Mon Oct 05 2026

Logo

અમદાવાદના નિકોલમાં જ્વેલર્સની દુકાનમાં ₹1.11 કરોડના દાગીના ચોરનાર સેલ્સગર્લ ઝડપાઈ

2026-05-18 22:52:23
Author: Chandrakant Kanoja
અમદાવાદના નિકોલમાં જ્વેલર્સની દુકાનમાં ₹1.11 કરોડના દાગીના ચોરનાર સેલ્સગર્લ ઝડપાઈ

અમદાવાદ: અમદાવાદના નિકોલ વિસ્તારમાં જવેલર્સની દુકાનમાં સેલ્સગર્લ તરીકે કામ કરતી યુવતીએ  કરોડોના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગઈ હતી. આ મામલે 'આભૂષણ ગોલ્ડ એન્ડ સિલ્વર' શો રૂમના માલિક દર્શનભાઈ જૈને નોંધાવેલી ફરિયાદ બાદ  નિકોલ પોલીસે સેલ્સ ગર્લ હર્ષિદા શેટ્ટીને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે સીસીટીવીની તપાસ કરતાં  સ્પષ્ટ જોવા મળ્યું હતું કે, સેલ્સ ગર્લ ચોરી કરી રહી છે જેથી તેનો ગુનો પુરવાર થતો હતો. બાદમાં ક્રાઈમ બ્રાન્ચે સીસીટીવી ફૂટેજ અને ટેક્નિકલ અને હ્યુમન સોર્સની મદદથી હર્ષિદા શેટ્ટી અને તેના પ્રેમીને ઝડપી પાડ્યા હતા.  

 1.11 કરોડથી વધુના દાગીના ચોરીને ફરાર થઈ ગઈ હતી

આ અંગે મળતી વિગત મુજબ, અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલ 'આભૂષણ ગોલ્ડ એન્ડ સિલ્વર' જ્વેલર્સના શોરૂમમાંથી સોનાની ચેઈન, વીંટી અને બંગડીઓ, મંગળસૂત્ર અને પેન્ડન્ટ, સોનાની ઘડિયાળ અને અન્ય કિંમતી ઘરેણાં મળીને અંદાજે 1.11 કરોડથી વધુના દાગીના ચોરીને ફરાર થઈ ગઈ હતી.

પોલીસે હર્ષિદાના પ્રેમીની પણ અટકાયત કરી

સીસીટીવી ફૂટેજ ચેક કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. વીડિયોમાં હર્ષિદા પોતાની પાછળ રહેલા કબાટમાંથી સોનાના ઘરેણાં કાઢીને પોતાના કપડાંના ગજવામાં છુપાવતા સ્પષ્ટ દેખાઈ હતી. ત્યારબાદ તે ઉપરના માળે સ્ટોરરૂમમાં જઈ પોતાની બેગ લઈને શોરૂમની બહાર નીકળી ગઈ હતી. આ કરોડોની ચોરીના સમગ્ર કાવતરામાં હર્ષિદાના પ્રેમીની પણ સક્રિય સંડોવણી હતી. પોલીસે હર્ષિદાના પ્રેમીની પણ અટકાયત કરી સઘન પૂછપરછ હાથ ધરી છે.