અમદાવાદઃ શહેરમાં વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. અમદાવાદમાં 20ની નોટ પર યુવતીનો ફોટો મૂકી કોલગર્લ હોવાનું લખીને રોડ પર ચિઠ્ઠી ફેંકવામાં આવી હતી. પરિણીતાના એક તરફી પ્રેમમાં પાગલ સગા કાકા સસરાએ આ કારસ્તાન કર્યું હોવાનું સામે આવતાં ચકચાર મચી ગઈ હતી.
જાણો શું છે સમગ્ર મામલો
મળતી વિગત પ્રમાણે, અમદાવાદના ઓઢવમાં પરિણીતાના એકતરફી પ્રેમમાં પાગલ કાલ સસરાએ વિકૃતિની હદો વટાવી દીધી હતી. સગા કાકા સસરાએ મહિલાનો મોબાઈલ નંબર અને સરનામું સહિતની વિગતોની ચિઠ્ઠી બનાવીને રસ્તામાં નાખી હતી. આટલેથી વિકૃતિ ન સંતોષાતા તેમણે રૂ. 20ની ચલણી નોટો પર મહિલાનું સરનામું, મોબાઈલ નંબર અને ભીભત્સ ટિપ્પણીવાળું લખાણ લખીને રામોલ ટોલટેક્સ, હાટકેશ્વર સર્કલ, સિંગરવા ગામ અને ઓઢવ રિંગરોડ જેવી જગ્યાઓ પર ફેંકી હતી.
આ મામલે મહિલાએ પતિને જાણ કર્યા બાદ ફરિયાદ નોંધાવતા ઓઢવ પોલીસે તપાસ શરૂ કરી અને 100થી વધુ સીસીટીવી ફૂટેજ ચકાસ્યા હતા. જે બાદ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસ તપાસ દરમિયાન સામે આવેલી વિગત પ્રમાણે, આરોપી કાકા સસરાનો તેની પત્ની સાથે કોર્ટમાં છૂટાછેડાનો કેસ ચાલી રહ્યો છે. બીજી તરફ, કાકા સસરા પરિણીત મહિલાના એકતરફી પ્રેમમાં પાગલ હતો. આરોપીએ મહિલાને આશ્વાસન આપી કહેતો હતો કે તારા પતિ સાથે અણબનાવ ચાલી રહ્યો છે, જો તારા છૂટાછેડા થઈ જશે તો હું તને સાચવી લઈશ. મહિલાએ આ વાતનો વિરોધ નોંધાવ્યો હતો. બે મહિના અગાઉ કાકા સસરા ખાલી ચિઠ્ઠીઓમાં મહિલા વિશે બીભત્સ લખાણ અને મોબાઈલ નંબર લખીને નાખતો હતો. પરંતુ કોઈ રિસ્પોન્સ ન મળતા આરોપીએ ચલણી નોટોમાં મહિલાનો ફોટો સ્ટેપલર મારીને અલગ-અલગ વિસ્તારમાં ફેંકતો હોવાનું તપાસમાં ખુલવા પામ્યું હતું.

કેવી રીતે થયો ખુલાસો
પરિણીતાના એક્તરફી પ્રેમમાં પાગલ કાકા સસરાએ 31 જુલાઈથી 4 સપ્ટેમ્બર દરમિયાન મહિલાના મોબાઈલ નંબર પર અલગ લોકોના ફોન અને મેસેજ આવવા લાગ્યા હતા, જેમાં બીભત્સ માગણી કરવામાં આવતી હતી. આ ઉપરાંત મહિલાને વોટ્સએપ પર તેનો ફોટો, સરનામું અને મોબાઈલ નંભર જેવી વિગતો ચલણી નોટો પર લખેલી હોય તેવા મેસેજ મોકલવામાં આવતા હતા. આ તમામ બાબતોના લીધે દંપતી વચ્ચે અવારનવાર ઝઘડા થવા લાગ્યા હતા.
ગત 4 સપ્ટેમ્બરે પરિણીતાના મોબાઈલ નંબર પર અજાણ્યા શખ્સતો ફોન આવ્યો હતો અને જણાવ્યું કે ઓઢવ એસપી રિંગરોડ પાસે આવેલા જાનવી આર્કેડના પાર્કિંગમાંથી ચલણી નોટ મળી છે, જેમાં ફોટો, ફોન નંબર અને બીભત્સ લખાણ લખેલું છે. મહિલાએ તેના પતિને આ મામલે જાણ કરી હતી. બાદમાં મહિલાનો પતિ ફોન કરનાર અજાણ્યા શખ્સને મળ્યો હતો. જે બાદ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસ કર્મીઓએ રામોલ ટોલટેક્સ, હાટકેશ્વર સર્કલ, સિંગરવા ગામ અને ઓઢવ રિંગરોડ ખાતેના 100 જેટલા સીસીટીવી ફૂટેજ તપાસીને આરોપીની ધરરપકડ કરી હતી.