અમદાવાદઃ ગુરુવારે શહેરમાં ભારે વરસાદ પડ્યો હતો અને અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી રોડ ટ્રાફિક ભારે ખોરવાઈ ગયો હતો. ટ્રાફિક જામ અને ધીમી ગતિએ ચાલતા વાહનો વચ્ચે, મોટી સંખ્યામાં મુસાફરોએ અમદાવાદ મેટ્રો રેલની મુસાફરી પસંદ કરી હતી. સામાન્ય દિવસની સરખામણીમાં મુસાફરોની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો.
અમદાવાદ મેટ્રો રેલ દરરોજ 397 અપ અને ડાઉન ટ્રીપ ચલાવે છે. ગુરુવારે શહેરમાં ભારે વરસાદને કારણે રોડ ટ્રાન્સપોર્ટેશનને ભારે અસર થઈ હતી. જેના કારણે લગભગ 1.75 લાખ મુસાફરોએ મેટ્રો રેલનો લાભ ઉઠાવ્યો હતો. ટુ વ્હીલર અને ફોર વ્હીલર ચાલકોને પોતાાન વાહનો રસ્તા પર મૂકવાની ફરજ પડી હતી. એએમટીએસ અને બીઆરટીએસની સેવા પણ ઘણી ધીમી હતી અને અમુક રૂ્ટસ રદ કરવા આવ્યા હતા. આથી મેટ્રો મુસાફરો માટે વરદાન સાબિત થઈ હતી.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી) દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, આજે સવારે 6 થી સાંજે 8 વાગ્યા દરમિયાન શહેરમાં સરેરાશ 8 ઇંચ વરસાદ પડ્યો હતો. શહેરના ઘણા ભાગોમાં ભારે વરસાદ પડ્યો હતો, જેમાં દક્ષિણ પશ્ચિમ ઝોન, બોપલ, બાકરોલ, સરખેજ, જોધપુર અને અન્ય વિસ્તારોનો સમાવેશ થાય છે, તેમાં સૌથી વધુ 320.29 મીમી (12.6 ઇંચ) સરેરાશ વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદને કારણે ઘણા મુખ્ય રસ્તાઓ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે સમગ્ર શહેરમાં દિવસભર ટ્રાફિક ખોરવાઈ ગયો હતો.
લોકોએ પાંચથી દસ કિલોમીટર પાણીમાં ચાલવાની ફરજ પડી હતી. રસ્તા પર ઝાડ પડી ગયા હોવાને કારણે અને પાણી ભરાઈ ગયા હોવાને કારણે ટ્રાફિક જામ સર્જાયો હતો. જે રૂટ અડધી કલાકમાં પૂરો થતો હોય તેને પસાર કરતા લગભગ બે કલાકથી પણ વધારે સમય લાગી ગયો હતો.