરી નથી એ કામ પાછળ થતા ખર્ચમાં કાપ મૂકાશે. ક્રૂ અને સ્ટાફ પાછળ જે ખોટો ખર્ચ થઈ રહ્યો છે એના પર નિયંત્રણ મૂકાશે.કંપની ગત વર્ષને આધાર માની પર્ફોમન્સ આધારિત બોનસ આપશે અને પ્રમોશન પણ એ વર્ષના આધારે નક્કી કરશે. વાર્ષિક વેતનમાં વધારો અથવા ઈન્ક્રિમેન્ટ ઓછામાં ઓછા ત્રણ મહિના સુધી નહીં મળે. જોકે કર્મચારીઓને વગ વેતને રજા પર ઊતારી દેવાની વાત પર ચર્ચા થઈ હતી.