Tue Aug 25 2026

Logo

પાંચ લાખ રૂપિયા માટે ભત્રીજાએ ફુવાની હત્યા કરી નાખી, ફરાર આરોપી ઉદયપુરથી ઝડપાયો

2026-05-13 17:03:17
Author: Pooja Shah
પાંચ લાખ રૂપિયા માટે ભત્રીજાએ ફુવાની હત્યા કરી નાખી, ફરાર આરોપી ઉદયપુરથી ઝડપાયો

અમદાવાદઃ મંગળવારે શિલજના એક એપાર્ટમેન્ટમાં ૫૬ વર્ષીય ફુવાની તેમના ભત્રીજા દ્વારા હત્યા કરવામાં આવી હતી. આ હત્યા ઘરમાં પડેલા રૂ. પાંચ લાખની ચોરી માટે થઈ હોવાની શંકા પોલીસસૂત્રોએ દર્શાવી હતી. હત્યા બાદ ભાગી છૂટેલા ભત્રીજાને પોલીસે ઉદયપુરથી દબોચી લીધો હતો અને મંગળવારે મોડી રાત્રે અમદાવાદ લાવવામાં આવ્યો હતો, તેવી માહિતી સૂત્રો પાસેથી મળી હતી. 

મૃતક મનીષ ચોક્સી મંગળવારે સવારે અવનિશ હાઇટ્સ ખાતેના તેના ફ્લેટમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે તે તેના પુત્ર સમર્થ અને ભત્રીજા વ્રજ સોની સાથે રહેતા હતા. વ્રજ ઘટના બાદ ગુમ થઈ ગયો હતો. 

બોપલ પોલીસના જણાવ્યા અનુસાર, ચોક્સી ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફીના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે હત્યા સવારે 9.30 વાગ્યા પહેલા થઈ હતી. પોલીસે જણાવ્યું હતું કે સમર્થ સોમવારે મોડી રાત્રે કામ પતાવીને ઘરે પાછો ફર્યો હતો અને હત્યા થઈ ત્યારે તે સૂતો હતો. જ્યારે ચોક્સી મોર્નિંગ વૉક માટે ન ગયા ત્યારે એક મિત્રએ સમર્થને ફોન કર્યો હતો અને સમર્થે ચેક કરતા પિતા લોહીલુહાણ હાલતમાં જોવા મળ્યા હતા. સીસીટીવી ફૂટેજમાં વ્રજ સોની એક બેગ સાથે જોવા મળ્યો હતો. 

તપાસ દરમિયાન પોલીસને જાણ થઈ હતી કે વ્રજ દારૂ અને જુગારની લતે ચડી ગયો હતો અને દેવામાં ડૂબી ગયો હતો. તેને ખબર હતી કે ઘરમાં પાંચ લાખ રૂપિયા છે, આથી તેણે ચોરીનો પ્લાન બનાવ્યો અને ચોરી કરતા સમયે ફૂવા પર હુમલો કર્યો હતો. જોકે હજુ હત્યા કેવી રીતે થઈ અને તેના હથિયાર મામલે તપાસ ચાલી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.