Fri Aug 14 2026

Logo

એઆઈ આધારિત ડ્રાઈવિંગ ટ્રેક આવ્યા પર ડ્રાઈવિંગ ટેસ્ટમાં ફેલ્યોર રેટ 94 ટકા?

2026-08-05 15:29:39
Author: Pooja Shah
Article Image

અમદાવાદઃ અમદાવાદમાં ત્રણ અને ગાંધીનગરમાં એક એમ ચાર આરટીઓમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક શરૂ કરવામાં આવ્યા છે. આ ચારેય ટ્રેક પર લાયસન્સ માટે અરજી કરતા નવા વાહનચાલકોનો ફેલ્યોર રેટ ઘણો જ વધી ગયો હોવાથી તેના લીધે થતા આર્થક બોજ અને વહીવટી કામકાજો અંગે તંત્રમાં ચિંતા વ્યાપી હોવાનું સૂત્રો જણાવે છે. 

નવા એઆઈ-આધારિત ટ્રેક પર ફોર-વ્હીલર ડ્રાઇવિંગ ટેસ્ટમાં નિષ્ફળતાનો દર વધીને 94% થયો છે, જે અગાઉ સેન્સર-આધારિત ટેસ્ટ ટ્રેક હેઠળ  55% હતો. ટુ-વ્હીલર ડ્રાઇવિંગ ટેસ્ટમાં નિષ્ફળતાનો દર 25% થયો છે, જે અગાઉના 10% આસપાસ હતો. 

પરિવહન વિભાગના ભૂતપૂર્વ વરિષ્ઠ અધિકારીઓએ મીડિયા સાથે વતા કરતી વખતે જણાવ્યું હતું કરે ટેસ્ટ ટ્રેકનો હેતુ દરેક સ્થિતિમાં વાહન ચલાવતા આવડે તે શિખવાડવાનો છે, પરંતુ હાલમાં ડ્રાઈવિંગ ટેસ્ટ માત્ર એક ઔપચારિકતા બની ગઈ છે. જે ટેસ્ટ આપવા આવે છે તેમને મોનિટર પર વીડિયો બતાવ્યા સિવાય કોઈ માર્ગદર્શન આપવામાં આવતું નથી. 

સૂત્રોના જણાવ્યા અનુસાર, અધિકારીઓએ વધેલા નિષ્ફળતા દર પાછળના મૂળ કારણો નક્કી કરવા માટે કોઈ અભ્યાસ હાથ ધર્યો નથી. આરટીઓ પાસે એક બોક્સ ઈન્સ્ટોલ કરી અરજદારો પાસેથી સૂચનો અને તેમના અનુભવો મંગાવવામાં આવે, તેવું પણ અમુક અધિકારી કહી રહ્યા છે. 

યોગ્ય માર્ગદર્શન ન હોવાથી નવા વાહનચાલકો નિષ્ફળ જાય પછી તેમમે ફરી ટેસ્ટ આપવા પૈસા ખર્ચવા પડે છે. સમય જાય છે, ધક્કા ખાવા પડે છે અને ડ્રાઈવિંગ લાયસન્સ મેળવવા માટે વાહનચાલકોએ નાહકની હાલાકી ભોગવવી પડી રહી છે. જોકે આ મામલે આરટીઓના સૂત્રો સાથે વાત થઈ શકી ન હતી.