Tue May 19 2026

Logo

અમદાવાદમાં પરીણિત પ્રેમી સાથે રહેવા સેલ્સ ગર્લ 1.66 કરોડના દાગીના ચોરીને ભાગી, કઈ રીતે ઝડપાઈ ?

2026-05-19 11:11:00
Author: mumbai samachar team
Article Image

અમદાવાદઃ જેના માટે  નોકરી છોડી, 1.66 કરોડના દાગીના પણ ચોર્યા, એ જ બોયફ્રેન્ડ મયૂર માળી દાગીના માટે મને છોડીને ભાગી ગયો. આ શબ્દો હતા છેલ્લા ચાર દિવસથી વાયરલ થયેલા નિકોલના જ્વેલર્સમાંથી દાગીના ચોરીને જતી સેલ્સ ગર્લ હર્ષિદા શેટ્ટીના. માણેકચોકમાં 18 લાખના દાગીના વેચવા આવેલી હર્ષિદાને જ્યારે ક્રાઇમ બ્રાંચની ટીમે ઝડપી લીધી ત્યારે તે ભાંગી પડી અને હોટલમાં બોયફ્રેન્ડ તેને છોડી દાગીના લઇને ભાગી ગયો હોવાની કેફિયત રજૂ કરી હતી.

અમદાવાદના નિકોલ વિસ્તારમાં 11 મે 2026ના રોજ જ્વેલર્સ શો રૂમમાં કામ કરતી હર્ષિદા શેટ્ટીએ 1.66 કરોડના દાગીનાની ચોરી કરી હતી. જે મામલે હર્ષિદાએ તેના બોયફ્રેન્ડ સાથે રહેવા માટે ચોરી કરી હતી. ત્યાર બાદ બંને ભાગીને ઉત્તર ભારતના અલગ અલગ રાજ્યોમાં સાથે રહ્યા હતા. જોકે, હર્ષિદા નાહવા ગઈ તે સમયે બોયફ્રેન્ડ દાગીના લઈને ફરાર થઈ ગયો હતો.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે હર્ષિદા શેટ્ટી માણકેચોકમાં દાગીના વેચવા આવી ત્યારે ધરપકડ કરી હતી. ત્યાર બાદ તેના બોયફેન્ડની પણ ધરપકડ કરી છે. પોલીસ દ્વારા બંને પાસેથી ચોરીનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

શો રૂમમાં એક દાગીનો ઓછો જણાતા કરાઇ તપાસ 

નિકોલ વિસ્તારમાં અનમોલ સર્કલ પાસે ગ્રેવિટી શોપિંગ મોલમાં દર્શનભાઈ આભૂષણ નામનો સોના-ચાંદીનો શો રૂમ ધરાવીને વ્યવસાય કરે છે. દર્શનભાઈના શો રૂમમાં મેનેજર, સેલ્સમેન, માર્કેટિંગ સહિત કૂલ 19 લોકોનો સ્ટાફ કામ કરે છે. 11 મહિના પહેલા શો રૂમમાં હર્ષિદા શેટ્ટી નામની યુવતી સેલ્સ ગર્લ્સ તરીકે જોડાઈ હતી. જોકે, 11 મે 2026ના રોજ સાંજે 5 વાગ્યે દર્શનભાઈ શો રૂમ ઉપર આવ્યા હતા અને તે સમયે એક ગ્રાહક ખરીદી કરવા આવ્યો, ત્યારે સ્ટાફના કાનજીભાઈને ટ્રેમાં રાખેલી સોનાની એક લકી ઓછી જણાઈ હતી.

CCTVમાં હર્ષિદા દાગીના કાઢી ખિસ્સામાં મુકતી દેખાઈ

આ દરમિયાન શો રૂમમાં હાજર સેલ્સ ગર્લ્સ તરીકે નોકરી કરતી હર્ષિદા શેટ્ટી હાજર નહોતી. જેથી આ બાબતે પૂછતા તેણે કહ્યું કે, તમારી રજા લઈને ઇમરજન્સી કામ હોવાથી 4:30 વાગ્યે નીકળી ગઈ હતી. દર્શનભાઈએ કોઈ રજા આપી નહોતી અને કહ્યા વગર નીકળી જતા સીસીટીવી તપાસ્યા હતા. જેમાં શો રૂમમાં લાગેલા CCTV તપાસતા હર્ષિદા સાંજે 4થી 4:30 વાગ્યાના સમયગાળા દરમિયાન બેઠકની પાછળના ભાગે કબાટમાં રાખેલા સોનાના દાગીના કાઢી ખિસ્સામાં મુક્તિ જોવા મળી હતી.

શો રૂમમાંથી 1.66 કરોડના દાગીના ગાયબ હતા

ત્યાર બાદ હર્ષિદા દુકાનના બીજા માળે આવેલા સ્ટોર રૂમ તરફ ગઈ હતી અને ત્યાંથી પોતાની બેગ લઈને બહાર નીકળી હતી. હર્ષિદાના મોબાઈલ ફોન ઉપર ફોન કરતા તે સ્વિચ ઓફ આવતો હતો. જેથી આખા શો રૂમમાં સોનાના દાગીનાની તપાસ કરતા સોનાની ચેન, લકી, ઘડિયાળ, બુટ્ટી, મંગળસૂત્ર, પેન્ડલ અને વીંટીઓ મળી કૂલ 1.66 કરોડના સોનાના દાગીના લઈને ફરાર થઈ હોવાનું ધ્યાને આવ્યું હતું. સમગ્ર મામલે નિકોલ પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી હતી.

18 લાખના દાગીના વેચવા આવતા પકડાઇ

આ દરમિયાન અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, હર્ષિદા દાગીના લઈને માણેકચોકમાં વેચવા આવી છે. જેથી ક્રાઈમ બ્રાન્ચની ટીમે ત્યાં પહોંચી હર્ષિદા દાગીના વેચે તે પહેલાં જ તેની અટકાયત કરી હતી. હર્ષિદાને ક્રાઈમ બ્રાન્ચ લઈ જવામાં આવી હતી. જ્યાં તપાસ કરતા તેની પાસેથી 18 લાખના ચોરીના દાગીના મળી આવ્યા હતા. હર્ષિદાએ 1.66 કરોડના દાગીના ચોર્યા હતા, ત્યારે 18 લાખના દાગીના મળતા બાકીના મુદ્દામાલ અંગે પૂછપરછ કરવામાં આવી હતી.

હર્ષિદા પોતાનું જીવન પોતાની શરતે જીવતી હતી

હર્ષિદા પોતાનું જીવન પોતાની શરતે જીવતી હતી. ત્યારે જ છ મહિના પહેલા તેની મુલાકાત બીએનઆઇની મીટિંગ દરમિયાન મયૂર માળી સાથે થઇ. એકલવાયું જીવન જીવતી હર્ષિદાને મયૂર સાથે મિત્રતા થઇ. તેને પણ કોઇનો સહારો જોઇતો હતો. મયૂરે તેનો ઉપયોગ કરવાનો પ્લાન ઘડ્યો. પ્રિન્ટિંગનું કામ કરતો મયૂર બે સંતાનોનો પિતા હોવા છતાં તેણે હર્ષિદા સાથે નિકટતા કેળવી અને તેની સાથે સેટલ થઇ જવાના સપના બતાવ્યા.

ત્રણ મહિનામાં તે હર્ષિદાની ખૂબ જ નિકટ આવી ગયો અને તેણે જ હર્ષિદાને શોરૂમમાંથી દાગીના ચોરીને ભાગીએ તો જિંદગી શાંતિથી જીવાય તેવા સપના બતાવ્યા. ત્યારે જ ચારેક દિવસ પહેલા શોરૂમના માલિક ઘરે જમવા ગયા અને હર્ષિદાએ શોરૂમમાંથી 1.66 કરોડના દાગીના ચોરી લીધા અને મયૂર સાથે નવી જિંદગીના સપના સાથે ભાગી ગઇ. લગભગ એકાદ કલાકમાં તો હર્ષિદાના દાગીના ચોરતા વીડિયો ચેનલો પર વાયરલ થઇ ગયા. તે પહેલા તેણે મયૂર સાથે અમદાવાદ છોડી દીધું હતું. તેના જણાવ્યા મુજબ તે મયૂર સાથે પહેલા દિલ્હી અને ત્યાંથી હરિદ્વાર-ઋષિકેશ પહોંચી ગયા હતા.

જ્યાં સુધી 1.66 કરોડના દાગીના હર્ષિદા પાસે જ હતા ત્યાં સુધી મયૂરના વર્તનમાં પ્રેમ હતો. હોટલમાં હર્ષિદા દાગીના મૂકીને નાહવા ગઇ ત્યારે જ તક મળતાં મયૂર 18 લાખના દાગીના હર્ષિદા માટે છોડીને બાકીના દાગીના લઇને ભાગી ગયો. જ્યારે હર્ષિદા બાથરૂમમાંથી બહાર આવી ત્યારે નહોતો મયૂર કે નહોતા શાંતિથી જિંદગી જીવી શકાય તેટલી કિંમતના દાગીના.