નવી દિલ્હીઃ દેશમાં ઉનાળાની શરૂઆત થતાની સાથે જ એર કન્ડિશનર (એસી) ખરીદનારાઓને મોંઘવારીનો ઝટકો લાગી શકે છે. અનેક મોટી કંપનીઓએ પોતાની એસીની કિંમતોમાં 5 થી 15 ટકાનો વધારો કરવાની યોજના બનાવી રહી છે. કાચા માલનો વધતા ખર્ચ, નબળો રૂપિયો અને નવા ઉર્જા કાર્યક્ષમતા ધોરણોના કારણે આ વધારો કરવામાં આવી રહી છે.
કંપનીઓના જણાવ્યા અનુસાર, ફેબ્રુઆરીથી એપ્રિલ વચ્ચે એસીના અલગ અલગ મોડલના આધારે ભાવમાં વધારો કરવામાં આવી રહ્યો છે. મુખ્ય કંપનીઓમાં ડાઇકિન, વોલ્ટાસ, બ્લુ સ્ટાર, એલજી ઇલેક્ટ્રોનિક્સ, હાયર અને મિત્સુબિશી હેવી ઇન્ડસ્ટ્રીઝનો સમાવેશ થાય છે. કંપનીઓનું કહેવું છે કે કૉપર જેવી ધાતુઓના વધતા ભાવ, નબળો રૂપિયો, નવી ઉર્જા-કાર્યક્ષમતા નીતિઓ અને વધેલા નૂર ચાર્જ સતત ખર્ચમાં વધારો કરી રહ્યા છે, જેના કારણે ભાવમાં વધારો જરૂરી બન્યો છે.
ડાઇકિન ઇન્ડિયાના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર કંવલજીત જાવાએ જણાવ્યું હતું કે કંપની એપ્રિલથી એસીની કિમતોમાં 12 ટકાનો વધારો કરશે જે અલગ અલગ મોડલ પર નિર્ભર રહેશે. જ્યારે બ્લુ સ્ટારના મેનેજિંગ ડિરેક્ટર બી. થિયાગરાજનના જણાવ્યા પ્રમાણે, કંપનીએ ફેબ્રુઆરીના મધ્યમાં પહેલાથી જ ભાવમાં 8-10 ટકાનો વધારો કરી દીધો હતો. જો કે, બજારમાં જૂના સ્ટોકની ઉપલબ્ધતાને કારણે,ગ્રાહકોને તાત્કાલિક તફાવતનો ખ્યાલ આવી રહ્યો નથી.
વોલ્ટાસના મેનેજિંગ ડિરેક્ટર મુકુંદન મેનને જણાવ્યું હતું કે કંપની આ વર્ષે વધતા ખર્ચને ધ્યાનમાં રાખીને ભાવમાં 5-15 ટકાનો ફેરફાર કરશે. દરમિયાન એલજી ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયાના ડિરેક્ટર સંજય ચિતકારાએ જણાવ્યું હતું કે નવી ઉર્જા કાર્યક્ષમતા નીતિના પરિણામે 3-સ્ટાર એસી માટે આશરે 7 ટકા અને 5-સ્ટાર મોડલ માટે 9-10 ટકાનો વધારો કરાયો છે.
આ વર્ષે બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી (બીઈઈ) ના નવા સ્ટાર રેટિંગ નિયમો પણ અમલમાં આવ્યા છે. નવા ધોરણો હેઠળ, 5-સ્ટાર એસી લગભગ 10 ટકા વધુ ઉર્જા-કાર્યક્ષમ હશે, જેના પરિણામે ગ્રાહકોને તેમના વીજળી બિલમાં લાંબા ગાળાની બચત થશે. નિષ્ણાતોના મતે, 2026માં કાળઝાળ ગરમી પડશે જેના કારણે એર કન્ડિશનરની માંગમાં 15 ટકાનો વધારો થઈ શકે છે. ભારતમાં રૂમ એર કન્ડિશનરનું બજાર હાલમાં આશરે 13.5 મિલિયન યુનિટ હોવાનો અંદાજ છે.