અમદાવાદ: શહેરમાં હવે ધાર્મિક પ્રસંગો, લગ્ન સમારોહ કે વરઘોડામાં મનફાવે તેમ મોટા અવાજે ડીજે નહીં વગાડી શકાય. શહેરમાં શાંતિ જળવાઈ રહે અને નાગરિકોને ધ્વનિ પ્રદૂષણથી મુક્તિ મળે તે હેતુથી પોલીસ કમિશનર જી.એસ. મલિકે એક મહત્વનંે જાહેરનામું બહાર પાડ્યું છે. આ નવા નિયમોના અમલીકરણ સાથે હવે કોઈપણ જાહેર કાર્યક્રમમાં માઈક કે સ્પીકર સિસ્ટમનો ઉપયોગ કરતા પહેલા પોલીસની લેખિત મંજૂરી મેળવવી અનિવાર્ય બની ગઈ છે.
પોલીસ કમિશનરના આદેશ અનુસાર, શહેરમાં રાત્રે 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી માઈક કે ડીજે વગાડવા પર સંપૂર્ણ પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. આ સમયગાળા દરમિયાન કોઈપણ પ્રકારની છૂટછાટ આપવામાં આવશે નહીં. જોકે, દિવસના સમયે એટલે કે સવારે 6 થી રાત્રે 10 વાગ્યા સુધી મંજૂરી મેળવી શકાશે, પરંતુ તેમાં પણ અવાજની મર્યાદા (ડેસિબલ) નક્કી કરવામાં આવી છે. જો નિર્ધારિત મર્યાદા કરતા વધુ અવાજ જણાશે, તો પોલીસ તાત્કાલિક અસરથી સાધનો જપ્ત કરી શકશે.
નવા જાહેરનામામાં ધાર્મિક સ્થળો માટે પણ સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે. મંદિર, મસ્જિદ કે ચર્ચ જેવા પરિસરોમાં માઈકનો અવાજ એટલો જ રાખવાનો રહેશે કે જે માત્ર તે સંકુલની અંદર જ સંભળાય. જો અવાજ બહારના રહીશો કે રાહદારીઓ માટે ત્રાસદાયક બનશે, તો પોલીસ કાર્યવાહી કરશે. આ ઉપરાંત, હોસ્પિટલો, શાળાઓ અને અદાલતોની આસપાસના 100 મીટરના વિસ્તારને 'સાયલન્સ ઝોન' જાહેર કરાયો છે, જ્યાં કોઈપણ પ્રકારના લાઉડસ્પીકર વગાડવાની સખત મનાઈ છે.
પોલીસ વહીવટીતંત્રએ ચેતવણી આપી છે કે વરઘોડા કે રેલીઓ દરમિયાન જો જાહેરનામાનો ભંગ થશે, તો માત્ર દંડ વસૂલીને સંતોષ માનવામાં નહીં આવે. નિયમ તોડનાર સામે ગુનો નોંધવાની સાથે ડીજે અને અન્ય મોંઘી માઈક સિસ્ટમ પણ જપ્ત કરી લેવામાં આવશે. રહેણાંક વિસ્તારો અને પાર્ટી પ્લોટમાં થતા આયોજનો પર પોલીસની ખાસ નજર રહેશે. શહેરના નાગરિકોના આરોગ્ય અને સુખાકારીને ધ્યાનમાં રાખીને લેવાયેલા આ નિર્ણયનો અમલ કડક રીતે કરવામાં આવશે.