Wed Aug 26 2026

Logo

અમદાવાદના ક્યા વિસ્તારોમાં આખી સોસાયટીઓ ડૂબતાં આર્મીની મદદ લેવી પડી ?

2026-07-24 13:21:00
Author: Mayur Patel
અમદાવાદના ક્યા વિસ્તારોમાં આખી સોસાયટીઓ ડૂબતાં આર્મીની મદદ લેવી પડી ?

અમદાવાદઃ શહેરમાં પડેલા ભારે વરસાદના કારણે પશ્ચિમના પોશ વિસ્તારોના લકઝુરિયસ બંગલા, સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા છે. શહેરના કર્ણાવતી ક્લબની પાછળ આવેલી સોસાયટીઓમાં પાણી ભરાઈ જતાં આખો વિસ્તાર ડૂબી ગયો છે. ત્યાંથી લોકોને સલામત બહાર કાઢવા માટે આર્મીની 5 ટ્રક ટીમ બોટ સાથે મેદાનમાં ઉતારવામાં આવી છે. અહીં કરોડો રૂપિયાના બંગલો ધરાવતો સેન્ટોસા પાર્ક વિસ્તાર પાણી પાણી થઈ ગયો છે. કરોડો રૂપિયા ખર્ચી બંગલા બનાવ્યા છતાં પાણી ભરાઈ જતા આર્મીની ટીમ તેમને બહાર કાઢવા માટે અને તેમની મદદ કરવા માટે પહોંચી હતી. આ વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ સર્જાતા અને આર્મીની મદદ લેવામાં આવતાં લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.

આ ઉપરાંત દર વર્ષની જેમ વેજલપુર વિસ્તારમાં વરસાદના કારણે તમામ રોડ રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા છે. વેજલપુર વિસ્તારમાં આવેલા શ્રી નંદનગરમાં પાણી ભરાવાથી 20 હજાર કરતા વધુ લોકોને અસર થઈ છે. ગઈકાલ સાંજ બાદ લોકોને બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે. 

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં નિકોલના સંગાથ ચાર રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયો છે. છેલ્લા 5 વર્ષથી અને સતત 24 કલાકથી પાણી ભરાયેલા રહેતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

અમદાાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ 11.65 ઇંચ વરસાદ પડ્યો હતો. જેના કારણે સમગ્ર શહેર જળબંબાકાર થયું છે.બોપલમાં સૌથી વધુ 18.41 ઇંચ, બાકરોલમાં 18.21 ઇંચ, સરખેજમાં 16.34 ઇંચ, થલતેજમાં 16.08 ઇંચ, જોધપુરમાં 16.06 ઇંચ તથા બોડકદેવમાં 16.02 ઇંચ વરસાદ નોંધાયો હતો.