અમદાવાદ: શહેરમાં ગુનાખોરીનો ગ્રાફ દિવસેને દિવસે વધી રહ્યો છે. હત્યાના બનાવોમાં વધારો થયો છે તો મારામારી, ગુંડાગીરી સામાન્ય વાત બની ગઈ છે. અમદાવાદમાં વકરેલી ગુનાખોરી વચ્ચે એક ચોંકાવનારી વિગત સામે આવી છે. મળતી વિગત પ્રમાણે, અમદાવાદ શહેરમાં મેનપાવરની ભારે અછત પોલીસિંગમાં અવરોધ ઊભી કરી રહી છે. ઓછામાં ઓછા 35 પોલીસ સ્ટેશનો મંજૂર કરાયેલા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર (PI) વિના કાર્યરત છે. આ અછતને કારણે અધિકારીઓ પર કામનું ભારણ વધી રહ્યું છે.
કયા કયા પોલીસ સ્ટેશનમાં સેકન્ડ પીઆઈની જગ્યા છે ખાલી
સેક્ટર-1 માં, જેમાં 26 પોલીસ સ્ટેશનો છે, ઓછામાં ઓછા 20 સ્ટેશનો માત્ર એક જ PI સાથે ચાલી રહ્યા છે, કારણ કે સેકન્ડ PI ની જગ્યા ખાલી છે. વસ્ત્રાપુર, સોલા, ઘાટલોડિયા, ગુજરાત યુનિવર્સિટી, નારણપુરા, નવરંગપુરા, વાડજ, એલિસબ્રિજ, સરખેજ, વાસણા, બોડકદેવ, આનંદનગર, પાલડી, સેટેલાઇટ, માધવપુરા, રાણીપ, સાબરમતી, કાલુપુર, ગાયકવાડ હવેલી અને ખાડિયા જેવા પોલીસ સ્ટેશનો આ અછતથી પ્રભાવિત છે.
સેક્ટર-2 માં પણ આવી જ સમસ્યા જોવા મળી રહી છે. 22 પોલીસ સ્ટેશનો જેમાં 44 PIની જરૂર છે, ત્યાં સેકન્ડ PI ની આશરે 15 જગ્યાઓ ખાલી છે. દરિયાપુર, કૃષ્ણનગર, મેઘાણીનગર, બાપુનગર, ગોમતીપુર, રખિયાલ, અમરાઈવાડી, ખોખરા, નિકોલ, ઓઢવ, ઇસનપુર, મણિનગર, વટવા GIDC, દાણીલીમડા અને નારોલ પોલીસ સ્ટેશનો સેકન્ડ PI વિના કાર્યરત છે.
સેકન્ડ પીઆઈની જગ્યા ખાલી હોવાથી ગુનાખોરી વધી
બંને સેક્ટરો પોલીસિંગની અલગ-અલગ અને વધતી જતી માંગનો સામનો કરી રહ્યા છે તેવા સમયે આ અહેવાલ સામે આવ્યો છે. સેક્ટર-1 માં શહેરના કેટલાક સૌથી વ્યસ્ત રહેણાંક અને વ્યાપારી વિસ્તારોનો સમાવેશ થાય છે, જ્યાં પોલીસ નિયમિતપણે ચોરી, છેતરપિંડી અને લૂંટના કેસ સંભાળે છે. સેક્ટર-2 મુખ્યત્વે ઔદ્યોગિક છે, જે મોટા પ્રમાણમાં પરપ્રાંતિય મજૂરો અને અનેક મેન્યુફેક્ચરિંગ યુનિટોઆવેલા છે — અહીં હુમલા, લૂંટ અને ચોરીના વારંવાર કિસ્સાઓ જોવા મળે છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, સેકન્ડ PI ની ગેરહાજરી હવે વહીવટી કાર્યક્ષમતા અને ફિલ્ડ ઓપરેશન્સ પર સીધી અસર કરી રહી છે. ગુનાખોરી પર દેખરેખ, તપાસનું સુપરવિઝન, કાયદો અને વ્યવસ્થાનું સંચાલન અને વરિષ્ઠ અધિકારીઓ સાથેના સંકલન જેવી મહત્વપૂર્ણ ફરજો એક જ અધિકારી દ્વારા નિભાવવામાં આવી રહી છે, જેનાથી વિલંબની શક્યતા વધી રહી છે.
સૂત્રોએ જણાવ્યું કે, આ અછત ગુના શોધવાની પ્રક્રિયાને અસર કરી રહી છે. તેમણે જણાવ્યું કે, જ્યારે એક જ PI કાગળના કામથી લઈને ફિલ્ડ ડિપ્લોયમેન્ટ સુધીનું બધું જ સંભાળતા હોય, ત્યારે દરેક કેસ પર પૂરતું ધ્યાન આપવું મુશ્કેલ બની જાય છે. પ્રિવેન્ટિવ પોલીસિંગને પણ અસર થાય છે.
ખાલી જગ્યાઓ ભરવા માટેની દરખાસ્તો પર ચર્ચા કરવામાં આવી છે, તેમ છતાં બદલીઓ, બઢતીઓ અને વહીવટી વિલંબને કારણે જગ્યાઓ ખાલી રહી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે રિસ્પોન્સ ટાઈમ સુધારવા, બહેતર દેખરેખ સુનિશ્ચિત કરવા અને સમગ્ર શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે PI સ્તરે મેનપાવર મજબૂત કરવો જરૂરી છે.