અમદાવાદ: શહેરમાં કાયદાનો કોઈ ડર ના હોય તેમ ક્રાઇમની ઘટનાઓ વધી રહી છે. કાલે મોડી રાત્રે રાણીપ પોલીસ ચોકી નજીક 37 વર્ષીય અજય સાલ્વી નામના યુવકની હત્યા થઈ હોવાનું પ્રકાશમાં આવ્યું છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે કોઈ જૂની અદાવતે આઠથી 10 લોકોના ટોળાએ એક યુવક પર હુમલો કર્યો હતો. આ હુમલામાં યુવકને 15 થી વધુ ઘા વાગ્યાં હોવાથી તેનું મોત થઈ ગયું છે.
પોલીસ ચોકી નજીક હત્યા થતા લોકોમાં ભયનો માહોલ
ચોંકાવનારી વાત એ છે કે, હત્યાની આ ઘટના રાણીપ પોલીસ ચોકીથી માત્ર થોડી જ દુર જાહેરમાં થઈ હતી. જેથી પોલીસની કામગીરી પર પણ સવાલ થઈ રહ્યો છે. આ મામલે જાણ થતાં પોલીસ કમિશનરે સત્વરે દરેક અધિકારીઓને હાજર રહેવાનું કહીને તપાસ શરૂ કરવા માટે આદેશ આપ્યો હતો. પોલીસ સ્ટેશન પાસેનો જ વિસ્તાર જો સુરક્ષિત ના હોય તો લોકોમાં ભયનો માહોલ સર્જાશે! અત્યારે પોલીસે મામલે તપાસ શરૂ કરી દીધી છે.
જૂની અદાવતમાં હત્યા થઈ હોવાની આશંકા
પોલીસની પ્રાથમિક તપાસ પ્રમાણે અજય સાલ્વીની હત્યા વિશાલ ચૌહામ અને તેના સાગરીતો દ્વારા કરવામાં આવી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આ લોકોએ તલવાર અને ધારિયા વડે અજય સાલ્વી પર હુમલો કર્યો હતો. આવા હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હોવાથી અજય સાલ્વી ગંભીર રીતે ઘાયલ થઈ ગયો હોવાથી તેને સારવાર માટે સત્વરે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પરંતુ સારવાર દરમિયાન જ તેનું મોત થઈ ગયું હતું. પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કરી દીધા છે. પોલીસની પ્રાથમિક તપાસ પ્રમાણે આ હત્યા કોઈ જૂની અદાવતમાં કરવામાં આવી હોવાની આશંકા છે.
મદ્રાસી સમાજનો પક્ષ લેવા બદલ હત્યા થઈ હોવાનો આક્ષેપ
સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે મૃતક અને આરોપીઓ વચ્ચે કોઈ જૂની બાબતે વિવાદ ચાલી રહ્યો હતો. પોલીસ તપાસ પ્રમાણે મદ્રાસી સમાજના લોકો અને આરોપીઓ વચ્ચે ઝઘડો થયો હતો. આ વિવાદ પછી મૃતકે મદ્રાસી સમાજનો પક્ષ લીધો હતો. એટલું જ નહીં પરંતુ આરોપીઓનો વિરોધ પણ કર્યો હતો. આ અદાવતે હત્યા કરવામાં આવી હોઈ શકે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે. અત્યારે પોલીસે વિશાલ અને તેના સાગરીતોની શોધ શરૂ કરી દીધી છે.