Fri May 01 2026

Logo

અમદાવાદમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલીઓ રાખનાર ફેરિયાઓ-વેપારીઓ દંડાશે...

2026-02-15 22:31:44
Author: Chandrakant Kanoja
Article Image

અમદાવાદઃ ગુજરાતમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર સંપૂર્ણપણે પ્રતિબંધ છે તેમ છતાં શાકભાજી અને ફ્રુટ બજારમાં પ્લાસ્ટિકની થેલીઓનો બેફામ ઉપયોગ થાય છે. જો કે હવે આ મામલે ગુજરાત હાઇકોર્ટે આકરૂ વલણ અપનાવ્યું છે. હાઈકોર્ટે શાકભાજી અને ફ્રુટ બજાર સહિતની જગ્યા ઉપર પ્લાસ્ટિકની થેલીઓ પર અસરકારક પ્રતિબંધ લાવવા માટે આદેશ કર્યો હતો. જેના પગલે અમદાવાદ શહેરમાં હવે પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલીઓ રાખનાર ફેરિયાઓ-વેપારીઓની સામે દંડની કાર્યવાહી કરવામાં આવશે જેના માટેની રકમ નક્કી કરવામાં આવી છે.

ભંગ બદલ પ્રથમ વખત રૂ.1000 દંડ 

મળતી વિગત મુજબ, પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગના ભંગ બદલ પ્રથમ વખત રૂ .1000, બીજી વખત રૂ. 3000 અને ત્રીજી વખત રૂ. 5000નો દંડ ફટકારવામાં આવશે. દુકાનને સીલ કરવા સુધીની પણ કાર્યવાહી કરવામાં આવશે. દંડની રકમ નક્કી કરવા અંગેની દરખાસ્ત સોમવારે મળનારી સોલીડ વેસ્ટ કમિટીમાં મૂકવામાં આવી છે. 

આગામી મહિનાથી દંડ વસૂલ કરવાની કાર્યવાહી કરવામાં  આવશે 

ઝોન-સબઝોન વોર્ડ કક્ષાએથી અમલવારી કરવા તથા તે અંગે જરૂરી તમામ કાર્યવાહી કરવા સહિતની સત્તા મ્યુનિસિપલ કમિશનરને સોંપવા સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી માટેની દરખાસ્ત સોમવારે મળનારી સોલીડ વેસ્ટ કમિટીની બેઠકમાં લાવવામાં આવી છે, જેને મંજૂરી મળ્યા બાદ આગામી મહિનાથી દંડ વસૂલ કરવાની કાર્યવાહી કરવામાં આવી શકે છે.