Sun Sep 06 2026

Logo

અમદાવાદમાં હવે દૂધની પણ ચોરી: વસ્ત્રાલમાં વહેલી સવારે તસ્કર 100 લિટર દૂધ લઈ છનનન...

2026-02-21 11:10:00
Author: Devayat Khatana
અમદાવાદમાં હવે દૂધની પણ ચોરી: વસ્ત્રાલમાં વહેલી સવારે તસ્કર 100 લિટર દૂધ લઈ છનનન...

અમદાવાદ: તમે ચોરીના તો અનેક બનાવ વિષે સાંભળ્યું હશે પણ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા વસ્ત્રાલમાં હવે તસ્કરોએ દૂધની ડેરીઓને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે. વસ્ત્રાલમાં રિલાયન્સ પેટ્રોલ પંપની પાછળ આવેલી યુનાઈટેડ સ્કૂલની આસપાસ અનેક દૂધની ડેરીઓ આવેલી છે, જ્યાં છેલ્લા કેટલાક સમયથી વહેલી સવારે અજાણ્યા શખ્સો દ્વારા દૂધની ચોરીના બનાવો વધી રહ્યા હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો. ગઇકાલે પણ એક અમૂલ પાર્લર પર વહેલી સવારે અંદાજે 5:20 વાગ્યાની સુમારે એક અજાણ્યા શખ્સે ત્રાટકીને અલગ-અલગ કેરેટમાંથી આશરે 100 લિટર જેટલા દૂધની ચોરી કરી પલાયન થઈ ગયો હતો.
 

આ ઘટનાની જાણ થતા જ આસપાસના અન્ય ડેરી સંચાલકોમાં પણ ફફડાટ વ્યાપી ગયો હતો. નવાઈની વાત એ છે કે, આસપાસના અન્ય ડેરી ધારકોએ પણ સ્વીકાર્યું હતું કે તેમની ત્યાં પણ અવારનવાર દૂધની નાની-મોટી ચોરીઓ થતી રહે છે. જોકે, દૂધની માત્રા ઓછી હોવાથી અને પોલીસ કાર્યવાહીની ઝંઝટ ટાળવા માટે મોટાભાગના વેપારીઓ ફરિયાદ કરવાનું ટાળતા હતા. વેપારીઓની આ ઉદાસીનતાનો લાભ ઉઠાવીને તસ્કરને મોકળું મેદાન મળી ગયું હોય તેમ લાગી રહ્યું છે.

વારંવાર બનતી આ ચોરીની ઘટનાઓથી સ્થાનિક વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. વેપારીઓનું કહેવું છે કે જો સમયસર કોઈ કડક પગલાં લેવામાં નહીં આવે તો ચોરનો આત્મવિશ્વાસ વધશે અને ભવિષ્યમાં મોટી લૂંટ કે ચોરીની ઘટનાઓ પણ બની શકે છે. હાલમાં તો 100 લિટર દૂધની ચોરીના મામલે આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસવાની તજવીજ હાથ ધરવામાં આવી છે જેથી આ 'દૂધચોર' ને જલ્દીથી ઝડપી પાડી શકાય.